મોરબી : પવિત્ર રમજાન માસમાં મજૂરોને ભાવતા ભોજનની સાથે કપડાંની જોડી ભેટમાં અપાઈ

- text


સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટવાળા અજીજભાઈ ઠેબા દ્વારા છેલ્લાં ચાર વર્ષથી લાતી પ્લોટનાં ૧૫૦થી વધુ મજૂરોને રમજાન મહિનામાં ભોજન કરાવી માન-સમ્માનપૂર્વક દરેકને કપડાની જોડી ભેટમાં આપવામાં આવે છે

મોરબીના સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટવાળા અજીજભાઈ ઠેબા છેલ્લાં ત્રણ દસકથી ટ્રાન્સપોર્ટનાં વ્યવસાય સાથે જોડાયેલા છે. જેઓ દ્વારા છેલ્લાં ચાર વર્ષથી લાતી પ્લોટનાં ૧૫૦થી વધુ મજૂરોને રમજાન મહિનામાં ભોજન કરાવી માન-સમ્માનપૂર્વક દરેકને કપડાની જોડીનું વિતરણ કરવામાં આવે છે. આ વર્ષે આ કાર્યક્રમમાં મોરબી ક્લોક એસોસિયેશનના પ્રમુખ શશોકભાઈ દંગી, યંગ ઈન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી અને જાણીતા પત્રકાર દિલીપ બરાસરા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સેવાકીય કાર્યક્રમનો હેતુ હિન્દુ મુસ્લિમ મજૂરોને રમજાન મહિનામાં જમાડી તેમની નિષ્ઠા, ઈમાનદારી અને મહેનતનુ સન્માન કરવાનો પ્રયાસ છે.

- text

સેવાભાવી અજીજભાઈ આ સેવાકીય કાર્ય અંગે જણાવે છે કે, હું જે કઇ છું તે મારા પરિવાર સમાન મજૂર ભાઈ-બહેનનાં પરિશ્રમના કારણે છું. આથી પવિત્ર રમજાન મહિનામાં લાતી પ્લોટનાં નાના-મોટા મજૂરોને જમાડી તેમને ભેટ આપી આનંદ અનુભવું છું. જયારે મોરબી ક્લોક એસોશિએશનનાં પ્રમુખ શશાંકભાઈ દંગીએ જણાવ્યું હતું કે, મોરબીનાં લાતીપ્લોટ અને ઘડિયાળ ઉદ્યોગ સ્થાનિક મજૂરોને સન્માનપૂર્વક રોજી રોટી આપતાં ઉદ્યોગો છે. અહીં ભેદભાવ વગર તમામ ધર્મના લોકો ભાઇચારા સાથે કામ કરે છે. આ ઉદ્યોગ મહિલા રોજગારી આપતો અગ્રતાક્રમનો ઉદ્યોગ છે. આ મજૂરોની નિષ્ઠા અને ઈમાનદારી અમારા માટે ગૌરવ સમાન છે. તેમજ મજૂરોના હિત માટે અમે સતત ચિંતિત અને કાર્યશીલ છે.
ભોજન અને કપડા વિતરણ કાર્યક્રમ અંગે દેવેનભાઇ રબારીએ જણાવ્યું હતું કે, અજીજભાઈ જેવા ઉદ્યોગપતિનો મજૂરો પ્રત્યેનો પ્રેમ જોઈને આનંદ થાય છે. અમારું યંગ ઈન્ડિયા ગ્રુપ આ જ વિચારધારા પર કામ કરી રહયું છે. સામાન્ય નાના વર્ગનું સન્માન અને ઉત્થાન અત્યંત જરૂરી છે. લાતીપ્લોટની કોમી એકતાની મિશાલ કાયમ રહે અને અહીના મજૂરોની ઈમાનદારી અને નિષ્ઠાથી આ વિસ્તારમાં શિક્ષણ સહિતના કામો માટે યંગ ઈન્ડિયા ગ્રુપ તમામ મદદ માટે તત્પર છે. જયારે જાણીતા પત્રકાર દિલીપભાઈએ આ કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે ઘણાં મોટામોટા ફંકશનો અને કાર્યક્રમોમાં જવાનું થાય છે. પણ આજનાં આ કાર્યક્રમમાં જે આનંદ મળ્યો છે તે મોટા ફંકશનોમાં પણ નથી આવતો. આપણો દેશ મોટા રાજકીય, ઉદ્યોગપતિ કે આગેવાનોથી નથી ચાલતો. ભારત દેશ સામાન્ય વર્ગની નિષ્ઠા અને મહેનતથી ચાલી રહ્યો છે. લાતી પ્લોટના મજૂરોની ઈમાનદારી અને નિષ્ઠાની મિસાલ દેવાય છે. જે ઘણી મોટી બાબત છે. અજીજભાઈ અને શશાંકભાઈ તેમજ દેવેનભાઈ રબારી જેવા લોકોના આવા કર્યોથી જ માનવતા અને ભાઇચારાની ભાવના મજબૂત બની રહે છે. આમ, સૌરાષ્ટ્ર ટ્રાન્સપોર્ટવાળા અજીજભાઈ ઠેબા, મોરબી ક્લોક એસો.નાં પ્રમુખ શશાકભાઈ દંગી, દેવેનભાઈ રબારી અને જાણીતા પત્રકાર દિલીપભાઈ બરાસરાના હસ્તે લાતીપ્લોટના મજૂરોને કપડાની જોડી ભેટમાં આપવામાં આવી હતી.

- text