સરકારે એલપીજી, પ્રોપેન ગેસની ડ્યુટીમાં રાતોરાત 15 ટકાનો વધારો ઝીકતા સિરામિક ઉદ્યોગમાં દેકારો

પ્રોપેનમાં પાંચેક રૂપિયાના ઘટાડા બાદ 15 ટકા ડ્યુટી વધારતા પ્રોપેન ગેસ 49.50 પહોંચી ગયો : ગુજરાત ગેસ અને પ્રોપેન લગોલગ

મોરબી : વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસ કરતા સસ્તા ભાવે મળતા એલપીજી અને પ્રોપેન ગેસના ભાવમાં રાતો રાત ઈમ્પોર્ટ ડ્યુટી વધારાથી સિરામિક ઉદ્યોગમાં દેકારો બોલી ગયો છે, અગાઉ નેચરલ ગેસથી સસ્તા ભાવે મળતો પ્રોપેન ગેસ હાલમાં રૂપિયા 49.50 પહોચી જતા હવે બન્ને ગેસ લગોલગ થઈ ગયા છે.

મોરબી સિરામિક એસોશિએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારિયાના જણાવ્યા મુજબ વિશ્વના બીજા નંબરના સૌથી મોટા મોરબી સીરામીક ઉઘોગમા વપરાતા પ્રોપેન ગેસ અને એલપીજી ગેસમા ઈમ્પોર્ટ ડ્યુટી 2.5 ટકા હતી જેમા 1 જુલાઈથી કેન્દ્ર સરકાર દ્વારા ઈમ્પોર્ટ ડ્યુટીમા 12.50 ટકાનો વધારો કરી 15 ટકા કરતા સીરામીક ઉઘોગ ઉપર માઠી અસર પડી છે.

ખાસ કરીને સીરામીક ઉદ્યોગમાં ઉત્પાદનમા ફ્યુલ તરીકે વપરાતા નેચરલ ગેસ અને પ્રોપેન, એલપીજી ગેસનો મોટો હિસ્સો હોય છે, જેમા નેચરલ ગેસના આંતરરાષ્ટ્રીય ભાવ પણ વઘુ હોવાની સાથે હવે પ્રોપેન અને એલપીજીમા ડ્યુટી વઘવાથી ઉઘોગકારોને વૈશ્ર્વિક માર્કેટમાં ટકી રહેવા એક માત્ર વિકલ્પ હતો તે પણ બંઘ થઈ ગયો છે. જેથી સીરામીક ઉઘોગને એક્સપોર્ટ માર્કેટમાં ચાઈના સામે હરિફાઈમા ટકવુ અઘરું બની રહેશે અને એક્સપોર્ટ ઉપર માઠી અસર થશે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં ગુજરાત ગેસનો નેચરલ ગેસ 41 રૂપિયાના ભાવે મળે છે જેની સામે ઉંચા બર્નિંગ પોઇન્ટ વાળો એલપીજી અને પ્રોપેન ગેસ 15 ટકા ઈમ્પોર્ટ ડ્યુટી થવાથી 49.50ના ભાવે પહોંચી જતા મોરબીના સિરામિક ઉદ્યોગને એક માત્ર સસ્તા ઇંધણનો વિકલ્પ બંધ થઈ જતા હવે ફરજિયાત પણ નેચરલ ગેસ વપરાશ કરવો પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે.