રફાળેશ્વર મંદિરે અમાસના પૌરાણીક મેળામાં માનવ મહેરામણ ઉમટયો

- text


મોરબી સહિત સૌરાષ્ટ્રભરના હજારો લોકો રફાળેશ્વર મંદિરે વહેલી સવારથી ઉમટી પડી પિતૃઓના મોક્ષર્થે પ્રાચીન પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું

મોરબી : મોરબી નજીક આવેલા સૌથી પ્રાચીન રફાળેશ્વર મહાદેવ મંદિરે વર્ષોની પરંપરા અનુસાર યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાંબુડિયા ગ્રામ પંચાયત દ્વારા આજે અમાસનો લોકમેળો ભરાયો હતો. આજે અમાસનો મેળામાં માનવ મહેરામણ ઉમટી પડતા મેળામાં ચારેકોર હર્ષનાદ અને નિર્દોષ આનંદની છોડો ઉડી હતી. જો કે મોરબી સહિત સૌરાષ્ટ્રભરના હજારો લોકો રફાળેશ્વર મંદિરે વહેલી સવારથી ઉમટી પડી પવિત્ર કુંડમાં સ્નાન કરી પોતાના પિતૃઓના મોક્ષર્થે પ્રાચીન પીપળે પાણી રેડી પિતૃતર્પણ કર્યું હતું.

રફાળેશ્વર મંદિરના વિશાળ ગ્રાઉન્ડમાં શ્રાવણી અમાસ નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ અને જાબુડિયા ગ્રામ પંચાયત દ્વારા મનોરંજન સાથે ભગવાનની શિવની મહિમાને ઉજાગર કરતા શિવ તરંગ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે જ બે દિવસીય અમાસના પોરોણીક મેળાનો પ્રારંભ થયો હતો. જો કે આ વખતે બે અમાસ હોવાથી મેળો શરૂ થતાની સાથે જ ગઈકાલે પણ હજારો લોકો ઉમટી પડતા આ મેળામાં ગઈકાલથી જ ફજેત,, ફાળકા, ટોરા-ટોરા, અવનવી રાઈડ્સ તેમજ ખાણી-પીણીના સ્ટોલ ધમધમવા લાગ્યા હતા. તેમજ વર્ષોની પરંપરા મુજબ ગતરાત્રે ભજનની રાવટીઓ ધમધમી હતી અને મોટી સંખ્યામાં લોકોએ ભજનો સાથે મેળાની મોજ માણી હતી.

આજે અમાસના દિવસે વર્ષોથી અહીં મેળાનું અને પોતાના પિતૃઓના મોક્ષાર્થે પિતૃતર્પણનું શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ અનેરું મહત્વ હોવાથી આજે વહેલી સવારથી મોટી સંખ્યામાં લોકો રફાળેશ્વર મંદિરે ઉમટી પડ્યા હતા. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી ભગવાન શિવના દર્શન કરવા માટે સવારથી રફાળેશ્વર મંદિરે મોટી સંખ્યામાં લોકોની લાઈનો લાગી હતી અને અમાસ નિમિતે રફાળેશ્વર મહાદેવને વિશેષ શણગાર અને ધજા ચડાવવામાં આવી હતી. હજારો લોકોએ આજે ભગવાન શિવના દર્શન કર્યા હતા. મોરબી સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા હજારો લોકોએ પવિત્ર કુંડમાં સ્નાન કરી પ્રાચીન પીપળે પિતૃતર્પણ કર્યું હતું. બાદમાં મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. હજારો લોકોએ તમામ મનોરંજનના સાધનોનો મનભરીને આનંદ લૂંટયો હતો. તેમજ સ્ટેજ ઉપરથી સૌરાષ્ટ્રની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

- text

- text