આજે પણ જેની સ્મૃતિઓ કાળજા કંપાવી દે છે તે મચ્છુ જળ હોનારતની શનિવારે ૩૯મી વરસી

૧૧ ઓગસ્ટ ૧૯૭૯ : મચ્છુ ડેમ તૂટતા મોરબીમાં સર્જાયું હતું મોતનુ તાંડવ , પળ ભરમાં તો શહેર સ્મશાનમાં ફેરવાઈ ગયું ‘તું

શનિવારે પાલિકા તંત્ર મૌન રેલી યોજી મણીમંદિર ખાતેના સ્મૃતિ સ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરશે

મોરબી : ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના રોજ મોરબીમાં સર્જાયેલા મચ્છુ જળ હોનારતને આગામી શનિવારે ૩૯ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આજે પણ જેની સ્મૃતિઓ કાળજા કંપાવી દે છે તે જળ હોનારતે મોરબી શહેરને પળભરમાં તો સ્મશાન બનાવી દીધું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા દિવંગતોના મણીમંદિર ખાતે આવેલા સ્મૃતિસ્તંભ સુધી પાલિકા દ્વારા શનિવારે રેલી યોજાશે. બાદમાં સ્મૃતિસ્તંભ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાશે.

મોરબી શહેર આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ મોરબીવાસીઓ મચ્છુ જળ પ્રલયની ઘટનાને ક્યારેય ભૂલી નહિ શકે. મચ્છુ-૨ ડેમ તૂટતા કલ્પી ન શકાય તેવી તારાજી થઈ હતી. મોરબી શહેર પળભરમાં સ્મશાનમાં તબદીલ થઇ ગયું હતું. ૧૧ ઓગસ્ટ ૧૯૭૯ના દિવસે મોરબીમાં સામાન્ય જનજીવન ધબકતું હતું. પરંતુ ઉપરવાસના ભારે વરસાદના કારણે મહાકાય ગણાતા મચ્છુ-૨ ડેમના માટીના પાળા તૂટતા મચ્છુ ડેમના રાક્ષસી કદના મોજા મોરબી શહેર પર ફરી વળતા ભયાનક પુર આવ્યું હતું.

પુર સમયે ઘણા લોકોને તો બચવાનો મોકો પણ મળ્યો ન હતો. મચ્છુના પૂરે જાનમાલની ભયાનક નુકશાની કરવાની સાથે તબાહીનું તાંડવ પણ કર્યું હતું. મકાનો અને મોટી ઇમારતો એક જ જાટકે તહસ નહસ થઈ ગઈ હતી. થોડી જ વારમાં અડીખમ ઊભેલું મોરબી શહેર હતું ન હતું થઈ ગયું. આ પુરમાં હજારો લોકો મોતને ભેટયા હતા. સાથે પશુધનની પણ ભારે ખુવારી સર્જાઈ હતી.

મોરબીના ઇતિહાસની સૌથી કરુણ કહી શકાય તેવી મચ્છુ હોનારત દુર્ઘટનાની ભયાનકતા અને તબહિની કલ્પના કરતા આજેય શહેરીજનો ધ્રુજી ઉઠે છે. તે દિવસે મચ્છુના પૂરે જે વિનાશ સર્જ્યો તે ભલભલાને કમકમાટી ઉપજાવે તેવો હતો. સેંકડો માનવ મૃતદેહો, વીજળીના તાર પર લટકતી માનવ લાશ, હજારો જાનવરોના કોહવાયેલા મૃતદેહો અને મૃતદેહો પાછળ કાળો કલ્પાંત કરતા સ્નેહીજનો વગેરે દ્રશ્યોથી ભલભલાની કંપારી છૂટી ગઈ હતી. આમ મોરબી શહેર એક ખોફનાક સ્મશાનમાં ફેરવાઈ ગયું હતું.

આ જળ હોનારતની દુર્ઘટના બાદ મોરબી તરફ વિશ્વભરમાંથી માનવતાનો ધોધ વરસ્યો હતો. મોરબીને બેઠુ કરવા માટે તત્કાલિન મુખ્યમંત્રી બાબુભાઇ પટેલે મોરબીમાં સચિવાલય બનાવીને પુરગ્રસ્તો અને અસરગ્રસ્તો માટે અસરકારક કામગીરી કરી હતી. બાદમાં ફિનિક્સ પક્ષીની જેમ બેઠા થઈને મોરબીએ ખુમારી અને જીંદાદિલીથી પોતાનુ નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કરી દીધું છે.

મચ્છુ જળ હોનારતની વરસી જ્યારે આવે છે. ત્યારે મોરબીવાસીઓ તે ઘટનાને યાદ કરીને દિવંગતોને શ્રધ્ધા સુમન અર્પણ કરે છે. શનિવારે મચ્છુ જળ હોનારતને ૩૯ વર્ષ પૂર્ણ થાય છે. પાલિકા તંત્ર દ્વારા મૌન રેલી કાઢી મણીમંદિર ખાતે આવેલા દિવંગતોના સ્મૃતિસ્તંભને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.

અમેરિકાની બે છાત્રાઓ ઉત્પલ સાડેસરા અને ટોમ વુડને મચ્છુ જળ હોનારતની સત્ય હકીકત બહાર લાવવા માટે ગહન સંશોધન કરીને પુસ્તક પ્રકાશિત કર્યું છે. આ પુસ્તકમાં ઉલ્લેખ કરાયો છે કે ક્ષમતાની અયોગ્ય ગણતરીના કારણે મચ્છુ-૨ ડેમના માટીના પાળા તૂટી ગયા હતા. કેન્દ્ર સરકારની અનેક ચેતવણી છતા રાજ્યસરકારના તે વખતના ઇજનેરોએ બંધના સરોવરમાં પાણીની મહતમ શક્ય આવકની ગણતરી કરવામાં જૂની પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. બંધના દરવાજાઓની પાણી છોડવાની ક્ષમતા દર સેકન્ડે ૨.૨ લાખ ઘનફૂટથી વધુ હતી.

હોનારતના આગલા દિવસે જળાશયમાં પાણીની આવક ૩૩ સેકન્ડે ૪ લાખ ઘન ફૂટથી વધુ હતી. હોનારતનું મૂળ કારણ કુદરતી પ્રકોપ ન હતો. જે તત્કાલીન સરકારનો દાવો હતો. તે દરવાજાના સંચાલનની ખામી પણ ન હતી. જે અત્યાર સુધી મોરબીવાસીઓની માન્યતા છે. પરંતુ ઇજનેરની તદ્દન ખોટી ગણતરી આ દુર્ઘટના માટે જવાબદાર હતી.

ઉપરાંત પુસ્તકમાં જણાવાયું છે કે મોરબી-માળિયાની પ્રજાને સમયસર ચેતવણી પણ અપાઈ ન હતી. તેને કારણે હોનારતની જાનહાનીનો આંકડો આટલો મોટો હતો. ટેલિફોન અને તારની સુવિધા બગડી ગઈ હતી. બંધ ઉપરના કામદારો કોઈનો સંપર્ક સાધી શકે તેમ ન હતા. જો કે અમુક વિસ્તારોમાં સમયસર ચેતવણી આપીને લોકોને ઊંચા વિસ્તારોમાં ખસેડી શકાયા હતા. સંપર્ક સાધવાના સાધનોની અપૂરતી જાળવણીને કારણે બંધના નીચાણવાસમાં લોકોનો સંપર્ક થઈ શક્યો ન હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ હોનારતના કારણો જાણવા માટે તપાસ મંચની રચના પણ કરાઈ હતી.