મોરબીની નવલખી ફાટકે ફલાય ઓવર બનવાની શકયતા : ટ્રાફિક સમસ્યા થશે હળવી

- text


નટરાજ ફાટકે અન્ડરબ્રિજને મંજૂરી મળ્યા બાદ વધુ એક ફલાય ઓવર માટે રાજ્ય સરકારના બજેટમાં જોગવાઈ

મોરબી : મોરબીમાં ટ્રાફિક સમસ્યા થોડા અંશે હળવી થવાના એંધાણ મળી રહ્યા છે. કારણકે આજે રજૂ થયેલા રાજ્ય સરકારના બજેટમાં મોરબી માટે એક ફલાય ઓવરની જોગવાઈ કરવામાં આવી છે. આ ફલાય ઓવર નવલખી ફાટકે બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ગુજરાત રાજ્યનું વર્ષ ૨૦૧૯-૨૦નું વચગાળાનું બજેટ રજૂ કરતા નાણામંત્રી નીતિનભાઈ પટેલે રાજ્યના વિવિધ શહેરોના ૭૫ ફલાય ઓવર બનાવવાની જાહેરાત કરી હતી. જેમાં તેઓએ મોરબી શહેરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આ તમામ ફલાય ઓવર રાજ્યસરકાર પોતાના ખર્ચે બનાવશે.

- text

ઉલ્લેખનીય છે કે મોરબીમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા ઘેરી બની રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી ફલાય ઓવરની માંગ ઉઠી હતી. જે બદલ રાજ્ય સરકારે મોરબીમાં ફલાય ઓવર બનાવવાની બજેટમાં જોગવાઈ કરી છે. આ ફલાય ઓવર સતત ટ્રાફિક થી ધમધમતા નવલખી ફાટક પાસે બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ફ્લાઈ ઓવરના કારણે ટ્રાફિક સમસ્યામા થોડા અંશે રાહત મળશે.

આ ઉપરાંત ભારે ટ્રાફિક ધરાવતા નટરાજ ફાટકે પણ અન્ડરબ્રિજ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. જેને તાજેતરમાં જ મંજૂરી મળી છે. હાલ તંત્ર દ્વારા આ અન્ડર બ્રિજના નિર્માણની તૈયારી પણ આદરી દેવામાં આવી છે. અન્ડરબ્રિજના કામ માટેની ખાતાકીય પ્રક્રિયા હાલ પૂર્ણ થવાના આરે હોવાનું જાણવા મળ્યું છે.

- text