મોરબી : સોસાયટીનો રસ્તો ખુલ્લો કરવા બાબતે રહેવાશીઓ અને તંત્ર વચ્ચે ભારે ઘર્ષણ

- text


રહેવાસીઓના ભારે વિરોધની વચ્ચે બે કલાક સુધી ઘર્ષણ ચાલ્યા બાદ અંતે તંત્રએ સોમવાર સુધીમાં જો રહેવાસીઓ જાતે રસ્તો ન ખુલ્લો કરે તો ડીમોલીશનની ચીમકી આપી

મોરબીના લીલાપર કેનાલ રોડ પર આવેલી આરાધના સોસાયટીના રહેવાસીઓ દ્વારા સાર્વજનિક પ્લોટ પર દબાણ કરી આગળની સોસાયટીમાં જવાનો રસ્તો બંધ કર્યા બાદ તંત્ર આજે બંધ રસ્તો ખુલ્લો કરવા પહોચ્યું હતું. પરંતુ રહેવાસીઓના ભારે વિરોધની વચ્ચે બે કલાક સુધી ઘર્ષણ ચાલ્યા બાદ અંતે તંત્રએ સોમવાર સુધીમાં જો રહેવાસીઓ જાતે રસ્તો ન ખુલ્લો કરે તો ડીમોલીશનની ચીમકી આપી પરત ફર્યું હતું.
કેનાલ રોડ પર આવેલી આરાધના સોસાયટીનાં રહીશોને સાર્વજનિક પ્લોટ પર દબાણ કરી આગળની વિજયનગર અને શ્રીજી સોસાયટી જવાનો માર્ગ બંધ કરી દીધો હતો. જે બાબતે ફરીયાદ બાદ કલેકટરે રસ્તો ખુલ્લો કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમનાં પગલે અગાઉ બે વખત પાલિકા અને મામલતદારનો સ્ટાફ રસ્તો ખુલો કરવા ગયું હતું. પરંતુ રહેવાસીઓના ભારે વિરોધથી પરત ફર્યા બાદ આજે ફરીથી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે ડીમોલેશન માટે પહોચ્યું હતું. પરંતુ રસ્તાઓની દીવાલ પર સોસાયટીની મહિલાઓ બેસીને ભારે વિરોધ કર્યો હતો. સતત બે કલાક ચાલેલી બબાલ બાદ સ્થળ પર અંતે ડે.કલેકટરને પહોચવું પડ્યું હતું. અને લાંબી બબાલ બાદ રહેવાસીઓએ સોમવાર સુધીની મુદત માંગતા તંત્રએ જો સોમવાર સુધીમાં રસ્તો ખુલ્લો ન કરાય તો ડીમોલીશનની ચીમકી આપી પરત ફર્યું હતું. ઉલ્લેખનીય છે કે આરાધના સોસાયટીમાં રસ્તાના મુદે લાંબા સમયથી માથાકૂટ ચાલી રહી છે.

 

- text