ઠગ ઓફ મોરબી ! કરણ નામનો ઠગ 35 વેપારીઓ ચૂનો ચોપડી ગયો

- text


જેતપર -પીપળી રોડ ઉપર વિનાયક ટ્રેડર્સ નામની પેઢી શરુ કરી મરચા મસાલાથી લઈ હાર્ડવેર, ટીવી, પંખા ઉધારમાં લઈ ચેક આપી પોબારા ભણી ગયો 

મોરબી : મોરબીના પીપળી જેતપર રોડ ઉપર વિનાયક ટ્રેડર્સ નામની પેઢી શરુ કરી આસપાસના વિસ્તારના વેપારીઓનો વિશ્વાસ કેળવી સુરતના કરણ રાઠોડ નામના ભેજાબાજ ગઠિયાએ મરચા મસાલાથી લઈ હાર્ડવેર, ટીવી, પંખા ઉધારમાં લઈ વેપારીઓને ધક્કાબેન્કના ચેક આપી અંદાજે 2 કરોડનું ફુલેકુ ફેરવી પલાયન થઇ જતા છેતરાયેલા 35 જેટલા વેપારીઓએ મોરબી તાલુકા પોલીસ મથકમાં અરજી આપતા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હોવાનું જાણવા મળે છે.

મોરબીના વેપારીઓ સાથે થયેલી છેતરપિંડી અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના પીપળી-જેતપર રોડ ઉપર કામધેનુ કોમ્પ્લેક્સમાં સુરતના કરણ રાઠોડ નામના શખ્સ દ્વારા વિનાયક ટ્રેડર્સ નામની પેઢી શરુ કરી આજુબાજુના વિસ્તારમાં આવેલ વેપારીઓને છેતરવા માટે નવતર કીમિયો અજમાવી મોટી રકમનો માલ ખરીદ કર્યા બાદ ચેક આપ્યા હતા. વધુમાં ભેજાબાજ કરણ રાઠોડ નામના અથગ દ્વારા મરચા, મસાલા, પોલીપેક, ઇલેક્ટ્રોનિક્સ, કોમ્પ્યુટર, લેપટોપ સહિતના 35 જેટલા દુકાન – શોરૂમ ધારકો પાસેથી અંદાજે બે કરોડનો માલ ઉધારમાં ખરીદ કર્યા બાદ ચેક આપ્યા હતા.

- text

જો કે તમામ વેપારીઓને આપેલા ચેક રિટર્ન થતા વેપારીઓ મૂંઝવણમાં મુકાયા હતા અને બાદમાં સંગઠિત બની આ વેપારીઓ દ્વારા મોરબી તાલુકા પોલ્સ મથકમાં સુરતનો હોવાની ઓળખ આપનાર કરણ રાઠોડ વિરુદ્ધ લેખિત અરજી આપવામાં આવતા હાલમાં અરજીના આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હોવાનું છેતરપિંડીનો ભોગ બનેલા વેપારીઓએ જણાવ્યું હતું.

- text