માળીયા, મોરબી બાદ હવે કેનાલના પાણી મુદે હળવદના ખેડૂતોનું હલ્લાબોલ

ધ્રાંગધ્રા કેનાલમાંથી પાણી બંધ કરાતા આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી આંદોલન છેડાયું

હળવદ : હળવદ પંથકમાં ઓણ સાલ નહિવત વરસાદને કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે ત્યારે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હળવદ કેનાલની શાખા નંબર ૧૮ થી ૨૬ મા એકાએક પાણી બંધ કરી દેવાતા માળીયા, મોરબી બાદ હવે હળવદના ૨૦ થી વધુ ગામોના ખેડૂતો દ્વારા તાલુકા પંચાયત પ્રમુખ ની આગેવાનીમાં આજરોજ હળવદ પોલીસ મથકે અને મામલતદારને રજૂઆત કરવા દોડી આવ્યા હતા સાથે જો પાણી તાત્કાલિક ધોરણે નહિ આપવામાં આવે તો ઉપવાસ આંદોલન સાથે આત્મવિલોપન પણ કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી ગયો છે.

હળવદ પંથકમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાંચ કેનાલમાથી પેટા કેનાલમા ખેડૂતોને પાણી મળી રહે તે માટે છોડવામાં આવતું હતું પરંતુ એકાએક ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી શાખા નંબર ૧૮ થી ૨૬ નંબરની શાખા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે

વધુમાં શાખા નંબર ૧૮ માં હળવદ તથા ઘનશ્યામ ગઢ તેમજ શાખા નંબર ૧૯ માં રણજીત ગઢ જ્યારે શાખા નંબર ૨૨ માં ધનાળા પ્રતાપગઢ, ધુડકોટ, મયુરનગર,ઘાટીલા, શાખા નંબર ૨૩ માં સુસવાવ દેવળીયા, નવા દેવળિયા સુરવદર, રોહીશાળા, ધુળકોટ સહિતના ગામોનો સમાવેશ થાય છે ત્યારે એકાએક પેટા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતો કાળ જાળ બન્યા છે.

દરમિયાન કેનાલના પાણી મુદ્દે ખેડૂત આગેવાનો તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સહિત ૨૦૦ થી વધારે ખેડૂતોએ હળવદ પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આવેદનપત્રમાં જણાવ્યા મુજબ આ વર્ષે ખરીફ સીઝન પાકમાં બિલકુલ વરસાદ થયેલ નથી અને કોઈપણ પાકની ખેડૂતોને ઉપજ પણ આવી નથી ત્યારે હાલમાં રવી સીઝનમાં રાજ્ય સરકાર દ્વારા નર્મદાના કમાન્ડ વિસ્તારમાં ખેડૂતોને રવી સીઝનમાં પાણી આપવા જાહેરાત કરેલ હોવા છતાં પણ કેનાલના અધિકારીઓ દ્વારા ઉપરોક્ત શાખાના દરવાજા વારંવાર બંધ કરી દેવાતા ખેડૂતોને પાણી મળતું નથી જેના કારણે રવી સીઝનમાં એક પણ પાણ આપેલ નથી અને જે શાખામાં પણ ચાલે છે તે તારીખ ૫ થી બંધ કરી દેવાયું છે.

જ્યારે બીજી તરફ ખેડૂતોએ રવી સીઝનમાં પુષ્કળ પ્રમાણમાં વાવેતર કરી દીધેલ હોય અને પાણી નહીં મળે તો ખેડૂતોને કરોડો રૂપિયાનો પાક નિષ્ફળ જશે અને ખેડૂતોના માલઢોર પણ મૃત્યુ પામશે જેથી હાલની સિઝનમાં નર્મદાનું પાણી ખેડૂતોને આપવામાં આવે નહિતર ખેડૂતો કરોડો રૂપિયાના દેવા નીચે દબાઈ જશે અંતમાં ચીમકી પણ ઉચ્ચારાઇ છે કે તાત્કાલિક જો ખેડૂતોને પાણી નહિ આપવામાં આવે તો હળવદ મામલતદાર કચેરી ખાતે ખેડૂતો દ્વારા આત્મવિલોપન પણ કરવામાં આવશે.