મોરબી-માળિયા બેઠક ઉપર હારજીતના કરોડોના દાવ, ભારે ઉત્તેજના

- text


ચોરે અને ચોકે એક જ ચર્ચા, કાંતિલાલ જીતશે કે જયંતીલાલ? 

ઘણા લોકો ભાજપની જીત નિશ્ચિત માનતા હોય બુકીઓમાં પણ કાંતિલાલ હોટ ફેવરિટ પણ 8મીએ મતપેટીમાંથી ખુલનાર અકળ રહસ્ય સૌને અકળાવી રહ્યું છે

મોરબી : મોરબીની સીટની વિધાનસભા ચૂંટણી હાઈપ્રોફાઈલ બની ગઈ હોવાથી મોરબી સીટની ચૂંટણીના પરિણામો પર સમગ્ર દેશની નજર મંડાયેલી છે. જો કે આ ચૂંટણીના પરિણામોને લઈને બધાના મોઢે એક જ ચર્ચા છે કોણ આવશે? કાંતિલાલ કે જયંતીલાલ ? આથી દિલધડક ઉત્તેજના સાથે 8મી સુધી ભાજપ કોંગ્રેસના ઉમેદવાર સાથેની સમગ્ર મોરબીમાં એક જ ચર્ચા થઈ રહી છે. જો કે ઘણા લોકો અને મોટા સમર્થક સમુદાય ભાજપના ઉમેદવાર કાંતિલાલની જીત નિશ્ચિત ગણાવે છે. આ વખતે ચૂંટણી પહેલા પુલ દુર્ઘટના બનતા રાજકીય સમીકરણ બદલાયા હતા. પુલ દુર્ઘટના પહેલા બ્રિજેશ મેરજાના ભાજપના ઉમેદવાર તરીકે ફાયનલ ગણાતા હતા. પણ નદીમાં બચાવ કાર્ય માટે જાનના જોખમે પડેલા કાનભાઈની ભાજપના હાઈ કમાન્ડે નોંધી લઈ મેરજાનું છેલ્લી ઘડીએ પતું કાપી આ ભાજપના બાહુબલીને મેદાને ઉતાર્યા હતા. સામેપક્ષે છ વખત હરેલા કોંગ્રેસના જયંતીલાલ પટેલ સામે તેમની પાંચમી વખત ટક્કર થઈ હતી. જો કે ચારેક વખત જયંતીલાલ નજીવા માર્જિનથી હારી જતા હોય એમાં કેટલાક લોકો એવું માને છે કે અપક્ષને ઉભા રાખીને કોંગ્રેસની મત બેન્ક તોડીને તેમને હરવામાં આવે છે. આ વખતે પણ ઘણા અપક્ષ મેદાને હતા. એટલે કદાચ જયંતીલાલ હારી જાય તો તેમાં અપક્ષનો મુખ્ય ફાળો રહેશે તેવું ઘણા લોકોનું માનવું છે. જો કે આ વખતે જયંતીલાલ અને કોંગ્રેસ એટીચોટીનું જોર લગાવી દીધું હતું. એટલે આ વખતે તેમની જીત ચોક્કસ થશે એવું એમના મોટા સમર્થક સમુદાયનું માનવું છે. પણ મોરબી ભાજપનો ગઢ હોય ભાજપ આ ગઢ જાળવી જ રાખશે તેવું અનેક લોકોનું માનવું હોય બુકી બજારમાં કાંતિભાઈ હોટ ફેવરિટ છે.એટલે જ ભાજપ કોંગ્રેસના ઉમેદવારની હારજીતના હજારો રૂપિયાથી માંડીને કોરોડાના હારજીતના દાવ લાગ્યા છે. પણ મતદારોનું મન અકળ હોય 8 મીએ મતપેટીમાંથી ખુલનાર અકળ રહસ્ય સોને અકળાવી રહ્યું છે.

ટંકારા બેઠક પર ભાજપનો નવો ચહેરો જાદુ કરશે કે લલિતકાકાનું ફેક્ટર ચાલશે ?

ટંકારા બેઠક ગત ચૂંટણીને બાદ કરતાં 25 વર્ષથી ભાજપનો ગઢ રહી છે. ભાજપે આ વખતે નવા ચહેરા તરીકે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજી દેથરીયાને મેદાને ઉતાર્યા હતા. ગત ચૂંટણી વખતે પણ મોરબી જિલ્લા ભાજપના તે વખતના પ્રમુખ રાઘવજીભાઈ ગડારાને મેદાને ઉતાર્યા હતા. પણ પાટીદાર ફેક્ટરના મોજાંથી તેમને કોંગ્રેસના લીલતભાઈ સામે હાર ખમવી પડી હતી. પણ આ વખતે પાટીદાર ફેક્ટરની અસર ન હોય ભાજપને આ બેઠક પર જીતના ચાન્સ છે. પણ સામે પક્ષે કોંગ્રેસના લીલીતભાઈએ ખાસ્સું જોર કર્યું હતું. ખાસ કરીને કાકાના કામ બોલે છે એવું ખાસ કેમ્પન ચલાવ્યું હતું અને ટંકારામાં કાકાનું ફેક્ટર પણ મહદઅશે અસર પણ કરી ગયાનું કહેવાય છે. એટલે ઘણા લોકોને માનવા મુજબ ટંકારા સીટ પર ભાજપનો આ નવો ચહેરો કરતા કાકાનું ફેક્ટર વધુ ચાલશે. ક્યાંય સ્થાનિક ઉમેદવારને ચાન્સ ન આપી નવા ચહેરાને સ્થાન આપવું ભાજપને ભારી પણ પડી શકે છે. એવું રાજકીય પંડિતોનું માનવું છે. આવી બધી ગણતરીઓ કદાચ ઉંધી પણ પડે. કારણ કે, ઇવીએમનો કોને સ્પષ્ટ જનદેશ મળશે એ છાતી ઠોકીને કહી શકે એમ નથી.

પરિવારવાદ ધરાવતી બેઠક પર ભાજપ કોંગ્રેસ વચ્ચે બળાબળના પરખા

વાંકાનેર બેઠક પરિવારવાર વાદ ધરાવતી બેઠક છે. વાંકાનેર બેઠક પર મોટાભાગે કોંગ્રેસ પીરજાદા અને સોમણી પરિવાર વચ્ચે જ જંગ હોય છે. અહીં બે વખત જ કમળ ખીલ્યું છે. વચ્ચે એક વખત જીતુ સોમણીના પત્ની ભાજપ તરફથી ધારાસભ્ય બન્યા હતા. પણ કોંગ્રેસના પીરજાદા પરિવારનો સૌથી વધુ દબદબો હોય અને છેલ્લી ત્રણ ચૂંટણીમાં જીતતા મહંમદ જાવીદ પીરજાદાને કારણે વાંકાનેર બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે. ત્યારે આ વખતે ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી શકશે ? જો કે જીતુ સોમણીનું વાંકાનેર વર્ચસ્વ વધુ હોય તેમણે આ બેઠક જીતવા માટે તમામ તકાત કામે લગાડી હતી. સામેપક્ષે મુસ્લિમ-કોળીની બહુમતી ધરાવતી આ બેઠક પર કોંગ્રેસે પોતાની પરંપરાગત વોટ બેક જાળવવા ખાસ્સી મહેનત કરી હોય રાજકીય પંડિતોના માનવા મુજબ કોંગ્રેસ પોતાના ગઢ જાળવવા આ બેઠક પર મહદઅંશે સફળ થશે તેવી ધારણા છે. પણ આ ધારણા કરતા ધાર્યા બહાર જ પણ પરિણામ આવી શકે એમ છે. એટલે કોની જીત પાકી એ કહેવું મુશ્કેલ છે.

- text

જ્ઞાતિવાદ વચ્ચે સ્થાનિક મુદા અસર કર્યા

આમ તો ચૂંટણી જ્ઞાતિના સમીકરણને આધારે જ લડાઈ છે તે જગજાહેર છે. રાજકીય પક્ષોએ જ્ઞાતિના આધારે જ મતોનું વર્ષોથી ધ્રુવીકરણ કરીને પોતાના તરફ ખેંચવામાં સફળ થાય છે. જેથી ચૂંટણીમાં તટસ્થતા જળવાતી નથી. હકીકતમાં સ્થાનિક મુદા અને અગાઉ નેતાઓએ લોકોની અપેક્ષા પુરી કરી તેના આધારે જ ચૂંટણી લડાવી જોઈએ. પણ આ વખતે આવું થયું છે. મોરબીની 2400ની વસ્તી ધરાવતા બોરીયાપાટી વિસ્તારમાં વર્ષોથી પ્રાથમિક સુવિધાના અભાવે લોકોએ મતદાનનો બેહિષ્કાર કર્યો હતો. નેતાઓના લાખ પ્રયાસ છતાં લોકો પહેલા સુવિધા પછી જ મત એમ કહીને ટ્સ ના મસ થયા ન હતા. આવા ઘણા વિસ્તારમાં સમજુ મતદારો પ્રાથમિક સુવિધાઓના ધ્યાને લઈને મતદાન ન કર્યું હોય અને ઘણા જાગૃત મતદારો મતદાન કર્યું હોય તો પણ તટસ્થતાથી કર્યું હશે. એટલે નેતાઓ ચૂંટાયા પછી વચનો યાદ રાખીને કામ કરવા જ પડશે.

અપક્ષો કોને હરવાશે ?

1990 ચૂંટણી પછી કોઈ અપક્ષ ઉમેદવાર જીત્યા નથી. એ વખતે પૂર્વ મુખ્યમંત્રી બાબુભાઇ પટેલ મોરબી સીટ ઉપર અપક્ષ તરીકે લડ્યા હોય તેમણે હોનરાતમાં કરેલા કામોને જોઈને મોરબીએ ફરી તેમને ચૂંટી કાઢ્યા હતા. એ વ્યક્તિની પ્રતિષ્ઠા હતી.ત્યાર પછી અત્યાર સુધી એકપણ અપક્ષ ઉમેદવાર જીત તો દૂર રહી પણ સારા માર્જિનથી પણ મત મેળવી શક્યા નથી. એવું કહેવાય છે કે મોટાભાગના અપક્ષને મત તોડવા જે તે રાજકીય પક્ષ ઉભા રાખે છે. સામેની પાટીના કમિટેડ વોટ તોડવામાં આ અપક્ષનો મુખ્ય ફાળો હોય છે. તેમ આ વખતે પણ ભાજપે મુસ્લિમ વસાહત ધરાવતા વિસ્તારમાં ઘણા અપક્ષને ઉભા રાખ્યા હોવાની ચર્ચા હતી. એટલે કદાચ કોંગ્રેસની હાર થશે તો એમાં આ અપક્ષનો મુખ્ય હાથ હશે એવી ચર્ચા થઈ રહી છે.

નોટા કેટલો ભાગ ભજવશે ?

ભાજપનો ગઢ ગણાતી મોરબી – માળીયા વિધાનસભા બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે આ વખતે ત્રિપાંખીયો જંગ ખેલાયો છે. ત્યારે આ ચૂંટણી જંગમાં અપક્ષ અને નોટાના મત હારજીત માટે બહુ મોટો ફાળો આપી રહ્યા હોવાનું પાછલી બે ચૂંટણીના પરિણામોના વિશ્લેષણ ઉપરથી સ્પષ્ટ બન્યું છે, વર્ષ 2017માં ભાજપના ઉમેદવાર 3419 મતે હાર્યા હતા આ સમયે અપક્ષ અને નોટામાં 8108 એટલે કે, 4.1 ટકા મત પડયા હતા. એજ રીતે વર્ષ 2020ની પેટાચૂંટણીમાં પણ કોંગ્રેસના ઉમેદવારી 4700 મતની હાર સામે 18 હજારથી વધુ મત અપક્ષ અને નોટામાં ગયા હતા જો આ મત અપક્ષ નોટમાં ન ગયા હોત તો પરિણામો કંઈક અલગ જ જોવા મળ્યા હોત. જો કે, ઘણા મતદારો જાગૃત બન્યા હોય અને વર્ષોથી એકેય પક્ષે મોરબીનો વિકાસ ન કર્યો હોય એનો ઉભરો ઠાલવીને એકેય ઉમેદવાર ન ગમતા નોટામાં મત આપે છે. ખાસ કરીને આ વખતે જ્ઞાતિવાદથી ઉપર ઉઠીને માત્ર વિકાસને ધ્યાને રાખીને ઘણા શિક્ષિત અને બુદ્ધિશાળી મતદારોએ આ વખતે પણ નોટામાં મતદાન કર્યું હોવાનું મનાય છે. એટલે નોટા કોને નુકસાન કરશે તે ચૂંટણીના પરિણામોમાં બહાર આવશે.

ગત વર્ષ કરતા 4 ટકા મતદાન ઘટ્યું એની પરિણામ પર અસર પડશે ?

ગયા વખતે 2017ની ચૂંટણીમાં 74 ટકા બમ્પર મતદાન થયું હતું. આ વખતે 69 ટકા જેવું મતદાન થતા ગત ચૂંટણી કરતા આ વખતે 4 ટકા મતદાન ઘટ્યું છે. જો કે ગયા વખતે પાટીદાર ફેક્ટર હતું એટલે કચકચાવીને મતદાન થયું હતું. આ વખતે એવી કોઈ અસર નથી. પણ જે 67 ટકા મતદાન થયું છે તે સરેરાશ અને સારું જ ગણાય એટલે ગયા વખત કરતા મતદાનની થોડી ઓછી ટકાવારીથી ચૂંટણીના પરિણામો પર ખાસ કોઈ અસર નહિ થાય એવું રાજકીય વિશ્લેષકોનું માનવું છે.

પુલની દુર્ઘટના કેટલી અસર કરશે ?

પુલની દુર્ઘટનાના આઘાત વચ્ચે પણ મોરબીવાસીઓ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. પણ મતદાન વખતે મતદારોએ પુલ દુર્ઘટનાના આક્રોશ વિશે કઈ ખૂલીને કહ્યું નથી. પણ અંદરખાને આવડી મોટી ઘટનામાં જવાબદાર સામે કાર્યવાહી ન થવી એ બાબતનો લોકોમાં ઘણો આક્રોશ છે. એ છૂપો અકોશ કદાચ ચૂંટણીના પરિણામો પર અસર કરી શકશે. પણ લોકોએ મન કળવા દીધું નથી. એટલે ઘટનાનો અકોશ કેવા પરિણામ લાવે છે તે 8મીએ ખબર પડશે.

‘આપ’ ના ઉમેદવારનું કેટલું જોર ?

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર મુખ્ય ભાજપ કોંગ્રેસ વચ્ચે ભલે ટક્કર રહી હોય પણ આપના ઉમેદવારોને પણ આ ચૂંટણીમાં નજર અંદાજ જરાય કરી શકાય એમ નથી ઘણા લોકોના માનવા મુજબ આપના ઉમેદવારો કદાચ જીતી ન શકે. પણ મતનો મોટો માર્જિન તો મેળવી જ જશે. મોરબીના આપના ઉમેદવાર પંકજ રણસરિયા અને વાંકાનેરના વિક્રમ સોરાણીએ ખાસ્સું જોર કર્યું હતું. જો કે ટંકારામાં આપના ઉમેદવાર સંજય ભટાસણાને કદાચ જોઈ એવું પરિણામ ન મળે પણ આ ઉમેદવારો મત વધુ લઈ જવાની સંભાવના છે. જેની ભાજપ કોંગ્રેસના ઉમેદવારની લીડ પર મોટી અસર થશે.

- text