વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ મારામારીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના ભલગામ ગામે રહેતા મનોજભાઇ ઉર્ફે મનુભાઈ વિરજીભાઈ મકવાણા ઉ.વ.29 નામના યુવાને તે જ ગામે રહેતા ધીરુભાઈ સત્તાભાઈ સુસરા ઉ.વ.30 સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીએ અગાઉ આરોપી પાસેથી હાથ ઉછીનાં રૂપિયા લીધા હતા પણ આ રૂપિયા તેઓ પરત ન દઈ શકતા વારંવાર હાથ ઉછીનાં આપેલા રૂપિયાની ઉઘરાણી કરીને આરોપીએ હાથમાં પહેરેલા કડાં વડા તેમને કપાળના ભાગે માર મારીને ઇજા કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.