મોરબી : પાલિકાનું કામ પ્રજાએ પાર પાડ્યું : જાતમહેનત જિંદાબાદ

- text


શ્રીજીપાર્ક નાળા પાસેનો ટેકરો દૂર કરવામાં પાલિકાની ઉદાસી સામે પ્રજાએ ઉત્સાહથી કાર્ય કરી જગ્યાને સમથળ કરી વ્રુક્ષ વાવ્યા

મોરબી : પાલિકા તંત્ર લોકોને સ્પર્શતી સમસ્યાનું નિરાકરણ લાવવામાં કાયમ નકામું બની નફ્ફટાઈભર્યું વલણ દાખવતું હોય છે ત્યારે પાલિકાનાં કામો પ્રજાએ કરવા પડે છે. જેમાં શનાળા રોડ પર નાળા પાસેનો ટેકરો શ્રીજી પાર્કનાં રહેવાસીઓ માટે ભારે મુશ્કેલી ઉભો કરતો હોવાથી સ્થાનિક લોકોએ તંત્રને અઢળક અરજીઓ કરી હતી. પરંતુ તંત્રએ નકટુ થઈ ન કર્યું તે ન જ કર્યું અને અંતે પ્રજાએ વોકળા પરનો પથરો સમથળ કરીને જાત મહેનત જિંદાબાદનો પરચો આપ્યો હતો.
મોરબીનાં શનાળા રોડ પરનાં ઉમિયા સર્કલ પાસે શ્રીજી પાર્ક સોસાયટીની નજીકથી વર્ષો જુનું નાળું આવેલું છે. જે ગત વર્ષ વરસાદને કારણે તૂટી ગયું હતું તેથી નવું નાળું બનાવતા તંત્ર દ્વારા ખોદકામ કરતા વોકળાની માટી અને કદડો બાજુમાં જમા કરી ટેકરો ખડકી દેવામાં આવ્યો હતો. આ કારણે શ્રીજી પાર્ક સોસાયટીનાં લોકોને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. વળી આ ટેકરાએ ગંદકી અને દુર્ગધનું વાતાવરણ પણ ઉભું કર્યું હતું. જેથી લોકોએ કોન્ટ્રાકટરને રજૂઆત કરી ટેકરો સમથળ કરવા જણાવ્યું હતું પણ કોન્ટ્રાકટરે ધ્યાન ન આપતા લોકોએ પાલિકાને રજૂઆત કરી. જેનું પરિણામ શૂન્ય રહી કશું ન થયું. આથી અંતે શ્રીજી પાર્કનાં લોકોએ સહિયારા શ્રમસર્ઘર્ષનું કાર્ય શરુ કરી ટેકરો સમથળ કર્યો. આ કાર્યમાં ૭થી ૮૦ વર્ષ સુધીના લોકોએ ભાગ લઈ પોતાના વિસ્તારને સુંદર બનાવ્યો હતો. જો કે પાલીકાના કામ પ્રજાએ કરવા પડતા હોય લોકોમાં રોષ સાથે હકીકતમાં પાલિકાની જરૂર છે? તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા.

- text