વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓ નિર્દોષ : પીડિતા અને માતા-પિતા વિરુદ્ધ તપાસનો આદેશ

- text


વર્ષ 2019ના ચર્ચાસ્પદ કેસમાં પીડિતાને ચૂકવાયેલ કંપેશેશન પણ પરત લેવા નામદાર અદાલતનો આદેશ : આરોપીઓને જામીન પણ નહોતા મળ્યા

મોરબી : દુષ્કર્મ અંગેના ઉપરાછાપરી બનાવો વચ્ચે નામદાર મોરબી સ્પેશિયલ પોકસો અદાલતે વર્ષ 2019ના વાંકાનેરના ચકચારી દુષ્કર્મ કેસમાં ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી ખોટા પુરાવાઓ ઉભા કરવા સબબ પીડિતાના માતાપિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા હુકમ કરી ભોગ બનનારને ગુજરાત સરકાર દ્વારા ચૂકવાયેલ 3.75 લાખનું કંપેશેશન પણ પરત લેવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2019મા વાંકાનેરના ચંદ્રપુર અને ચોટીલામાં આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ કોળી, હાર્દિક પ્રફુલભાઈ સુથાર અને તુષાર રમેશભાઈ કોળીએ ભોગ બનનાર સગીર હોવાનું જાણતા હોવા છતાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારવા અંગે ફરિયાદ નોંધાવવામાં આવી હતી સાથે જ આરોપીઓએ મોબાઇલ ફોનમાં વાંધાજનક ફોટા પાડી લઈ સગીરા સાથે બળજબરીથી શારીરિક જાતીય પ્રવેશ કરવા મામલે પોકસો એકટ સાહિતની કલમો મુજબ ગુન્હો દાખલ કરાયો હતો.

આ અંગેનો કેસ નામદાર મોરબી સ્પેશિયલ પોકસો અદાલતમાં ચાલતા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પક્ષે ફરિયાદી, ફરિયાદીની માતા, સાહેદો, ડોક્ટરો તેમજ અન્ય પુરાવાઓ રજૂ થવાની સાથે તપાસનીશ અધિકારીની અને અન્યનો જુબાનીના અંતે આરોપી વિપુલ ઉર્ફે લાલો ચકાભાઈ કોળી અને હાર્દિક પ્રફુલભાઈ સુથાર વતી બચાવપક્ષે ધારાશાસ્ત્રી દિલીપભાઈ અગેચણિયા અને આરોપી તુષાર રમેશભાઈ કોળી વતી એડવોકેટ દુર્ગેશભાઈ ધનકાણીએ દલીલ કરી હતી કે, ફરિયાદ પક્ષ દ્વારા આરોપીઓને ગંભીર ગુન્હામાં સંડોવી દેવા ખોટી ફરિયાદ કરી છે, આરોપીઓ તદ્દન નિર્દોષ હોવાનું અને સમગ્ર કેસ દરમિયાન ફરિયાદ પક્ષની જુબાનીમાં અનેક વિરોધાભાસી તત્વો સામે આવ્યા છે.સરકાર પક્ષે આરોપીઓને સજા થાય તેવા પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહેલ છે.

- text

વધુમાં ફરિયાદ પક્ષ ભોગ બનનાર સગીર હોવાનો પુરાવો પણ રજૂ કરી શક્યા ન હોવાનું તેમજ રજૂ કરેલ વિડીયો પણ સ્પષ્ટ ન હોવાની દલીલ સાથે ભોગ બનનાર કારખાનામાં કામ કરતા હોય જ્યા 18 વર્ષની વ્યક્તિને જ કામે રાખવામાં આવતા હોવાના પુરાવા પણ બચાવપક્ષે રજૂ કરી તબીબી અભિપ્રાયમાં પણ ક્યાંય બળજબરી કરવામાં આવી હોય તેવા ઇજાના નિશાન ન મળ્યા હોવાનું અને સંમતિથી શારીરિક સંબંધ બંધાયા હોવાનું તબીબોના નિવેદનમાં પણ સામે આવ્યું હતું.

આ ચકચારી કિસ્સામાં ત્રણેય આરોપીઓ જામીન ઉપર પણ મુકત થયા ન હતા ત્યારે બચાવપક્ષે જેમ ભોગ બનનાર કોઈની પુત્રી છે તો આરોપીઓ પણ કોઈના પુત્ર હોવાની દલીલ કરી નામદાર સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ટાંકી તહોમતદારને ખોટી સજા થાય તો ન્યાય પ્રણાલી ઉપરથી લોકોનો વિશ્વાસ ડગી જાય તેમ હોવાની ધારદાર દલીલો કરતા નામદાર મોરબી સ્પેશિયલ પોકસો અદાલતે ત્રણેય આરોપીઓને નિર્દોષ છોડવા હુકમ કરવાની સાથે ભોગ બનનાર અને તેણીના માતા પિતા વિરુદ્ધ નામદાર કોર્ટમાં ખોટા પુરાવા રજૂ કરવા મામલે ઇન્કવાયરી કરવા આદેશ કરી ગુજરાત સરકાર દ્વારા દુષ્કર્મ કેસમાં ભોગ બનનારને ચૂકવાયેલ 3,37,500ની કંપેશેશનની રકમ પણ પરત લેવા આદેશ કર્યો હતો.

આ ચકચારી કેસમાં આરોપીપક્ષે એડવોકેટ દિલીપ અગેચણિયા, જીતેન અગેચણિયા, જે.ડી.સોલંકી, હિતેશ પરમાર, રવિ ચાવડા, મોનિકા ગોલતર અને દુર્ગેશભાઈ ધનકાણી રોકાયા હતા.

- text