મોરબીમાં 200 ટકા વ્યાજ વસુલતા ત્રણ વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ

- text


પેપરમિલના માલિક એવા યુવાનને મોરબી છોડવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોરો દર પાંચ દિવસે તોતિંગ વ્યાજ વસુલતા

મોરબી : વ્યાજખોરોના ત્રાસથી મોરબી છોડી ગોવા જતા રહેલા પેપરમિલના માલિક એવા યુવાને પરત આવી 5, 10, 15, 20 કે 40 ટકા નહિ પણ 200 ટકા વ્યાજ વસુલતા ત્રણ વ્યાજખોર વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

આ ચોંકાવનારા વ્યાજખોરીના બનાવ અંગે પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર મિલેનિયમ હાઇટ્સમાં રહેતા ઉત્તમ શૈલેષભાઇ દેથરીયાએ આરોપી રણજીત જશુભાઈ રબારી, રહે.જોધપર નદી, આરોપી કિશન મહેશભાઈ અજાણા રહે. શનાળા રોડ હાઉસિંગ બોર્ડ અને આરોપી નયન ઉર્ફે નાનું રબારી રહે.શનાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ત્રણેય વ્યાજખોરોએ તોતિંગ વ્યાજ ચૂકવવા છતાં સોનાનો છ તોલાનો સેટ, સોનાની ઘડિયાળ, સોનાની ડાયમંડ વાળી વિટી તેમજ નાગરિક બેંકની આખી ચેક બુક પડાવી લઈ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવા ધમકી આપી હોવા અંગે ફરિયાદ નોંધાવી છે.

- text

વધુમાં ઉત્તમ દેથરીયા લીલાપર ગામ નજીક રાજવીર પેપરમિલ ચલાવતો હોવાનું અને બીજા ધંધા માટે નાણાંની જરૂરત્ત પડતા પહેલા આરોપી રણજીત પાસેથી રૂપિયા 13 લાખ દર પાંચ દિવસે અઢી લાખ વ્યાજ ચૂકવવાની શરતે લીધા હતા જે બદલ 95 લાખ ચૂકવ્યાનુ જ્યારે આરોપી કિશન અજાણા પાસેથી 10 લાખ રૂપિયા દર પાંચ દિવસે રૂપિયા સાડા ત્રણ લાખ ચુકવવાની શરતે તેમજ આરોપી નયન ઉર્ફે નાનું પાસેથી સાત લાખ રૂપિયા પાંચ દિવસે બે લાખ વ્યાજ ચુકવવાની શરતે લીધા હોવાનું પોલીસ સમક્ષ જણાવતા ચામડા તોડ નહિ પરંતુ હાડકા ગળી જાય તેવું 200 ટકાથી વધુ વ્યાજ વસુલવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

- text