મોરબીના સિરામિક સહિતના ઉદ્યોગોને સરકારે 5 વર્ષમાં 549.96 કરોડ વ્યાજ સહાય ચૂકવી

- text


મોરબીના 4,159 લાભાર્થીઓએ સરકારની વ્યાજ સહાયનો લાભ મેળવ્યો

આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત સરકારની આસિસ્ટન્સ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ સ્કીમ હેઠળ મોરબી જિલ્લામા સિરામિક સહિતના જુદા જુદા ઉદ્યોગ માટે છેલ્લા પાંચ વર્ષમા 4159 લાભાર્થીઓને સરકારે 549.96 કરોડ વ્યાજ સહાય ચૂકવી હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું છે.

ગુજરાત સરકારના જાહેર કરાયા મુજબ છેલ્લા ૫ વર્ષમાં ગુજરાત સરકારે ‘મૂડી-વ્યાજ સહાય સબસીડી સ્કીમ’ હેઠળ ઉદ્યોગ સાહસિકોને રૂ. ૬૩૦૦ કરોડથી વધુ રકમની સહાય ચૂકવી છે જેમાં સુરત, રાજકોટ, મોરબી અને અમદાવાદના ઉદ્યોગ સાહસિકો યોજનાનો લાભ મેળવવામાં મોખરે રહ્યા છે અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રનું રોજગાર-સર્જનમાં મહત્વનું પ્રદાન કર્યું છે.

મલ્ટીનેશનલ કંપની માઈક્રોન ટેકનોલોજીએ ગુજરાતમાં રોકાણ માટે સમજૂતિ કરાર કર્યા છે. આ કંપની સેમિકંડક્ટર ચીપના નિર્માણક્ષેત્રે અમેરિકાની અગ્રગણ્ય કંપની છે. મતલબ કે, ગુજરાત રોકાણકારો અને ઉદ્યાગકારો માટે પસંદગીનું પ્રથમ સ્થળ છે. આ શક્ય બન્યું છે ગુજરાત સરકારની બિઝનેસ ફ્રેન્ડલી નીતિઓના કારણે.

ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રમાં (MSME) છેલ્લા પાંચ વર્ષમાં આપવામાં આવેલી સહાય તેનો પુરાવો છે. આ ક્ષેત્રમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા અપાતી આસિસ્ટન્ટ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ (મૂડી અને વ્યાજ સહાય)સબસીડીમાં છેલ્લા પાંચ વર્ષમાં રૂ.6310 કરોડથી વધુ રકમની ચૂકવણી કરવામાં આવી છે. કોરોના કાળના કપરા સમયમાં એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના 1.05 લાખથી વધુ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ક્ષેત્રના ઉદ્યોગ સાહસિકોને ગુજરાત સરકારે આર્થિકે ટેકો પૂરો પાડ્યો છે.

અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અર્થતંત્રની કરોડરજજુ સમાન – સૂક્ષ્મ, લધુ અને મઘ્યમ ઉધોગો માટે વિશેષ પ્રયાસો કરવામાં આવ્યા છે. એ જાણીતી બાબત છે કે સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રનું રોજગાર-સર્જનમાં પણ મહત્વનું પ્રદાન છે. આ ક્ષેત્ર માટેની યોજનાઓ પૈકીની એક યોજના એટલે – આસિસ્ટન્ટ ફોર કેપિટલ એન્ડ ઈન્ટરેસ્ટ સબસીડી યોજના. એમ કહી શકાય કે કોરોના કાળ પછી રાજ્યના ઉદ્યોગ સાહસિકો માટે આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ છે.

- text

ગુજરાતમાં સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે વર્ષ 2018 – 19માં 21,495 લાભાર્થીઓને રૂ. 753.11 કરોડની રકમ ચૂકવાઈ હતી, જેમાં છેલ્લા પાંચ વર્ષમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. વર્ષ 2022 – 23માં લાભાર્થીઓની સંખ્યા વધીને આજે 22,493 એ પહોંચી છે અને આ લાભાર્થીઓને ચૂકવાયેલી સહાયની રકમનો આંક રૂ.1211.52 કરોડે પહોંચ્યો છે. સુરત, રાજકોટ, અમદાવાદ અને મોરબી આ યોજનાનો લાભ મેળવવામાં મોખરે રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં સુરતના 45,633 લાભાર્થીઓને રૂ.2270.13 કરોડ, રાજકોટના 16,336 લાભાર્થીઓને 858.6 કરોડની રકમ વ્યાજ સહાય તરીકે ચૂકવાઈ. તો અમદાવાદના 16,721 લાભાર્થીઓને વ્યાજ સહાય તરીકે 773.94 કરોડની ચૂકવણી થઈ જ્યારે મોરબીના 4,159 લાભાર્થીઓને રૂ.549.96 કરોડની વ્યાજ સહાય ચૂકવવામાં આવી છે.

આમ, ગુજરાતના અર્થતંત્રમાં વાઇબ્રન્ટ ભૂમિકા ભજવતા MSMEક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં MSMEક્ષેત્રમં એન્જિનિયરિંગ, ટેક્સટાઇલ, કેમિકલ પ્રોડક્ટ્સ, પ્લાસ્ટિક, ફૂડ પ્રોસેસિંગ, સિરામિક, ફાર્માસ્યુટિકલ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે, જેની રોજગાર-સર્જનમાં વિશેષ ભૂમિકા છે.

- text