ખાનગી શાળાઓના શિક્ષણ અને સુવિધાઓને ટક્કર આપતી હળવદની મેરૂપર પે સેન્ટર શાળા

- text


હળવદ જેવા શહેરમાંથી બાળકો ગામડાની મેરૂપર પે સેન્ટર શાળામાં ભણવા આવે છે

મોરબી : મોરબી જિલ્લામાં હળવદ તાલુકાના મેરૂપર ગામમાં આવેલી પે સેન્ટર શાળાને નંદનવન કહીએ કે વિદ્યાનું ઉપવન કોઈ પણ ઉપમા ટુંકી પડે. એક સમય હતો જ્યારે સરકારી શાળાઓના ભવનો કે ત્યાંની પ્રવૃત્તિઓ સીમિત હતી. જયારે આજે સરકારના અનેક ઉમદા અભિગમો અને વિદ્યાલક્ષી યોજનાઓ થકી સરકારી શાળાઓએ આધુનિક ખાનગી શાળાઓને પણ પાછળ છોડી દીધી છે. જેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે મેરૂપર પે સેન્ટર શાળા છે.

૦૯/૧૧/૧૯૫૪ માં ૭૦ થી ૮૦ બાળકો સાથે શરૂ થયેલી મેરૂપર પ્રાથમિક શાળામાં આજે ૨૯૪ વિદ્યાર્થીઓ હોંશે હોંશે ભણવા આવે છે. શાળાનું ભણતર, વાતાવરણ અને અન્ય પ્રવૃત્તિઓ એટલી ઉત્તમ છે કે, હળવદ જેવા શહેરમાંથી પણ બાળકો અહીં ગામડાની સ્કૂલમાં અભ્યાસ કરવા આવે છે. વિવિધ અદ્યતન સુવિધાઓથી સજ્જ આ શાળામાં શિક્ષણ આપવાની પદ્ધતિ પણ કંઈક વિશેષ છે. અહીંના શિક્ષકો બાળકો સાથે બાળક બની તેમની અંદર શિક્ષણ અને સંસ્કારનું સિંચન કરે છે. સરકારના સ્માર્ટ ક્લાસ પ્રોજેક્ટ અંતર્ગત શાળામાં ત્રણ ડિજિટલ સુવિધાસભર વર્ગો આવેલા છે. જ્યાં શિક્ષકો ડિજિટલ બોર્ડની મદદથી બાળકોને સાવ સરળતાથી અને પ્રેક્ટીકલ ઉદાહરણો સાથે જ્ઞાનનું ભાથુ પીરસે છે. તો સરકારના જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અને પ્રજ્ઞા અભિગમ અંતર્ગત પણ સવિશેષ કામગીરી કરવામાં આવી રહી છે. નાના બાળકોને અહીંના શિક્ષકો બાળક બની તેમની સાથે હસતા ગાતા જ્ઞાનકુંજ વર્ગના વિવિધ પ્રસાધનોની મદદથી ગમ્મત સાથે જ્ઞાન આપે છે.

શાળામાં એ.સી.થી સજ્જ વિશાળ કોમ્પ્યુટર લેબ પણ આવેલી છે જ્યાં બાળકો કોમ્પ્યુટરને લગતું શિક્ષણ પણ મેળવે છે. વિશાળ રિસોર્ટ કે ઉદ્યાન જેવું લાગતું આ શાળાનું કેમ્પસ સંપૂર્ણ સીસીટીવીથી સજ્જ છે. તો શાળાના તમામ વર્ગોમાં આચાર્ય કક્ષથી મોનિટરિંગ કરી શકાય તેવા ઓડિયો સ્પીકરની મદદથી કનેક્ટિવિટી નેટવર્ક પણ ઊભું કરાયું છે જેની મદદથી આચાર્ય કોઈપણ વર્ગને સીધી સૂચના કે માર્ગદર્શન આપી શકે છે. શાળામાં અદ્યતન વિજ્ઞાન લેબ પણ આવેલી છે જેથી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના વિષયમાં ઉંડો રસ કેળવી સરળતાથી શીખી શકે. સંગીતના શિક્ષણ માટે તેમજ આનંદ-પ્રમોદ માટે અહીં સંગીતના સાધનો પણ વસાવેલા છે. શાળાનું સમગ્ર કેમ્પસ વિવિધ ભીંતચિત્રોથી રંગાયેલું છે જેમાં દેશના વિવિધ રાજ્યના નામથી માંડીને નાનામાં નાની બાબતોને સાંકળી લેવામાં આવી છે. ઋષિ પરંપરા યાદ અપાવે એવી એક વન કુટીર પણ શાળામાં આવેલી છે, જ્યાં શિક્ષકો બાળકોને ગાતા ગાતા કે નૃત્ય કરતા કરતા કવિતાઓ કે અન્ય કોઈ પાઠ યાદ કરાવતા નજરે પડે. શાળામાં એક પુસ્તકાલય પણ બનાવવામાં આવ્યું છે જ્યાં બેસીને બાળકો અભ્યાસક્રમના પુસ્તકોનો તો અભ્યાસ કરે જ છે સાથે સાથે પૂરક વાંચન કરીને પણ વાંચન રસ કેળવે છે. વિદ્યાર્થીઓને પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે ફિલ્ટર પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. બાળકોને જમવા માટે પંખા સાથેનો શેડ પણ બનાવવામાં આવ્યો છે.

મેરૂપરની આ શાળા, શાળા કરતા કોઈ હરિયાળું રિસોર્ટ કે બાગ વધુ લાગે. આમ તો એ બાળ પુષ્પોથી મહેકતું બાગ જ છે જ્યાં સરકારની એક બાળ એક ઝાડ પહેલ મુજબ દરેક બાળકને એક એક છોડ કે ઝાડ સોંપવામાં આવેલ છે. જે છોડ કે ઝાડની બાળકો જ પાણી ખાતર ઇત્યાદી આપી માવજત કરે છે અને ઉછેરે છે. શાળાની અંદર જ એક બોર્ડ મારેલું છે: ‘ગો ગ્રીન – મારી શાળા હરિયાળી શાળા’ જે શાળાનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરે છે. શાળાના કેમ્પસમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષો આવેલા છે. જેમાં પેન્ટો, ગરમાળો, ઉંબરો, સપ્તપર્ણી, નાળિયેરી, બોટમપામ, કરેણ, કણજી(કરંજ), ગુલમોહર, લીમડો, બદામ, પીપળો, વડ, ચાર પ્રકારની મહેંદી વગેરેનો સમાવેશ થાય છે. ઉપરાંત શાળામાં એક ઔષધી બાગ આવેલું છે તથા શાળાએ પોતાનું આગવું કીચન ગાર્ડન પણ વિકસાવ્યું છે જેમાં પ્રાકૃતિક ખેતીથી ઉગતી શાકભાજીનો મધ્યાહન ભોજનની વાનગીઓ બનાવવામાં ઉપયોગ કરવામાં આવે છે.

શાળા દ્વારા શાળા નર્સરી જેવી પણ એક પહેલ કરવામાં આવી છે જેમાં શાળા દ્વારા રોપાઓ ઉછેરી તેને વિનામૂલ્યે ગ્રામજનોને વિતરણ કરવામાં આવે છે. સ્વચ્છતાના મુદ્દે પણ શાળા એક્કો છે. શાળા કેમ્પસમાં ક્યાંય પણ કચરો જોવા ન મળે, જેથી તો આ શાળાને સ્વચ્છતા એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને શાળાના પ્રાંગણમાં પડીકા લઈ આવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેથી બાળકો ઘરનું બનાવેલું જ પૌષ્ટિક આહાર નાસ્તામાં લાવે છે. ‘ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં’ છે એમ અહીં કહી શકાય કે, ‘શાળાનું પાણી શાળામાં’. અહીં વરસાદના પાણીનો એક ટાંકામાં સંગ્રહ કરવામાં આવે છે. ૫૦ હજાર લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતા આ ટાંકાના પાણીનો ઉપયોગ ગાર્ડનિંગ માટે તેમજ ફિલ્ટર કરીને પીવા માટે કરવામાં આવે છે.

બાળકોનો યોગ્ય માનસિક અને શારીરિક વિકાસ થાય તે માટે શાળા કક્ષાએ જ ‘ભાર વિનાનું ભણતર’ એવી એક નવી પહેલ કરવામાં આવી છે. મેરૂપર શાળામાં અભ્યાસને સરળ બનાવવા માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સૌપ્રથમ તો બાળકોમાં નૈતિકતા કેળવાય અને આગળ જતા તેઓ જવાબદાર નાગરિક બને તે માટે શાળા કક્ષાએ વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે. સમિતિના સભ્યો બાળકો જ હોય છે જેમના દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવે છે. શાળામાં બાળ સંસદની ચૂંટણી કરીને અથવા તો સ્વૈચ્છિક રીતે બાગાયત સમિતિ, પ્રાર્થના સમિતિ, પાણી સમિતિ, સફાઈ સમિતિ, આરોગ્ય સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, સાંસ્કૃતિક સમિતિ અને પુસ્તકાલય સમિતિ એમ વિવિધ સમિતિની રચના કરવામાં આવે છે જે દ્વારા બાળકો વિવિધ જવાબદારીઓ લેતા શીખે છે.

શાળામાં વાર-તહેવારે વિવિધ સાંસ્કૃતિ કાર્યક્રમો પણ કરવામાં આવે છે. સૌથી વિશેષ શાળાઓના પ્રાંગણમાં પગ મુકતા જ ધ્યાન કેન્દ્રિત કરે એવી એક વસ્તુ છે ચબૂતરો. જ્યાં લખ્યું છે, ‘આવો ને ચકલા આવો પારેવા ચોકમાં દાણા નાખ્યા છે’. શાળા કેમ્પસમાં તમને ઘણા બધા ચકલીના માળાઓ પાણી પીવાના કુંડાઓ જોવા મળે. તો ચબૂતરા ઉપર પણ પક્ષીઓનો કલરવ સંભળાયા જ કરે જ્યાં તેમના માટે ચણ પણ નાખવામાં આવે છે. આ પક્ષીઓના ચણ માટે શાળા દ્વારા એક ‘અક્ષરપાત્ર’ કરીને પહેલ કરવામાં આવી છે. જ્યાં બાળકો જ અઠવાડિયે એક વાર ઘરેથી મુઠ્ઠી ચણ લઈ અને ત્યાં એકત્ર કરે છે અને ત્યારબાદ પક્ષીઓને ખાવા માટે નાખે છે. શાળામાં અભ્યાસની સાથે મૂલ્ય શિક્ષણને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. જે અન્વયે શાળામાં એક ‘ખોયા પાયા સ્ટેન્ડ’ પણ છે જ્યાં કોઈને કોઈ ખોવાયેલી વસ્તુ મળે તો એ સ્ટેન્ડ ઉપર મૂકી જાય અને જેની વસ્તુ ખોવાયેલી હોય તે ત્યાંથી મેળવી શકે. તો એક ‘રામહાટ’ પણ આવેલું છે જ્યાં બાળકો પૈસા મૂકી તેમને જોઈતી સ્ટેશનરીની સામગ્રી મેળવી શકે છે. શાળાની રમતગમતની પ્રવૃત્તિઓ પણ સવિશેષ છે. શાળામાં વોલીબોલ, ફૂટબોલ, ચેસ, કેરમ સહિતની વિવિધ રમતો રમાડવામાં આવે છે.

- text

મેરૂપર પે સેન્ટર શાળા ‘સ્કૂલ ઓફ એક્સેલન્સ’માં હળવદ તાલુકાની સૌપ્રથમ પસંદ થયેલી શાળા છે. મોરબી જિલ્લાની મેરૂપર શાળાએ અનેક એવોર્ડ અને સિદ્ધિઓ મેળવી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે. ૨૦૧૭ નો શાળા સ્વચ્છતા એવોર્ડ આ શાળાને અર્પણ થયો હતો. ૨૦૧૯ માં શાળાના આચાર્યશ્રી ધનજીભાઈ એસ. ચાવડાને રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તથા ૨૦૧૮ માં તેમને જ ચિત્રકૂટ એવોર્ડ અને ૨૦૧૫ માં સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ પણ અર્પણ કરાયો હતો. શિક્ષક ધર્મેન્દ્રભાઈ બુંભરીયાને પણ વર્ષ ૨૦૨૩માં સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે તેમજ વર્ષ ૨૦૨૧ માં તેઓ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ સન્માનિત થયેલા છે. શાળાની સ્વચ્છતા અને ગાર્ડનિંગને ધ્યાનમાં રાખી વર્ષ ૨૦૨૧માં આઈ.આઈ.ટી.ઈ.-ગાંધીનગર દ્વારા રાજ્યની ટોપ ફાઈવ ગાર્ડન ધરાવતી શાળામાં સ્થાન આપવામાં આવ્યું છે.

વર્ષ ૨૦૨૧-૨૨ માં ગુણોત્સવમાં એ ગ્રેડ મેળવેલો છે તથા વર્ષ ૨૦૨૨-૨૩ માં એ પ્લસ ગ્રેડ સાથે જિલ્લાની પ્રથમ ક્રમની શાળા તેમજ રાજ્યની ૨૬ માં ક્રમની શાળા બની છે. દર વર્ષે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એન.એમ.એમ.એસ.ની પરીક્ષામાં મેરીટમાં મોરબી જિલ્લામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ આ શાળાના જ પસંદગી પામે છે. જિલ્લામાંથી લેવાના થતા ૮૮ વિદ્યાર્થીઓમાંથી ૬ વિદ્યાર્થીઓ તો ફક્ત મેરૂપર શાળામાંથી જ પસંદ થયેલા છે. તે જ પરીક્ષામાં જિલ્લા કક્ષાએ ટોપ ૧૦ માં ૨ વિદ્યાર્થીઓ તથા તાલુકા કક્ષાએ ૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. ૨૦૨૧-૨૨ માં ખેલ મહાકુંભમાં મેરૂપર પે સેન્ટર શાળાના ૨૧ વિદ્યાર્થીઓએ રાજ્યકક્ષાએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. ચિલ્ડ્રન યુનિવર્સિટી એથ્લેટિક્સ મીટ ૨૦૨૧-૨૨ સીઝન-૧ માં શાળાના વિદ્યાર્થીએ તૃતીય ક્રમ સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો તથા વર્ષ ૨૦૨૨-૨૩ સીઝન-૨ માં દ્વિતીય ક્રમે રહી સિલ્વર મેડલ મેળવ્યો છે.

શાળા દ્વારા ગ્રામલક્ષી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, તો ગ્રામજનો દ્વારા પણ શાળામાં વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં પુરતો સહકાર આપવામાં આવે છે. શાળા દ્વારા ગ્રામજનો માટે ખુલ્લુ ગ્રામ પુસ્તકાલય બનાવવામાં આવ્યું છે. જેમાં ધાર્મિક અને સાહિત્યિક પુસ્તકોથી લઈને સ્પર્ધાત્મક પરીક્ષાઓને લગતા પુસ્તકો પણ વસાવવામાં આવ્યા છે. શાળા દ્વારા એક શાળા નર્સરી પણ બનાવવામાં આવી છે જ્યાં વિવિધ પ્રકારના છોડ ઉછેરી ગ્રામજનોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમો અને રેલીઓનું પણ ગામમાં આયોજન કરવામાં આવે છે. ગ્રામજનો દ્વારા શાળામાં ઉભી કરવાની થતી સુવિધાઓ અન્વયે પૂરતો સહકાર આપવામાં આવે છે શાળામાં ગામના દાતાઓના સહયોગથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

શાળામાં શિક્ષણ સહિતની તમામ પ્રવૃત્તિઓ શાળાના શિક્ષકો એકજૂથ થઈ સાથ સહકાર થકી કરે છે. શાળાની અંદર ગાર્ડનિંગ પણ શિક્ષકો પોતાની જાતે જ કરે છે તથા બાળકોને બેસવાની ચટાઈઓ પણ સાથે મળીને ધોઈ નાખે છે. હળવદથી મેરૂપર પે સેન્ટર શાળામાં ભણવા આવતા બાળકોને શાળાના શિક્ષકો જ સાથે લઈને આવે છે અને શાળા છૂટે ત્યારે પોતાની સાથે લઈ જાય છે. શાળાના આચાર્યશ્રીને વિવિધ એવોર્ડ અને સન્માનમાં મળેલી ૭૦ હજારથી વધુની રોકડ રકમ તેમણે શાળામાં ક્રિડાંગણ તેમજ અન્ય સુવિધાઓ ઊભી કરવામાં વાપર્યા છે. શિક્ષકશ્રી ધર્મેન્દ્રભાઈ બુંભરીયાએ પણ તેમને મળેલ ૮ હજારથી વધુની રોકડ શાળાના વિકાસમાં જ વાપરી છે. આમ, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાનું ઘર સમજીને રહે છે. શાળાના તમામ શિક્ષકોના બાળકો પણ મેરૂપર પે સેન્ટર શાળામાં જ અભ્યાસ કરવા આવે છે.

શાળાના આચાર્ય ધનજીભાઈ એસ. ચાવડા જણાવે છે કે, “મેરૂપર પે સેન્ટર શાળા એક શ્રેષ્ઠ શાળા તરીકે દિવસેને દિવસે ઉભરી રહી છે તેનું મુખ્ય કારણ અહીંના શિક્ષકોની ટીમ સ્પિરિટ છે. અહીંના શિક્ષકો ઝાઝા હાથ રળિયામણામાં માનનારા છે ત્યારે તમામ શિક્ષકોના સહયોગથી અમારી શાળા મોરબી જિલ્લાની ગ્રીન શાળા તરીકે ઉભરી આવી છે. અમે બાળકોને અભ્યાસની સાથે મૂલ્યલક્ષી શિક્ષણ પણ આપવાનો પૂરો પ્રયાસ કરીએ છીએ. અમારી શાળા ઉત્તમ લોક ભાગીદારીનો ઉદાહરણ બની રહી છે. ગામમાં જે બાળકોનો જન્મદિવસ હોય તે જન્મદિવસ નિમિત્તે જન્મદિવસ મુબારક નામે ભેટ આપે છે, જેના થકી એક ૧ લાખથી વધુના ખર્ચે ખુલ્લુ ગ્રામ પુસ્તકાલય ગ્રામજનો માટે બનાવવામાં આવ્યું છે. કોમ્પ્યુટરલેબ માટે પણ ગ્રામજનો પૂરતો સહયોગ મળ્યો છે. દાતાઓના સહયોગ થકી જ શાળામાં બોર તેમજ વોટર ફિલ્ટર સિસ્ટમ ઊભી કરવામાં આવી છે. શાળાની કોઈપણ પ્રવૃત્તિ કે સુવિધામાં ગ્રામજનો શાળા સાથે ખભે ખભો મિલાવીને ઊભા છે.

ધોરણ નવમાં ભણતી વિદ્યાર્થીની ભાડજા ક્રિષ્નાબેન ઘનશ્યામભાઈ જણાવે છે કે, “અમારી શાળામાં કુદરતી વાતાવરણ સાથે ભણવાનું મને ખૂબ જ ગમે છે. અમારી શાળામાં પી.એસ.સી અને એન.એમ.એમ.એસ.ની પરીક્ષાઓ માટે ખૂબ જ સારી રીતે તૈયારી કરાવવામાં આવે છે. મારી શાળાના શિક્ષકો શાળાના સમય સિવાય પણ અમારા ભણતર પાછળ ટાઈમ આપે છે. પી.એસ.સી. અને એન.એમ.એમ.એસ. જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અમારી શાળાનું સ્થાન તાલુકાથી લઈને જિલ્લાકક્ષા સુધી સારું રહ્યું છે. મને ગર્વ છે કે હું આ શાળામાં ભણું છું”.

શાળામાં ધોરણ ચારમાં ભણતા વિદ્યાર્થી વિશ્વરાજ સિંહ પ્રવિણસિંહ ચૌહાણ જણાવે છે કે, હું ધોરણ ૧ થી આ શાળામાં અભ્યાસ કરું છું. મારા પપ્પા અને હું પાંચ વર્ષથી હળવદ રહીએ છીએ છતાં મારા પપ્પા ગામની નિશાળમાં મને ભણાવે છે. મને ખાનગી શાળા કરતા મેરૂપર શાળામાં ભણવાની મજા આવે છે. અહીં શાળાના ટાઈમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરાવે છે. મને આ શાળામાં ભણવાની, રમવાની અને પ્રવૃત્તિઓ કરવાની બહુ મજા આવે છે.

 

- text