હળવદ : કેદારીયા ગામે ખિસકોલીના બચ્ચાને નવજીવન આપતો ખેડૂત પરિવાર

- text


બે બચ્ચાં ને જન્મ આપ્યા બાદ ખિસકોલી પાણી પીવા જતા ટાંકામાં પડી જતા મરણ પામી હતી

હળવદ : હળવદ કેદારિયા ગામે ખેડૂત પરિવારે અનોખો જીવદયા પ્રેમ દાખવ્યો હતો. જેમાં ખેડૂત પરિવારની વાડીએ ખિસકોલીએ બે બચ્ચાનો જન્મ આપ્યા બાદ ખિસકોલી પાણી પીવા જતા ટાંકામાં પડી જતા તે મૃત્યુ પામી હતી. આથી તેના નોંધાર બની ગયેલા બે બચ્ચાનું ખેડૂત પરિવારે પોતાના જીવથી પણ વધુ વહાલથી જતન કરીને બન્ને ખિસકોલીના બચ્ચાને નવજીવન આપ્યું છે.

પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ અને કરુણા રાખવાનો સંદેશ આપતી આ હદયદ્રાવક ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ કેદારિયા ગામે રહેતા ખેડૂત નવઘણભાઈ બાબુભાઈ થરેસાની ગામના પાદરે વાડી આવેલી છે. આ વાડીએ 15 દિવસ પહેલા એક ખિસકોલીએ બે બચ્ચાનો જન્મ આપ્યો હતો. દરમિયાન આ ખિસકોલી પાણી પીવા માટે વાડીના ટાંકા પાસે ગઈ ત્યારે પાણીના ટાંકામાં પાણી પીવા જતી વખતે ખિસકોલી પડી ગઈ હતી અને મૃત્યુ પામી હતી. આથી તેના બે બચ્ચા નોંધારા બની ગયા હતા.આ ખિસકોલીના બે બચ્ચા સાવ નાના અને તેમની આંખ પણ ઉઘડી ન હતી. આ ગંભીર બાબત નવઘણભાઈના ધ્યાને આવતા તેમનું કોમળ હૃદય દ્રવી ઉઠ્યું અને બન્ને ખિસકોલીના બચ્ચાને બચાવવા માટે તેઓએ તેમજ તેમના પરિવારે રાત દિવસ અથાક પ્રયાસો કર્યા, જેમાં બન્ને બચ્ચાને ટાઈમે ટાઈમે દૂધ પીવડાવવુ, પાણી પાવું તેમજ ખોરાક અને રહેવાની પણ વ્યવસ્થા કરી આપી હતી. આ ખેડૂત પરિવારના જીવદયા પ્રેમથી બન્ને ખિસકોલીના બચ્ચા વાડીમાં હરફર કરી શકે છે.

- text

ખેડૂત પરિવારે ખિસકોલીના બચ્ચાને જે રીતે નવજીવન આપ્યું તે રીતે પણ લોકો તેમની આસપાસ પશુ પક્ષીઓ સાથે બનતી આવી ઘટનાથી નજર અંદાજ કરવાને બદલે જીવદયા પ્રેમ દર્શાવે તો ધરતી પણ સ્વર્ગ બની જશે. એમાં બે મત નથી અને આ જ સાચો માનવ ધર્મ છે.

- text