મોરબી : ભિક્ષાવૃત્તિમાંથી બે બાળકોની મુક્તિ થતા નવજીવન મળ્યું

- text


બાળસુરક્ષા, સમાજસુરક્ષા, પોલીસ અને ૧૮૧ની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી

મોરબી રેલવે સ્ટેશન પાસેથી કંગાળ હાલતમાં બે બાળકો ભિક્ષાવૃત્તિ કરતા મળી આવ્યા હતા. બંને બાળકોનું કાઉન્સેલીંગ કરી હોમકેરમાં મોકલી અપાયા હતા. ભીખ માંગતા બંને બાળકોને બાળસુરક્ષા, સમાજસુરક્ષા, પોલીસ અને ૧૮૧ની ટીમેં પ્રશંસનીય કામગીરી નવજીવન આપ્યું છે.
મોરબી રેલવે સ્ટેશને બાળકો ભીખ માંગતા હોવાની માહિતીને આધારે જિલ્લા બાળસુરક્ષા અધિકારી રંજનબેન મકવાણા તપાસ માટે રેલવે સ્ટેશન દોડી ગયા હતા. જ્યાં એક બાર વર્ષનો બાળક ભીખ માંગતા જોવા મળતા તેના કાઉન્સેલીંગ દરમિયાન પ્રાપ્ત વિગત મુજબ બાળક નાનપણથી જ અનાથ છે. તેના કાકા છે જે તેની પાસે પૈસા પડાવી લે છે. આથી આ બાળક જ્યાંત્યાં ભટકી ભીખ માંગી રેલવે પ્લેટફોર્મમાં સુઈ રહે છે. આ બાળકની દયનીય હાલત ઉપરાંત સ્થિતિ બહુ જ કફોડી હતી. કેમ કે, ભિક્ષા માંગવી તેને પસંદ ન હોવા છતા મજબૂરીવશ આ કામ કરવું પડી રહ્યું હતું. તેને ભણવું હોવા છતા તે ભણી શકતો ન હતો. હવે જો આ બાળકની હાલત થોડા સમયમાં ન સુધરતી તો બની શકે તે કોઈ અન્ય ગેરમાર્ગે ચડી જતો. આથી સમાજસુરક્ષા અધિકારીએ બાળસુરક્ષા, એ ડિવીજન અને ૧૮૨ની ટીમને રેલવે સ્ટેશન પર બોલાવી આ બાળકનું કાઉન્સેલીંગ કર્યું હતું
આ ઉપરાંત રેલવે સ્ટેશન પાસે એક બાર વર્ષની બાળકી પણ ભીખ માંગતા મળી આવી હતી જેની હાલત પણ દયનીય હતી આટલું જ નહીં પરંતુ કેટલાક લોકોની કુદ્રષ્ટિ પણ તેના પર હતી. આથી આ બાળકીનું પણ કાઉન્સેલીંગ કરતા બાળકીને રસોઈ અને સિલાઈ કામમાં રસ હોવાનું જણાય આવ્યું હતું. રેલવે સ્ટેશન પાસેથી મળી આવેલા બંને બાળકોને સૌ પ્રથમ નવડાવી સ્વચ્છ કપડા પહેરાવી હોમકેરમાં મોકલી આપવામાં આવ્યા હતા. વિશેષમાં આ બાળકો માટે શાળામાં એડમિશન માટેની વ્યવસ્થા કરાઈ હતી. બાળસુરક્ષાના રંજનબેન મકવાણા, એ ડિવીજન પીઆઈ ઓડેદરા, સમાજસુરક્ષા અધિકારી કનકસિંહ, અને ૧૮૧ની ટીમે પ્રેરણાદાયી કામગીરી કરી બંને બાળકોને નવજીવન આપ્યાનું પુણ્ય અને પ્રસંશનીય કાર્ય કર્યું છે.

- text