મોરબી સિરામિક ઉદ્યોગ માટે નવી વિદેશ વ્યાપાર નીતિ 2023 ફાયદાકારક બનશે

- text


વિદેશથી આયાત થતી મશીનરી મા ઇપીસીજી લાયસન્સ ને કન્ટીન્યુ રાખતા મશીનરી ડયુટી ફ્રી મંગાવી શકાશે : સ્ટાર કેટેગરી માટે નિયમો હળવા બનતા મોરબીના અનેક સિરામિક એકમો સ્ટાર કેટેગરીમાં સમાવેશ પામશે

દરેક દેશની એમ્બેસી ભારતીય ઉત્પાદનોના પ્રમોશન માટે કાર્યરત થશે, જિલ્લા કક્ષાએ પણ કમિટી ડિજીએફટી સાથે મળી કામ કરશે

મોરબી : આજે કેન્દ્ર સરકાર દ્વારા નવી વિદેશ વ્યાપાર નીતિ જાહેર કરી છે જે આવતીકાલથી અમલી બનશે, નવી વિદેશ વ્યાપાર નીતિ મોરબીના સિરામિક ઉદ્યોગ માટે પણ ફાયદાકારક હોવાનું અને સિરામિક ઉદ્યોગ માટે વિદેશથી આયાત થતી મશીનરી મંગાવવા માટે ઇપીસીજી લાયસન્સ બંધ થવાનુ હતુ તેના બદલે આ લાયસન્સ એક જ દિવસમાં મંજૂરી આપવામાં આવશે. વિશેષમાં નવી વિદેશ નીતિમાં આંતરરાષ્ટ્રીય વ્યાપાર રૂપિયામા કરવા પણ વિશેષ નીતિ બનાવવામાં આવી હોવાનું કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે જાહેર કર્યું હતું.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે વિદેશ વ્યાપાર નીતિ 2023 જાહેર કરતા દેશના એમએસએમઇ ઉદ્યોગો માટે અનેક પ્રોત્સાહક પગલાં જાહેર કર્યા છે જે અંતર્ગત મશીનરી ઇમ્પોર્ટ કરવામા ઇપીસીજી લાયસન્સ મેળવવામાં ઉદ્યોગકારોને પડતી મુશ્કેલી દૂર કરી હવેથી આ લાયસન્સ ફકત એક જ દિવસમા ઓનલાઇન મળી શકે તેવી વ્યવસ્થા ગોઠવી છે.

વધુમાં નવી વિદેશ વ્યાપાર નીતિથી મોરબીના સિરામિક ઉદ્યોગને થનાર ફાયદા અંગે મોરબી સિરામિક એસોશિએશનના પૂર્વ પ્રમુખ અને કેન્દ્ર સરકારની કેપેક્સીલ ના સિરામીક વિભાગના વાઇસ ચેરમેન અને ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડ ના મેમ્બર નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, નવી નીતિમાં ખાસ કરીને એક્સપોર્ટ હાઉસ માટે સ્ટાર કેટેગરીના ટર્નઓવરમાં ઘટાડો કરવામાં આવ્યો છે જે મોરબીના એક્સપોર્ટર્સ માટે ખૂબ જ ફાયદાકારક નીવડશે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, નવી વિદેશ વ્યાપાર નીતિ અંતર્ગત એક્સપોર્ટ પ્રોત્સાહન માટે જિલ્લા લેવલની કમિટી અને ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની કચેરી સહભાગિતાથી નિયમિત પણ જાગૃતતા અંગેના કાર્યક્રમો કરી શકશે ઉપરાંત દરેક દેશમાં ભારતીય એમ્બેસી દ્વારા ભારતીય પ્રોડક્ટના પ્રમોશન માટે સઘન પ્રયાસો પણ નવી નીતિમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હોવાનું તેમને જણાવ્યું હતું. નવી વિદેશ વ્યાપાર નીતિ આવતીકાલથી અમલી બનશે.

- text