તો…. આંદોલન ! નવા નેશનલ હાઇવેની જમીન કપાત મામલે વધુ ચાર ગામનો વિરોધ

- text


ખેવરિયા, ખાખરાળા, વનાળિયા અને મોટા દહીંસરાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું :ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાનો લલકાર

મોરબી : મોરબીના નવલખી બંદરથી પીપળીયા મોરબીની જોડતા 17 કિમીના નવા નેશનલ હાઇવે બનાવવાનું સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવતા આ નવા નેશનલ હાઇવેથી અનેક ખેડૂતોની મોટી જમીન કપાતમાં જવાની હોવાથી ઠેરઠેર ખેડૂતોમાં નવા નેશનલ હાઇવે સામે વિરોધ ઉઠ્યો છે. ત્યારે મોરબી માળીયાના વધુ ચાર ગામોના ખેડૂતોમાં નવા નેશનલ હાઇવેથી જમીન કપાતના નિર્ણય સામે વિરોધ ઉઠ્યો છે. આ મામલે ખેવરિયા, ખાખરાળા, વનાળિયા અને મોટા દહીંસરાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું છે અને નવા નેશનલ હાઇવેથી ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાનો લલકાર કર્યો છે.

મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા અને માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને જણાવ્યું હતું કે, માળીયા પંથકમાં સરકારે જે નવો નેશનલ હાઇવે બનાવવાની જાહેરાત કરી છે એની સામે વાંધા અરજી કરી છે. તેમના ગામમાં ઓલરેડી એક નવલખી હાઇવે છે. તો ત્રીજા નવા હાઇવેની શુ જરૂરત છે ?, આ નવા હાઇવે માટે ખેડૂતોની મોટી જમીન કપાતમાં જશે જેથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે. માળીયાના તરઘરી ગામે નવા હાઇવે માટે ખેતીલાયક અંદાજે 0,9629 એકરની જમીન કપાતમાં જાય તેવી શકયતા છે. પણ સરકારના નોટિફિકેશનમાં ક્યાં ગામની કેટલી જમીન કપાશે તેનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

વધુમાં આ ચારેય ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે, નવા નેશનલ હાઇવે માટે આ ચતેય ગામોમાં મોટી જમીન કપાતમાં જવાની છે. જો કે કોઈ ગામમાં એક નવલખી હાઇવે તો કોઈ ગામમાં બે હાઇવે નીકળતા હોય તો હવે માત્ર ઔધોગિક હેતુ માટે અન્ય નવો હાઇવે બનાવીને ખેડૂતોના વર્ષોથી પરંપરાગત ખેતી વ્યવસાય ઉપર શુ કામ તરાપ મારવામાં આવે છે ? એક કે બે હાઇવે હોય તો ત્રીજા હાઈવેની શુ જરૂરત છે ? ઘણા નાના ખેડૂતો છે કે જેઓ માત્ર ખેતી ઉપર નભે છે એમનું ગુજરાન ખેતી ઉપર જ ચાલે છે. જો આ હાઇવેથી ખેડૂતોના ખેતરો કપાઈ જશે તો ખેડૂતો રોજીરોટી મેળવવા ક્યાં જશે, આવી રીતે તો ગામડા ભાંગી જશે, કારણ કે દરેક ગામડાનો મુખ્ય વ્યવસાય ખેતી છે. જો ખેતી ન રહે તો ગામ પણ નહીં રહે. નાના ખેડૂતો બેઘર અને ધંધા વિનાના બેરોજગાર થઈ જશે. આના માટે કોણ જવાબદાર ? એક તરફ સરકાર ખેડૂતોના હામી હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ખેતી ઉપર તરાપ મારીને ખેડૂતોની રોજગારી ખતમ કરવાની કોશિશ કરે છે ? આ ક્યાંનો ન્યાય ? ખેડૂતોની ઘણી જમીનો રોડ ટચ છે. એટલે હાઇવે માટે ખેડૂતોની જમીન છીનવાઈ જશે તો વાવેતર કરવા ક્યાં જશે ? આવી સ્થિતિમાં સરકાર યોગ્ય નિર્ણય કરે તેવી માંગ કરી છે. જો જમીન કપાતમાં જશે અને રોજીરોટી છીનવાઈ જશે તો ખેડૂતો આંદોલન કરતા જરાય અચકાશે નહિ તેવી ચીમકી આપી છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે, નવલખી પોર્ટ-મોરબી-પીપળીયા સુધી જે નવો નેશનલ હાઇવે બનાવવાનું સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.તેથી મોરબી અને માળીયા પંથકમાં જે જે ગામોમાં આ હાઇવે નીકળવાનો છે ત્યાં જમીન કપાતથી દરેક ગામના ખેડૂતોમાં ઉગ્ર વિરોધ ઉઠ્યો છે. ખેડૂતો પોતાની રોજીરોટી બચાવવા કોઈ કાળે નમતું જોખવા માંગતા નથી. એમની વાત પણ વાજબી છે કે ખેતી નહીં રહે તો ગામનું અસ્તિત્વ જ નહીં રહે. આથી ખેડૂતો જમીન કપાત સામે મોરચો માંડ્યો છે. ખેડૂતોના ઉગ્ર વિરોધ સામે હવે સરકાર કેવું વલણ જાહેર કરે છે તે જોવાનું રહ્યું.

- text