માળીયા પોલીસને પડકાર ! પોલીસ સ્ટેશન સામે જ ચાર તસ્કરોએ જવેલર્સની દુકાન સાફ કરી નાખી

- text


ગતરાત્રે બે વાગ્યે ચાર તસ્કરોએ નિરાંતે દુકાન ખુલ્લી રાખી ચોરીને આપ્યો અંજામ : બે કિલોગ્રામ ચાંદી સહિત દોઢથી પોણા બે લાખની માલમતા ચોરી ગયા

મોરબી : માળીયા પોલીસ સ્ટેશન સામે જ આવેલ અંબિકા જવેલર્સ નામના સોના – ચાંદીના શોરૂમમાં તસ્કર ચંડાળ ચોકડીએ ખાતર પાડી બે કિલોગ્રામ ચાંદીના દાગીના તેમજ ઇમિટેશન જવેલરીનો મોટો જથ્થો ચોરી કરી જઈ તસ્કરોએ પોલીસને પડકાર ફેંક્યો છે, પોલીસના નાક નીચે થયેલ આ ચોરીની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને એલસીબી સહિતની પોલીસ ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા પોલીસ મથક સામે અંબિકા જવેલર્સ નામનો શોરૂમ ધરાવતા મૂળ માળીયાના વતની અને હાલમાં ધ્રાંગધ્રા ખાતે રહેતા નિલેશભાઈ રાણપરાએ ચોરીની આ ઘટના અંગે મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સોમવારની મોડીરાત્રીના 2 વાગ્યાના અરસામાં ચાર તસ્કરો તેમની દુકાનમાં ત્રાટકયા હતા અને ચાંદીની લકી સહિતના 2 કિલોગ્રામ વજનના દાગીના ચોરી કરી ગયા હતા. બનાવ અંગે માળીયા પોલીસને જાણ કરવામાં આવતા હાલમાં માળીયા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની ઓળખ મેળવવા અને ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

વધુમાં આ ગંભીર બનાવ મામલે મોરબી એલસીબી ટીમ સહિતની ચુનંદા પોલીસ ટિમ દ્વારા પણ બતમીદારોને કામે લગાડી ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસ ચાલુ કર્યા છે અને માળીયા પોલીસે પણ હાલ ફરિયાદ નોંધવા તજવીજ ચાલુ હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જવેલર્સ શોરૂમમાં થયેલ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને ચારેય તસ્કરોના મોઢા સ્પષ્ટ પણે દેખાતા હોય તસ્કરોની ઓળખ આસાન બની છે.

- text