સલમાનખાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર બે શખ્સને માતાના મઢથી દબોચી લેતી કચ્છ એલસીબી

લોરેન્સ બિસ્નોઈ ગેંગના બે આરોપીઓને ઝડપી લેવામાં મોટી સફળતા

મોરબી : ફિલ્મ અભિનેતા સલમાનખાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર લોરેન્સ બીશ્નોઈ ગેંગના બે શખ્સને કચ્છ એલસીબી ટીમે માતાના મઢ મંદિર પરિસરમાંથી ઝડપી લેવામાં સફળતા મેળવી છે, આ બન્ને શખ્સ મૂળ બિહારના ચાંપાનેરના વતની હોવાનું બહાર આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફિલ્મ અભિનેતા સલમાનખાનના ઘર ઉપર ફાયરિંગ કરનાર આરોપીઓ નાસીને કચ્છ ભુજ તરફ આવ્યા હોવાની બાતમી મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન. ચુડાસમા, એ.એસ.આઇ જયદીપસિંહ ઝાલા, બલભદ્રસિંહ રાણા, પોલીસ હેડ કોન્સટેબલ વિરેન્દ્રસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મહીપાલસિંહ પુરોહીત તથા શક્તિસિંહ ગઢવીની ટીમે ટેકનીકલ વર્ક આઉટ કરી ખાનગી બાતમીદારોને કામે લગાડતા આરોપીઓ કચ્છ ભુજમાં માતાના મંદિર પરિસરમાં હોવાની જાણકારી મળતા એલસીબી ટીમે છાપો મારી આરોપી વિકિ સાહેબસાબ ગુપ્તા ઉ.વ. 24 રહે લ.ગામ મસહી, થાણા ગોહના,તા. નરકટિયાગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર તથા આરોપી સાગર શ્રીજોગેન્દ્ર પાલ ઉ.વ. 21 રહે.ગામ મસહી, થાણા ગોહના, તા. નરકટિયાગજ જી. વેસ્ટ ચાંપાનેર બિહાર વાળાને ઝડપી લીધા હતા.

આ બન્ને આરોપીઓની પુછપરછ કરતા બન્ને આરોપીઓએ સલમાનખાનના ઘર ઉપર ફાયરિંગ કર્યાનું કબુલતા બન્ને આરોપીઓને હસ્તગત કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યાવાહી કરી આગળની તપાસ માટે બન્ને આરોપીઓનો કબ્જો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોપવામાં આવેલ હતો.