શરમ…શરમ… લાતીપ્લોટમાં જાહેર રોડ ઉપર પોખરા ગોઠવાયા

- text


લાતીપ્લોટ નહીં દેખા તો કુછ નહિ દેખા….. કુછ સેકન્ડ તો ગુજારીએ લાતી પ્લોટ મે….. લોકોને ખુલ્લી ગટરમાં ખાબકતા બચાવવા રોડ ઉપર પોખરા

મોરબી : સિરામીક સીટી તરીકે વિશ્વભરમાં નામના મેળવનાર મો૨બી શહેરના લાતી પ્લોટ શેરી નંબર-6માં મેઈન રોડ ઉપર જાજરૂના પોખરા મુકવામાં આવ્યા છે પ્રથમ દ્રષ્ટિએ નવાઈ પમાડે તેવા આ દ્રશ્યો મોરબીના રાજકારણીઓ અને નગરપાલિકા તંત્ર માટે શરમજનક છે.લાંબા સમયથી ક્લોક ઇન્ડસ્ટ્રીઝના હબ ગણાતા લાતીપ્લોટમાં ઉભરાતા ગટરના પાણી વચ્ચે ભૂગર્ભ ગટરનું ઢાંકણું પણ તૂટી જતા વાહનચાલકો અને રાહદારીઓ ગટરમાં ખાબકતા હોય સ્થાનિકો દ્વારા અહીં જાજરુના પોખરા ગોઠવી સરકારની આંખ ખોલવા પ્રયાસ કર્યો છે.

સિરામીક સીટી મોરબીનો લાતીપ્લોટ વિસ્તાર ક્લોક ઇન્ડસ્ટ્રીઝનું હબ ગણાય છે પરંતુ આ વિસ્તારની કમનસીબી છે કે હજુ એક વર્ષ પહેલા જ અહીં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર, વરસાદી પાણીનો નિકાલ અને રોડના કામ કરાયા છે પરંતુ આ વિકાસ કામ માત્રને માત્ર કાગળ ઉપર જ કરાયા હોય તેવાઘાટ વચ્ચે આખા લાતીપ્લોટમાં ઠેર – ઠેર મસમોટા ખાડા અને ખુલ્લી ભૂગર્ભ ગટરને કારણે રાહદારીઓ અને વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે.

- text

બીજી તરફ મોરબીના લાતીપ્લોટ શેરી નંબર-6ના મુખ્ય રોડ ઉપર લાંબા સમયથી ભૂગર્ભ ગટર ઊભરાવવાની સાથે ગટરનું ઢાંકણું જ ગાયબ થઈ જતા ભરાયેલા ગંદા પાણી વચ્ચે લોકો આ મોતના કુવા સમાન ખાડો જોઈ શકતા ન હોવાથી સ્થાનિક વેપારીઓ દ્વારા નગરપાલિકાના નઘરોળ તંત્ર અને મોરબીના રાજકીય મહાનુભાવોની આખો ખોલવા માટે અહીં સંડાસના પોખરા ગોઠવી દઈ રીતસર તંત્રની આબરૂનું વસ્ત્રાહરણ કરી નાખ્યું છે. જો કે પાલિકાની આબરૂ ધૂળધાણી થતા આજે સવારમાં પાલિકાનો સ્ટાફ અહીં મરામત કામ માટે આવી પહોંચ્યો હતો.

- text