ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024નું યજમાન બનશે સૌરાષ્ટ્ર : આવતીકાલે મહત્વની બેઠક 

- text


મોરબી સિરામીક એસોશિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાને ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024માં કન્વીનરની મહત્વની જવાબદારી 

મોરબી : પાટીદાર સમાજની સૌથી મોટી સંસ્થા સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના મંત્ર સાથે પાટીદાર સમાજ તેમજ અન્ય સમાજને સાથે રાખી સામાજિક સમરસતા સાથે વૈશ્ચિક ફલક ઉપર દેશના ઉધોગ સાહસિકો છવાઈ જાય તેવા ઉમદા ઉદેશ્ય સાથે દર બે વર્ષે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ યોજવામાં આવે છે ત્યારે ગ્લોબલ પાટીદાર સમિટ – 2024 ના આયોજનમાં આ વખતે સૌરાષ્ટ્ર યજમાન બન્યું છે.મોરબી સિરામીક એસોશિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાના કન્વીનર પદે રાજકોટ ખાતે યોજનાર ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024ના આયોજન અંગે આવતીકાલે મહત્વપૂર્ણ મિટિંગ યોજાનાર છે.

ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024ના આયોજન અંગે વિગતો આપતા મોરબી સિરામીક એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને સમિટના કન્વીનર નિલેશભાઈ જેતપરીયાએ જણાવ્યું હતું કે, સરદારધામના પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરીયા, જીપીબીએસ 24ના પ્રમુખ હંસરાજભાઇ ગજેરા, ઉપપ્રમુખ પરેશભાઈ ગજેરા, એડવાઈઝર મૌલેશભાઇ ઉકાણીના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024ના આયોજન માટે આવતીકાલે મહત્વની બેઠક મળનાર છે જેમાં આયોજન સ્થળ સહિતની બાબતો નક્કી કરવામાં આવશે.

નિલેશભાઈએ ઉમેર્યું હતું કે, સરદારધામ દ્વારા સમરસતાની ભાવના સાથે માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ અન્ય સમાજના ઉદ્યોગ સાહસિકોને પણ વૈશ્વિક માર્કેટમાં કેમ લઈ જવા તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સંજોગોમાં સૌરાષ્ટ્ર યજમાન બનવા જઈ રહ્યું છે ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્રના લઘુ ઉદ્યોગથી લઈ લાર્જ સ્કેલ ઉપર ધમધમતા ઉદ્યોગોનો માત્ર દેશમાં જ નહીં બલ્કે વિદેશમાં પણ બિઝનેશ ડેવલોપમેન્ટની તક મળે તે માટે પ્રયાસ કરવામાં આવશે.

- text

નોંધનીય છે કે, વર્ષ 2015માં સરદારધામ ખાતે આયોજિત બાદશાહ સુકન્યા બોન્ડ વિતરણ સમારોહ દરમિયાન પાટીદાર સમાજના ઉદ્યોગ સાહસિકોને વૈશ્વિક ફલક પર સ્થાન મળે તેવા ઉમદા હેતુ સાથે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટના બીજ રોપાયા હતા અને વર્ષ 2018 અને 2020માં ગાંધીનગર ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટના સફળ આયોજન બાદ વર્ષ 2022માં સુરત ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટનું આયોજન થયું હતું. આગામી વર્ષ 2024માં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ રાજકોટ અને બાદમાં વર્ષ 2026માં અમેરિકા ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ યોજવામાં આવનાર છે.

ઉલ્લેખનીય છે કે જે કામ સરકારે કરવાનું છે તે કામ પાટીદાર સમાજ કરી રહ્યો હોવાની નોંધ લઇ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિતના મહાનુભાવો પાટીદાર સમાજની સંસ્થા સરદારધામના કાર્યને બિરદાવી ચુકી છે, પાટીદાર સમાજની સાથે અન્ય સમાજના લોકોને પણ વૈશ્વિક બિઝનેશની તક માટે કરવામાં આવતા અનેરા આ પ્રયાસમાં ઉદ્યોગ સાહસિકોને સબસિડાઇઝ દરે સ્ટોલ, બીટુબી મુલાકાત સાથે એક્સપર્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવે છે ઉપરાંત દરમહિને બિઝનેશ ડેવલોપમેન્ટ અંગેની મિટિંગ પણ સતત મળતી રહે છે.

અંતમાં ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટ 2024ના કન્વીનર નિલેશભાઈ જેતપરીયાએ ઉમેર્યું હતું કે, સરદારધામ સંસ્થાન દ્વારા માત્ર ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પડી સંતોષ માની લેવાને બદલે સમાજના દીકરા-દીકરીઓને અભ્યાસ તેમજ જીપીએસસી-યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે દીકરીઓને માત્ર 1 રૂપિયાના ટોકનદરે અને દીકરાઓને નજીવા દરે રહેવા-ભણવાની સુવિધા માટે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરમાં ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવનાર હોવાનું પણ ઉમેર્યું હતું. સાથો-સાથ આ સમીટ ને સફળ બનાવવા માટે મોરબી જીલ્લા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રના ઔધોગીક સંગઠનોને પણ સમીટના પાયારૂપ કમીટીમા જોડાવવા આહ્વવાન કરવામા આવે છે. જેથી કરીને સાથે મળીને ગુજરાતના તમામ ઉધોગોની સાથો-સાથ સૌરાષ્ટ્રના ઉધોગોનો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વિકાસ કરી શકાય.

- text