મોરબીમાં પુત્રવધુની સારવાર માટે 30 ટકા વ્યાજે નાણાં લેનાર વૃધ્ધને મકાન વેચવું પડ્યું

- text


5.80 લાખના 11.30 લાખ ચૂકવ્યા છતાં પણ વ્યાજખોરોની ઉઘરાણી અને કેસ કરવાની ધમકી, મામલો પોલીસ મથકે

મોરબી : મોરબીના બીલીયા ગામે રહેતા અને ખેતમજૂરી કરતા વૃધ્ધના પુત્રવધુની બીમારીની સારવાર માટે મહિને 30 ટકા ઉંચા વ્યાજે મોરબીના પાંચ વ્યાજખોરો પાસેથી 5.80 લાખ મેળવ્યા બાદ મકાન વેચી રૂપિયા 11.30 લાખ ચૂકવવા છતાં પણ વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી ચાલુ રાખી કોરા ચેક મેળવી કેસ કરવા ધમકી આપતા મામલો રેન્જ આઇજીના લોકદરબારમાં પહોંચ્યા બાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બીલીયા ગામે રહેતા અને ખેત મજૂરી કરતા જશમતભાઇ છગનભાઇ સાણદીયા નામના વૃદ્ધે રેન્જ આઇજીના લોક દરબારમાં હૃદયદ્રાવક રજુઆત કરતા જણાવ્યું હતું કે, તેમના પુત્રવધૂને ડાયાબિટીસની બીમારીની સારવાર માટે વ્યાજખોર પ્રધ્યુમનસિંહ દરબાર રહે. મોટીવાવડી, વિજયભાઇ માધાભાઇ રાઠોડ રહે. મોરબી કામધેનુ પાર્ટી પ્લોટની પાસે, મોરબી-કંડલા બાયપાસરોડ,મનીષભાઇ વાણંદ રહે. ધરમપુર, રણુભાઇ પટેલ રહે. રામેશ્વર નગર, થોરાળા અને અલ્પેશભાઇ પટેલ રહે. બોની પાર્ક, રવાપર રોડ વાળા પાસેથી કુલ મળી રૂપિયા 5.80 લાખ મહિને 30 ટકા તોતિંગ વ્યાજે લીધા હતા.

- text

વધુમાં પાંચેય વ્યાજખોરો પાસે નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં માસિક 30 ટકા વ્યાજે વૃદ્ધને નાણાં આપી પઠાણી ઉઘરાણી ચાલુ રાખતા જશમતભાઇ છગનભાઇ સાણદીયાએ મકાન વેચી વ્યાજખોરોને રૂપિયા 11.30 લાખ ચૂકવી આપ્યા હતા આમ છતાં પણ બળજબરીથી વધુ રકમ મેળવવા સારૂ પઠાણી ઉઘરાણી કરી કોરા ચેક મેળવી લઈ કેસ કરવા નોટીસ મોકલતા હોવાની રેન્જ આઇજી સમક્ષ ફરિયાદ કરતા પાંચેય વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

- text