તંત્રની પોલ ખોલતા મેઘરાજા : મોરબીમાં એકધારા 3 ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા

- text


લાતીપ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, સાવસર પ્લોટ અને સામાકાંઠાની સોસાયટીઓ સહિત નીચાણ વાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, તંત્રની પ્રિમોન્સૂન કામગીરી કાગળ ઉપર જ હોવાની પોલ ખુલી

મોરબી : મોરબીમાં આજે મેઘરાજાએ દે ધનાધનની જેમ વરસી પડી તંત્રની કહેવાતી પ્રિમોન્સૂન કામગીરીના ધજજીયા ઉડાડી દીધા હતા અને સ્થળ ત્યાં જળની જેમ તમામ માર્ગો અને વિસ્તારો નદીના વહેણ બની ગયા હતા અને લાતીપ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ, સાવસર પ્લોટ અને સામાકાંઠાની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ જતા તંત્રની પ્રિમોન્સૂન કામગીરી કાગળ ઉપર જ હોવાની પોલ ખુલી હતી.

મોરબીમાં આજે બપોરે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો અને 3 ઈંચ જેવો વરસાદ પડી ગયો હતા. આટલાં વરસાદમાં પણ ઠેરઠેર પાણી ભરાયા હતા. તમામ માર્ગો અને તમામ વિસ્તારો પાણી ભરાવાથી પ્રભાવિત થયા હતા. તેમાંય નીચાણવાળા વિસ્તારોની હાલત કફોડી બની ગઈ હતી. જેમાં અવની ચોકડી રવાપર રોડ, શનાળા રોડ, સામાકાંઠાની રાજનગર સહિતની સોસાયટીઓ, લાતીપ્લોટ સહિતના એનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા અને આ મોટાભાગના વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. આ પાણી ભરાવાથી તંત્રની પ્રિમોન્સૂન કામગીરી કાગળ ઉપર જ હોવાની પોલ ખુલી હતી.

તંત્રને દરેક વખતે ચોમાસા પહેલા પાણી ન ભરાય તે માટે દરેક વિસ્તારના વોકળા સાફ કરવાના હોય છે. જો કે તંત્ર આ કામગીરી માટે ટેન્ડર પ્રસિદ્ધ કરે છે અને કામગીરી કરી હોવાનો ડોળ કરે છે. પણ હકીકતમાં વરસાદ પડે ત્યારે જ તંત્રની કસોટી થાય છે અને સામાન્ય વરસાદમાં પાણી ભરાય એનો મતબલ તંત્રએ વોકળાની સફાઈ કરી જ નથી એ થાય છે અને તંત્રએ આ કામગીરીમાં ઢોગ કર્યો હોવાની પોલ ખુલે છે. આજે પણ વરસાદમાં તંત્રનો દાવો ખોટો પડ્યો હતો. જો તંત્રએ વોકળા સાફ કર્યા હોય તો પાણી સડસડાટ નીકળી જાય અને ક્યાંય પાણી ભરાય જ નહીં. પણ ઠેરઠેર પાણી ભરતા ફરી એકવાર વોકળા સાફ કર્યાનો તંત્રનો દાવો ચોપટ થઈ ગયો છે.

- text

- text