પર્યાવરણ બચાવવા બિહારથી સાયકલ પર ભારત ભ્રમણમાં નીકળેલો યુવાન મોરબી પહોંચ્યો

- text


 

અત્યાર સુધીમાં બિહારથી 15 રાજ્યોનો કુલ 9200 કિમિ પ્રવાસ સાયકલ પર ખેડયો, ગુજરાત અને સૌરાષ્ટ્રની મહેમાનગતિની ખૂબ સરહના કરી, સિરામિક ઉદ્યોગકારો અને સંસ્થાઓ તેમજ લોકોને મળીને ખૂબ આનંદ વ્યક્ત કર્યો

મોરબી : આજકાલના યુવાનોને સાયકલ ચલાવવામાં શરમ આવે છે. પણ દરરોજ સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણની સમતુલા પણ જળવાઈ રહે છે. આથી સાયકલ ચલાવી સ્વાસ્થ રહેવાનું તેમજ પર્યાવરણ બચાવોના ઉદેશ સાથે બિહારથી સાયકલ પર સમગ્ર ભારતનું પરિભ્રમણ કરવા નીકળેલો 28 વર્ષીય યુવાન 14 રાજ્યો ફરી ગુજરાતમાં પ્રવેશી સિરામિક નગરી મોરબીમાં પહોંચ્યો છે. આ યુવાને અત્યાર સુધીમાં બિહારથી 15 રાજ્યોમાં કુલ 9200 કિમિ સાયકલ પર પ્રવાસ ખેડયો છે અને ગુજરાત તેમજ ખાસ સૌરાષ્ટ્રની મહેમાનગતિની ખૂબ સરહના કરીને સિરામિકને કારણે મોરબીનું નામ ઘણું જ સાંભળ્યું હોય ઉદ્યોગકારો અને સંસ્થાઓ તેમજ લોકોને મળીને ખૂબ આનંદ વ્યક્ત કર્યો છે.

બિહારમાં રહેતો અને ફાસ્ટ ફૂડ તેમજ બેકરીનો વ્યવસાય કરતો 28 વર્ષીય અજિત ચૌધરી 19 જાન્યુઆરીએ સાયકલ પર સમગ્ર ભારતનું પરિભ્રમણ કરવા નીકળ્યો હતો. આ યુવાને કહ્યું હતું કે, સાયકલ પર ફરતા ફરતા આજે છ મહિના થઈ ગયા છે. સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્ય અને પર્યાવરણનું રક્ષણ થતું હોવાથી લોકોમાં જનજાગૃતિ કેળવાઈ તેવા ઉદેશ્ય સાથે સાયકલ પર ભારત ભ્રમણ કરવા નીકળ્યો છે. તે વર્ષ 2008માં ધો. 9માં ભણતો હતો ત્યારે સાયકલ પર જ ભારતનું ભ્રમણ કરવા તેમજ ચારધામની યાત્રા કરવાની મનમાં ઈચ્છા જાગી હતી. આ ઈચ્છા દિવસેને દિવસે વધુ બળવત્તર બનતી ગઇ અને ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને વ્યવસાયમાં સેટ થઈ ગયા બાદ સાયકલ પર જ સમગ્ર દેશનો પ્રવાસ કરવાની ઈચ્છાને આજે પુરી કરી રહ્યો છે. અત્યાર સુધીમાં બિહાર, ઝારખંડ, તેલગણા, આંધપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરલા સહિત 14 રાજ્યો સાયકલ પર જ ફરીને 15માં રાજ્ય ગુજરાતમાં પ્રવેશ્યો છે.

- text

વધુમાં તે કહે છે કે, તેણે અત્યાર સુધીમાં 9200 કિમોનો પ્રવાસ ખેડયો છે. દરરોજ 70થી 80 કિમિ સાયકલ ચલાવે છે. સાયકલમાં ખાવા પીવાનો સામાન, મેડિકલ કીટ, કપડાં સહિતનો સમાન રાખ્યો છે. જો કે દરેક રાજ્ય અને જે જે શહેરમાં જાવ ત્યાં આશ્રમ, મંદિર તેમજ ધર્મશાળા અને ઘણી જગ્યાએ સારા પરિવારો પણ રહેવાની અને જમવાની વ્યવસ્થા કરી દયે છે. આમ વ્યવસ્થા આપોઆપ થઈ જાય છે. તેમાંય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મહેમાનગતિ માણીને ખૂબ જ ખુશ થયો છું. સૌરાષ્ટ્ર જેવી મહેમાનગતિ ક્યાંય જોઈ નથી. ગુજરાતમાં અત્યાર સુધીમાં રાજકોટ, જૂનાગઢ સહિતના શહેરોમાં ફર્યો છું. સૌરાષ્ટ્રમાં ઘણા પરિવારો ખૂબ જ આગ્રહ કરીને ઘરે લઈ જઈ પ્રેમથી ભોજન કરાવે છે તેમજ એક બે દિવસ આગ્રહ કરીને રોકીને ખૂબ જ સેવા કરે છે. સિરામિકને કારણે મોરબીનું ખૂબ જ નામ સાંભળ્યું હતું. એટલે આજે મોરબી આવીને સિરામિક ઉદ્યોગની મુલાકાત લીધી, ટાઇલ્સ કેવી રીતે બને છે તેની સમગ્ર પ્રક્રિયા નરી આખે જોઈને ખૂબ જ મજા પડી ગઈ છે. મોરબીમાં એનજીઓ અને ઉદ્યોગકારો, વેપારીઓ તેમજ લોકોને પણ મળ્યો છું. દરેક લોકોએ મીઠો આવકાર આપ્યો અને ખૂબ જ સારી સેવા કરી છે. સૌરાષ્ટ્ર અને મોરબીમાં પાણી માંગો તો દૂધ મળે તેવી મહેમાનગતિ છે. હવે પછી બહુચરાજી અને અંબાજી જવા નીકળવાનો છું અને ગુજરાત ફરીને રાજસ્થાન થઈ અન્ય રાજ્યો અને દિલ્હીમાં જવાનું હોવાનું તેને જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ યુવાન પોતે સાયકલ યાત્રા દરમિયાન બ્લોગ પણ બનાવે છે. જેને ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબમાં અપલોડ કરે છે.

https://instagram.com/banjara.ajit.52?igshid=MzRlODBiNWFlZA==

- text