મોરબી પાલિકાએ લાલપર નજીક કચરો ઠાલવવાનું શરૂ કરતા જન આરોગ્ય ઉપર ખતરો

- text


લાલપર ગામે જાહેર કચરો ઠાલવાનું બંધ કરવાની મોરબી તાલુકા ભાજપ પ્રમુખની કલેક્ટરને રજુઆત

મોરબી : મોરબી નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા જ્યાં ત્યાં કચરો ખડકી દેવામાં આવતો હોવાની વ્યાપક ફરિયાદ વચ્ચે ભાજપના મોરબી તાલુકાના પ્રમુખે નગરપાલિકાના ટ્રેક્ટરો લાલપર ગામે જાહેરમાં કચરો ઠાલવતા હોવાથી જન આરોગ્ય સામે જોખમ ઉભું થયું હોવાની ચોંકાવનારી ફરિયાદ કલેક્ટર અને જીપીસીબીને રજુઆત કરીને નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા લાલપર ગામે કચરો ઠાલવવાનું બંધ કરે તેમજ સફાઈ સહિતની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ કલેક્ટર અને જીપીસીબીને રજુઆત કરીને જણાવ્યું હતું કે, મોરબીના લાલપર ગામે આવેલા પાવર સ્ટેશન પાસે મોરબી નગરપાલીકાના ટ્રેકટર દ્વારા વેસ્ટ કચરો, મરેલા પ્રાણી, એઠવાડ જેવો ગંદકીયુકત કચરો ઠાલવવામાં આવે છે. લાલપર ખાતે પાવર સ્ટેશન આસપાસ સિરામિક ફેકટરી આવેલી છે. ફેકટરીમાં રહેતા વર્કરો, મજુરોની કોલોની તથા પાવર સ્ટેશન ઓફીસ સુધી અત્યંત દુર્ગંધ આવતી હોય તેથી જેટકોના કર્મચારી તથા સિરામિક ફેકટરીના મજુરો ત્યાં રહેવા તૈયાર નથી. કર્મચારી તથા મજુરોનું આરોગ્ય જોખમાય તેવી સંભાવના હોવાથી ત્યાં કચરો ઠાલવવાનું બંધ કરાવવા તથા સફાઈ કરાવવાની માંગ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, નગરપાલિકાના ટ્રેક્ટરોને શહેરભરમાંથી કચરો એકઠો કરીને રફાળેશ્વર પાસે આવેલ ડંપીગ સ્ટેશને નાખવાનો હોય છે. પણ આળસુ નગરપાલિકાના ટ્રેકટર ચાલકો જ્યાં ત્યાં કચરો ઠાલવી દેતા હોવાની ઘણીવાર ફરિયાદ ઉઠી છે. તેમજ શહેરભરમાંથી વાસી કચરો એકઠો કરી ટ્રેકટરમાં ભર્યા બાદ કચરા ઉપર કઈ બાંધવામાં આવતું નથી. તેથી જેમ જેમ ટ્રેકટર નીકળે તેમ તેમ પવનને કારણે કચરો નીચે ઉડીને રોડ ઉપર પથરાય છે. આવી ઘણી ફરિયાદ ઉઠયા બાદ પણ તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે હવે ભાજપ તાલુકા પ્રમુખની રજુઆત બાદ તંત્ર કોઈ કાર્યવાહી કરશે કે કેમ ?, તે જોવાનું રહ્યું.

- text

- text