શિક્ષક દિન વિશેષ : ટંકારા તાલુકાની હરતી ફરતી જીવતી જાગતી શાળા એટલે જીવતીબેન પીપલીયા

ટંકારા : ક્રાન્તિકારી વિદ્વાન સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિનું મહામૂલું રત્ન એટલે હરતી ફરતી શાળા જીવતીબહેન પીપલીયા. સંસ્કાર, શિક્ષણ, સાહિત્ય, સ્વાધ્યાય સંસ્કૃતિનાં સાધિકા જીવતીબહેન હાલ લખધીરગઢ પ્રા.શાળામાં બહેનનાં વહાલથી, માતાની મમતાથી બાળકોને લગનથી ભણાવે છે. બાળકો સાથે દિલથી-મનથી જોડાઈને એમના ઘડતરનું કામ કરે છે. તેઓ જાણે છે કે બાળકને શું ગમશે. તેઓ બાળકની આંખની ભાષા ઉકેલી શકે છે.

જીવતીબેન મોરબીના ટંકારા પાસે આવેલ નાનકડા લખધીરગઢ ગામમાં ધોરણ એક થી પાંચમા પ્રેમથી કામ કરી રહ્યાં છે. પોતે એમ.એ., એમ. ઍડ થયેલા હોવા છતાં વિદ્વત્તાનો ભાર ખંખેરી બાળ સહજ નિર્દોષતાથી કામ કરે છે. તેમના હાથ નીચે પસાર થઈ, પાયાની સાક્ષરતા સિદ્ધ કરેલ 2014 થી આજ સુધી 9 વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલયમાં ભણે છે. 1 વિદ્યાર્થી બાલાચડી સૈનિક સ્કૂલમાં સિલેક્ટ થયેલ છે. NMMS, સ્કોલરશીપ પરીક્ષા, જ્ઞાન સાધના કસોટી, કલા મહાકુંભ કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોય એમની શાળા કાયમ અવ્વલ આવે છે.

જીવતીબહેનની પ્રકાશિત કૃતિઓ – બાળગીત કાવ્યસંગ્રહ – ‘ પરીબાઈની પાંખે’ (૨૦૨૨)’હાથીદાદાની જય હો’ બાળવાર્તા સંગ્રહ (૨૦૨૩), નટખટ (કૃષ્ણ ચરિત્ર) (૨૦૨૩), ‘પરીબાઈની પાંખે’ અને ‘હાથી દાદાની જય હો!’ બન્ને પુસ્તકને સાહિત્ય અકાદમી દ્વારા આર્થિક સહાય મળેલ છે. પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશિત થયેલ છે.

કોરોના મહામારીના સમયમાં લોકડાઉન વધતું ચાલ્યું ત્યારે જીવતીબહેને આફતને અવસરમાં બદલવાનો મોકો ઝડપી લીધો. આ સમયગાળામાં તેઓએ પ્રથમ કોરોના કવિતા ‘જગદીશને વિશ’ લખી. આ કવિતા નમસ્કાર ગુજરાતમાં પ્રકાશિત થઈ. આ કવિતામાં જલ્દીથી કોરોના જાય, શાળા ફરીથી બાળ કલશોરથી ગુંજતી થાય આવો ભાવ રહેલો હતો. બાળહિતની ભાવના ઉરમાં પ્રગટતા જ શબ્દોની સરવાણી વહેવા લાગી. જેના ફલ સ્વરૂપે ઉપર્યુક્ત ત્રણેય પુસ્તકો બાળ સાહિત્યને મળ્યાં.

“બાળકને જોઈ જે રીઝે, રીઝે બાળક જોઈ જેને, વત્સલ મૂરત સ્નેહલ સુરત, હ્રદય હૃદયના વંદન તેને.” વિદ્યાર્થીઓના ગાઈડ, ફ્રેન્ડ અને ફિલોસોફર તરીકેની જેમની ભૂમિકા પ્રશંસનીય છે એવા જીવતી બહેનની વાણીની મીઠાશ પણ અનન્ય છે. હકારાત્મક વિચારસરણીના ધારક જીવતી બહેનનું હૃદય પ્રેમથી છલોછલ ભરેલું છે.

જેમને શ્રેષ્ઠ બી.એલ.ઓ.નો એવોર્ડ મળ્યો છે એવા જીવતી બહેનને ગામનાં દરેક સભ્યોના નામ મોઢે છે. તેમજ ઘરની દિશા અને દશાથી પણ વાકેફ છે. 2012 સુધી ખોબા જેવડું મેદાન, જર્જરિત રૂમો, ભૌતિક સુવિધા જીરો; આવી મૃતઃપ્રાય શાળાને નંદનવન બનાવવા, જમીન સંપાદનથી માંડી અદ્યતન શાળા બને તે માટે તેઓએ અથાગ પ્રયાસ કર્યાં છે.

તેઓ આર્ય સમાજ, ઉમિયા પરિવાર, ટંકારા મહિલા ઉમિયા સમિતિ, સમૂહ લગ્ન સમિતિ, લખધીરગઢ વિલેજર સમિતિ સાથે જોડાઈને સામાજિક ઉત્કર્ષના કાર્યો કરી રહ્યાં છે. સામાજિક ઉત્થાન માટેની કળશ યોજનામાં તેઓ ખૂબ સરસ કામ કરી રહ્યા છે.હાલ જ તેઓએ યોગ બોર્ડ ગુજરાત દ્વારા લેવામાં આવેલી, ટ્રેનર પ્રેક્ટીકલ અને લેખિત પરીક્ષા પાસ કરી. 1 સપ્ટેમ્બર 2023થી જ “કરો યોગ રહો નિરોગ” સૂત્ર અંતર્ગત 25 જેટલી બહેનોને જોડી યોગ શીખવી રહ્યાં છે.

જીવતીબહેનને સી.આર.સી કક્ષાએ પ્રતિભાશાળી શિક્ષક એવોર્ડ,જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ બી.એલ.ઓ. એવોર્ડ 5 સપ્ટેમ્બર 2023ના રોજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળનાર છે.નારી ગરિમા એવોર્ડ, માતૃશક્તિ સન્માન, સાહિત્ય પરિષદ અને કણબીની કલમે દ્વારા સન્માનપત્ર, શાળાનાં પ્રતિભાશાળી શિક્ષક સન્માન તેમજ સમગ્ર ગામ તરફથી શાલ અને શિલ્ડ મળેલા છે.

જીવતીબહેનનું વતન અમરેલી જિલ્લાનું, બગસરા તાલુકાનું, નાનકડું ગામ પીઠડીયા. ચાર ભાઈની એકની એક લાડકી બેન ને મા બાપની આંખની તારલી. તેમનું સાસરું સ્વામી દયાનંદની જન્મભૂમિ ટંકારા. કહેવાય છે ને જે ભૂમિમાં અવતારી પુરુષ આળોટ્યાં હોય તે ભૂમિ પુણ્ય ભૂમિ ગણાય. એવી ભૂમિમાં, મિલેનિયમ યર, 10 ફેબ્રુઆરીના રોજ તેમના પગલાં પડ્યાં. પ્રેમાળ પરિવારને સમર્પિત જીવતીબહેનને પરિવારે પણ ખૂબ જ પ્રેમ અને હૂંફ આપ્યાં છે. તેમની આ ઊંચી ઉડાનમાં તેમના જીવનસાથી રાજકોટિયા ભરતભાઈનુ ઘણું મોટું યોગદાન રહેલું છે.