લૂંટો ભાઈ લૂંટો ! મોરબીની આવાસ યોજના અધૂરી છતાં કરોડો ચૂકવાઈ ગયા

- text


આવાસ યોજના રહેણાંક મટી ખંઢેર બની ગઈ : વર્ષ 2022માં તપાસ સમિતિ બની પણ 15 દિવસમાં રિપોર્ટ ન આપી શકી 

માર્ગ અને મકાન વિભાગે ધગધગતા રિપોર્ટમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું છતાં કોન્ટ્રાકટરોને ઉની આંચ નહીં 

મોરબી : મોરબી શહેરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં ગરીબોને ઘરનું ઘર મળે કે ન મળે પરંતુ કોન્ટ્રાકટરોને ઘી કેળા થઇ ગયા છે કુલ 1008 આવાસ બનાવવાના કોન્ટ્રાક્ટમાં 400 ક્વાર્ટર બન્યા બાદ બાયપાસ ઉપર 608 આવાસ બનવવામાં કોન્ટ્રાકટરે લોટ, પાણીને લાકડા કરતા આજે આઠ વર્ષ વીતવા છતાં ગરીબોને આવાસ તો નથી મળ્યા પણ આ આવાસ આજે ખંઢેર બની ગયા છે અને 5 કરોડના અધૂરા કામ છતાં પાલિકાએ તમામ પેમેન્ટ કરી દેતા કોન્ટ્રાકટરો હવામાં ઓગળી ગયા છે અને આ કૌભાંડની તપાસ માટે વર્ષ 2022માં રચાયેલ કમિટીને 15 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો છતાં આજ સુધીમાં આ કમિટીના એ તપાસ માટેના 15 દિવસ પૂર્ણ થયા નથી !

પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ 2013માં મોરબી નગર પાલિકા દ્વારા મોરબી શહેરમાં 1008 આવાસ બનાવવા માટે ક્રિષ્ના કન્ટ્રક્શન નામની પેઢીને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો જો કે, ગરીબોના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવી આ યોજનામાં કોન્ટ્રાક્ટરોએ લીલાપર રોડ ઉપર લોટ પાણીને લાકડા જેવા 400 ક્વાટર્સ બનાવીને સુપરત કર્યા બાદ મોરબી -કંડલા બાયપાસ ઉપર 18 કરોડના ખર્ચે 608 ક્વાટર્સ બનાવવા માટે કાળ ચોઘડિયે કામ શરૂ કર્યા બાદ આજે આઠ આઠ વર્ષ વીતવા છતાં આજદિન સુધીમાં આ આવાસ યોજના સાકાર નથી થઇ ઉલટું હાલમાં આ આવાસ યોજના અધૂરા કામને કારણે ખંઢેર હાલતમાં ફેરવાઈ ગઈ છે.

બીજી તરફ જેતે સમયે કોન્ટ્રાકટર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં ન આવતા મોરબી પાલિકા દ્વારા ડહાપણની દાઢ ફૂટી હોય તેવી કડક કામગીરી કરી તમામ પેમેન્ટ ચૂકવી આપ્યા બાદ 97 લાખ જેટલી ડિપોઝીટ જપ્ત કરી અધૂરા કામમાં પગલાં ભર્યાનો સંતોષ માની લીધો હતો. જો કે, બહુ ચર્ચિત આ પ્રકરણમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષ 2022માં દિશા કમિટીની તપાસ સમિતિ રચી અને 15 દિવસમાં રિપોર્ટ આપવા નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ આજે આ વાતને પણ એક વર્ષ જેટલો સમય વીતવા છતાં ક્યાંક ગુમ થયેલી આ કમિટી આજદિન સુધી કોન્ટ્રાકટરના કાળા કારનામાનો રિપોર્ટ આપી શકી નથી.

- text

ઉલ્લેખનીય છે કે, મોરબીમાં આવાસ યોજનાના નામે કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર આચરવાના આ કૌભાંડમાં મોરબી માર્ગ અને મકાન વિભાગની ટીમ દ્વારા અલગ અલગ અગિયાર મુદ્દે ધગધગતો રિપોર્ટ આપવા છતાં પણ મોરબી પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોન્ટ્રાકટર પેઢી વિરુદ્ધ કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી બીજી તરફ આ કોન્ટ્રાકટર પેઢી રાજકીય આલમ સાથે જોડાયેલી હોવાથી આવાસ કૌભાંડમાં કોઈ જ પગલાં ભરવામાં આવે તેમ ન હોવાનું પણ સુમાહિતગાર વર્તુળો જણાવી રહ્યા છે.

પાલિકા પાસેથી ખૂટતા કાગળો મંગાવ્યા છે 

મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં 1008 આવાસ બનવવા માટે જે યોજના બનાવવામાં આવી છે તેમાં કામ અધૂરું રહેતા ત્રણ સભ્યોની કમિટી બનાવવામાં આવી છે જે અન્વયે પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાના અધ્યક્ષ સ્થાને માર્ગ અને મકાન વિભાગ તેમજ ચીફ ઓફિસરનો સમાવેશ કરાયો છે. બીજી તરફ તપાસ સમિતિના અધ્યક્ષ એવા પ્રાંત અધિકારી ડી.એ.ઝાલાએ જણાવ્યું હતું કે, પાલિકા પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ મંગાવાયા છે જે ઝડપથી મળ્યા બાદ તપાસ આગળ ધપશે.

- text