મોરબીમાં ટીડીએસ રીફન્ડ માટે લાંચ લેનાર ઇન્કમટેક્સ અધિકારીને ચાર વર્ષની કેદ 

- text


વર્ષ 2012માં રૂપિયા 2000ની લાંચ લેવાના કેસમાં નામદાર મોરબી કોર્ટે લાંચિયા અધિકારીને 20 હજારનો દંડ ફટકાર્યો 

મોરબી : મોરબીમાં વર્ષ 2012માં વીમા એજન્ટ તરીકે કામ કરતા મહિલાના ઇન્કમટેક્સ ટીડીએસ રિફંડ આપવા બદલ 5 ટકા લેખે રૂપિયા 2000ની લાંચ લેનાર મોરબી ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટને મોરબીની નામદાર કોર્ટે તકસીરવાન ઠેરવી ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમ અન્વયે ચાર વર્ષની કેદ અને 20 હજાર દંડ ફટકારતો હુકમ કરતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો વર્ષ 2012માં મોરબીમાં બજાજ એલાયન્સમાં એજન્ટ તરીકે કામ કરતા પ્રજ્ઞાબેન નિલેશભાઈ સરસાવાડિયાને ટીડીએસ કપાતના રૂપિયા 45,480 રિફંડ લેવાના હોય જેથી બગથળા હેલ્થ સેન્ટરમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા તેમના પતિ નિલેશભાઈ સરસાવાડિયાએ મોરબી ખાતે હનુમાન ડેરી વાળી શેરીમાં આવેલી ઇન્કમટેક્સ ઓફિસમાં અરજી કરી હતી. જો કે, લાંબો સમય સધી ઇન્કમટેક્સ કચેરીના ધક્કા ખાવા છતાં તેમને રિફંડની રકમ મળી ન હતી. જો કે, અહીં ફરજ બજાવતા ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાનો રીફન્ડ બાબતે સંપર્ક કરતા મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાએ રિફંડની રકમના 5 ટકા આપો તો જ રિફંડ મળશે તેવી જણાવ્યું હતું.

- text

બાદમાં ફરિયાદી નિલેશભાઈએ રિફંડ માટે લાંચની માંગ કરનાર ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાને રૂપિયા 500 આપી બાકીના નાણાં બાદમાં આપવાનું કહી એસીબીને ફરિયાદ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવી મહેશકુમારને રૂપિયા 1500ની લંચ લેતા રંગે હાથ ઝડપી લીધા હતા. આ ચકચારી કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વી.એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા આઠ મૌખિક અને 18 દસ્તાવેજી પુરાવા ઉપરાંત મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની ધારદાર દલીલોને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપી મહેશકુમાર મીણાને ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમની જુદી જુદી કલમો અન્વયે તકસીરવાન ઠેરવી 4 વર્ષની કેદ અને 20 હજારનો દંડ ફટકાર્યો છે.

- text