સિરામિક ઉદ્યોગને જીએસટીમાં ન્યાય નહીં મળે તો કોંગ્રેસની આંદોલનની ચીમકી

- text


મોરબી જિલ્લાનાં કરોડરજ્જુ સિરામિક ઉદ્યોગને ભાંગતો અટકાવવા સરકારને કોંગ્રેસની ચેતવણી

મોરબી જિલ્લાની કરોડરજજુ સમાન સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ્સનો ભાજપની કેન્દ્ર સરકારે જીએસટી હેઠળ ૨૮%ના સ્લેબમાં સમાવેશ કરી જે અન્યાય કર્યો છે તે નિવારી ૧૮% સ્લેબ હેઠળ આવરી લેવી જોઈએ. જો આમ નહિ થાય તો જીએસટીનું કરભારણ નાના ઉદ્યોગોનું વહન નહિ કરી શકે અને સિરામિકના ઉદ્યોગને તાળા લાગી જશે. પરિણામે હજારો શ્રમિકો બેકાર બનશે. સિરામિક આધારિત અન્ય નાના વેપારીઓનો રોજગારી પર માઠી અસર પડશે અને મોરબીનો વિકાસ રૂંધાઇ જશે. મોરબીના હિતમાં કોંગ્રેસ કોઈ કાળે આ બાબત સહન નહિ કરે એવી સ્પષ્ટ ચેતવણી બ્રિજેશ મેરજાએ આપી છે. ભાજપ સરકારની નિર્ભરતા સામે એન્ટી ડમ્પીંગ ડ્યુટી નાખવા મુદ્દે સિરામિક ઉદ્યોગને નામદાર કોર્ટનો આશરો લેવો પડે તે ગંભીર બાબત છે. એવું જણાવી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે, સિરામિક ઉદ્યોગકાર સાથે સંકળાયેલા નાના મજુરો અને વ્યવસાયકારોના હિતમાં ઉદ્યોગોને ભાંગતા અટકાવવા કોંગ્રેસ મૃત્યુઘંટ વગાડી સરકારને ચેતવણી આપતા કાર્યક્રમો યોજાશે.
મોરબીના સિરામિક એસોસીયેશન ઉદ્યોગનાં હિતમાં ભાજપ સરકાર સામે રજૂઆત કરી વ્યાજબી પ્રશ્ને ઉકેલવા સતત પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે ભાજપના પ્રતિનિધિનું પાણી હલતું નથી. તે સામે કોંગ્રેસ આક્રોશ વ્યકત કરી મોરબીના ઉદ્યોગને કોઈ કાળે બચાવી લેવો ખુબ જરૂરી માને છે. આથી કોંગ્રેસ પ્રમુખ બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, સિરામિક.એસો.એ હવે ભાજપ સરકાર સામે કાકલુદી બંધ કરી પોતાનો હક્ક માંગવા આંદોલનનો માર્ગ લેવો જોઈએ. આ સરકાર જન આંદોલનની જ ભાષા સમજે છે.

- text