દિવસ વિશેષ : સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. : મહાત્મા ગાંધી

- text


આજે વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ : વિલિયમ શેક્સપિયરની યાદમાં ઉજવાય છે આ દિવસ

મોરબી : પ્રગતિશીલ જીવન માટે પુસ્તકોનો સાથ ઘણો જરૂરી છે, કેમ કે પુસ્તકો દ્વારા જ જીવનનું માર્ગદર્શન મળે છે. ઉત્તમ પુસ્તકોમાં ઉચ્ચ વિચારો હોય છે. ઉત્તમ વિચાર, ઉચ્ચ ભાવનાઓ અને કલ્પનાઓ જ્યાં હોય છે, ત્યાં સ્વર્ગ છે. પુસ્તકોને મનુષ્યના સૌથી પ્રિય મિત્ર અને ગુરુ પણ ગણાય છે. સારાં પુસ્તકો આપણાં મિત્ર બની શકે છે. તેઓ આપણને સાચો રસ્તો બતાવે છે, જીવનપંથ પર આગળ વધવામાં આપણને સાથ આપે છે.

મનુષ્યનો બાળપણમાં શાળાથી શરૂ થયેલો અભ્યાસ જીવનના અંત સુધી ચાલુ રહે છે. પરંતુ હવે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની ક્રાંતિથી મનુષ્ય અને પુસ્તકો વચ્ચેનું અંતર વધી રહ્યું છે. આજના ડિજિટલ યુગમાં લોકો ઇન્ટરનેટમાં ફસાઇ રહ્યા છે. આ જ કારણસર યુનેસ્કોએ મનુષ્યો અને પુસ્તકો વચ્ચેના અંતરને ઘટાડવા હેતુ 23 એપ્રિલને ‘વિશ્વ પુસ્તક દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું.

વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસ (World Book and Copyright Day) દર વર્ષે 23 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. તેને ‘વિશ્વ પુસ્તક દિવસ’ પણ કહેવામાં આવે છે. દુનિયામાં વર્ષ 1995માં આજના દિવસે પહેલીવાર વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વના મહાન લેખક વિલિયમ શેક્સપિયરનું 23 એપ્રિલ 1616ના રોજ અવસાન થયું હતું. સાહિત્યની દુનિયામાં શેક્સપિયરની પ્રતિષ્ઠા જોઈને યુનેસ્કોએ 1995થી અને ભારત સરકારે 2001થી આ દિવસને વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. આ દિવસે સમગ્ર વિશ્વમાં મનુષ્યના જીવનમાં પુસ્તકોનું શું મહત્વ છે તેના વિશે જાગૃતિ અને સમજણ કેળવવામાં આવે છે.

- text


કોપીરાઈટનો અર્થ

કોપીરાઈટ એ એક કાનૂની ખ્યાલ છે જે મૂળ કૃતિના લેખક અથવા સર્જકને તે મૂળ કાર્ય સાથે અમુક વસ્તુઓ કરવાનો વિશિષ્ટ અધિકાર આપે છે. કોપીરાઈટધારકને તે પસંદ કરવાનો અધિકાર છે કે કોઈ અન્ય વ્યક્તિ તેના કાર્યનો ઉપયોગ, અનુકૂલન અથવા પુનઃ વેચાણ કરી શકે કે નહીં. અને તે કાર્ય માટે શ્રેય મેળવવાનો અધિકાર ધરાવે છે.


પુસ્તકો વિષે મહાનુભવોના વિચારો

“સારાં પુસ્તકો આપણી પાસે હોય તો તે પરોપકારી મિત્રની ગરજ સારે છે. ” : મહાત્મા ગાંધી

“હું નરકમાં પણ ઉત્તમ પુસ્તકોનું સ્વાગત કરીશ, કેમ કે તેમનામાં એવી શક્તિ છે કે તે જ્યાં હશે ત્યાં આપોઆપ સ્વર્ગ ખડું થશે.” : લોકમાન્ય તિલક

“પુસ્તકોમાં આત્માનું જીવન છે, કેમ કે, એમાં જીવનનો વિચાર સાર રહેલો છે.” ગ્રંથો સજીવ છે એટલે જ મિલ્ટને એમ પણ કહ્યું છે, “પુસ્તકોમાં આત્મા હોય છે. સંદગ્રંથોને કદી નાશ થતો નથી.” : મિલ્ટન

“ગ્રંથ વગરનું ઘર આત્મા વગરના શરીર જેવું છે.” : સિસરો


- text