પુસ્તક પરબ દ્વારા ટંકારામાં શરૂ થયો વાંચનનો મહાયજ્ઞ

ટંકારા : આજે ગુરુપૂર્ણિમા છે. ગુરુ વિના જ્ઞાન નહીં એવી એક ઉક્તિ છે. જ્ઞાનની ભૂખ સંતોષવા માનવી ગુરુ સમીપે જતો હોય છે. જો કે જ્ઞાન એ એક એવો અગાઢ દરિયો છે કે એ ક્યારેય ખૂટે જ નહીં. જ્ઞાનક્ષુધા સંતોષવા માટેનું ઉત્તમ માધ્યમ પુસ્તક પણ છે. જો કે સારા-સારા પુસ્તકો મેળવવા અને તેનું વાંચન કરી જ્ઞાન સમૃદ્ધ થવું સાંપ્રત સમયમાં દોહલું બન્યું છે ત્યારે ટંકારા જેવા શહેરમાં પુસ્તક પરબ દ્વારા વાંચનનો મહા યજ્ઞ શરૂ થયો છે.

પુસ્તક પ્રેમીઓની વાંચનની ભૂખ સંતોષવા માટે ટંકારાના યુવકો દ્વારા એક અનોખી પરબ શરૂ કરવામાં આવી છે. જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાની પાસે રહેલું પુસ્તક અહીં આપી શકે છે અને વાંચકો વિના મુલ્યે અહીંથી મનગમતું પુસ્તક પસંદ કરી તેનું વાંચન કરી શકે છે. ટંકારાની પુસ્તક પરબ ટીમ દ્વારા લોકોને વાંચન પ્રત્યે રુચિ વધે અને લોકોને સમૃદ્ધ વાંચન પૂરું પાડી શકાય એ માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પુસ્તક પરબની શરૂઆત 500 જેટલા વૈવિધ્યસભર પુસ્તકોથી થઈ હતી. ત્યારે અબાલ-વૃદ્ધ સૌ કોઈ આ પરબનો લાભ લઇ રહ્યા છે.

કુમાર તાલુકા શાળા ટંકારા ખાતે દર મહિનાના પહેલા રવિવારે સવારે 8;30થી 11;30 સુધી આ પુસ્તક પરબ ખુલ્લી રાખવામાં આવશે. આ પ્રોજેક્ટને સફળ બનાવવા પરબ ટીમના સભ્યો કલ્પેશભાઈ ફેફર, રાકેશભાઈ ફેફર, પરેશભાઈ નમેરા, ધવલભાઈ ભીમાણી, મહર્ષિભાઇ પંડ્યા, ગીતાબેન સાંચલા, નીપાબેન મેંદપરા અને પૂજાબેન મેંદપરા દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ટંકારાનાં દાતાનો તેમજ યુવાનોનો સાથ સહકાર મળ્યો હતો. ભવિષ્યમાં પણ પુસ્તક પરબ વધું વેગવંતુ બને એવી પુસ્તક પરબ ટીમ દ્રારા આશા વ્યકત કરવામાં આવી છે.