ગાળા ગેસકાંડ ! હાર્ડવેર અને ઇલેક્ટ્રીકની દુકાનમાં ગેસનો વેપાર, FSL તપાસ બાદ સત્ય બહાર આવશે 

- text


ગેસના બાટલાની આગમાં 6 દુકાન, ત્રણ વાહન અને એક માનવ જિંદગી સ્વાહા : આગમાં મોબાઇલની દુકાનમાં રહેલ ત્રણ લાખ અને કિંમતી સામાન બચાવી લેવાયો

મોરબી : સોમવારે સવારે મોરબીના ગાળા ગામના પાટિયા નજીક ગેસના બાટલાના જથ્થામાં આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડની અંદાજે નવેક કલાકની જહેમત બાદ આ આગ કાબુમાં આવી છે. ધડાકા – ભડાકા સાથેની આ આગને કારણે આજુબાજુની છ દુકાન, ત્રણ વાહન અને એક માનવ જિંદગીનો ભોગ લેવાયો છે. જો કે, ભારે આશ્ચર્ય વચ્ચે ગેસના બાટલા ઘરવપરાશ માટે દુકાનમાં રાખ્યા હોવાનું દુકાન માલિકે મામલતદાર સમક્ષ નિવેદન આપ્યું છે ત્યારે એફએસએલ રિપોર્ટ બાદ જ આ બાટલા અને બાટલાની આગનું સત્ય બહાર આવશે.

સોમવારે સવારે નવેક વાગ્યાના અરસામાં મોરબીના ગાળા ગામના પાટિયા નજીક આવેલ કૈલાસ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સંગ્રહવામાં આવેલ ગેસના બાટલમાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડની ટિમો દોડી ગઈ હતી અને અંદાજે નવ કલાક સુધી પાણીનો મારો ચલાવતા આ આગ કાબુમાં આવી હતી. મોરબી ફાયર બ્રિગેડના ઓફિસર દેવેન્દ્રસિંહના જણાવ્યા મુજબ હાર્ડવેરની દુકાનમા અંદાજે 10 જેટલા રાંધણગેસના બાટલા પડ્યા હતા જેમાં આગ લાગતા આજુબાજુની છ દુકાન અને ત્રણ વાહનો આ આગમાં ભસ્મીભૂત થયા હતા.

બીજી તરફ બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા મામલતદાર નિખિલ મહેતા સહિતનો કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને આગની સમગ્ર ઘટના મામલે તપાસ કરતા કૈલાસ કોમ્પ્લેક્સમાં આવેલ ડાંગર જયરાજભાઈ ઉગાભાઈની કાવ્યા હાર્ડવેર અને ઇલેક્ટ્રિક નામની દુકાનમાં રાખવામાં આવેલ ગેસના બાટલાઓમાં આગ લાગતા આ દુર્ઘટના સર્જાઈ હતી. વધુમા તાલુકા મામલતદાર સમક્ષ નિવેદનમા દુકાન માલિકે પાંચેક બાટલા દુકાનમાં હોવાનું અને ગઈકાલે ઘેર લઈ ગયા ન હોય બાટલા દુકાનમાં પડ્યા રહ્યા હોવાનું જણાવ્યું હતું. જો દુકાન દુકાનદારનું નિવેદન ગળે ઉતરે તેમ ન હોય સમગ્ર મામલે એફએસએલ તપાસ બાદ જ સત્ય બહાર આવે તેમ હોવાનું હાલમા સૂત્રો જણાવી રહ્યા છે.

- text

બીજી તરફ ગેસના બાટલાઓમા આગને પગલે ધડાકા ભડાકા થતા હોય ફાયર બ્રિગેડના જવાનો પણ દુકાન નજીક જઈ શકે તેવી સ્થિતિમાં ન હતા તેવામા જ્યા આગ લાગી હતી તેની નજીક જ આવેલ મોબાઇલની દુકાન પણ આગની ચપેટમા આવવાની તૈયારી હતી તે સમયે મોબાઈલ દુકાનના માલિક તાલુકા મામલતદાર નિખિલ મહેતા પાસે જઈ દુકાનમાં ત્રણ લાખ રોકડા અને લેપટોપ સહિતનો કિંમતી માલ પડ્યો હોવાનું જણાવતા મામલતદાર ફાયર બ્રિગેડને રિકવેસ્ટ કરી મોબાઈલ દુકાન ધારકની રોકડ સહિતની વસ્તુઓ બહાર કઢાવી આપી હતી.

- text