ટંકારા બેઠક ઉપર કોણ જીતશે ? જાણો રાજકીય વિશ્લેષણ..

- text


પાટીદાર અનામત વખતે કોંગ્રેસે જીતેલી ટંકારા બેઠક જાળવવા લલિત કગથરા લડતા રહ્યા, કાર્યકરો અને નેતાઓની કમી નડવાના એંધાણ

ટંકારા : રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ જ્યાંથી ચૂંટણીજંગ જીત્યા હતા તેવી ભાજપના ગઢ સમાન બેઠક ઉપર પાટીદાર અનામત આંદોલનનું રોડ રોલર ફરી વળતા અહીં પાટીદારોની નારાજગીને કારણે ભાજપને કારમી હાર સહન કરવાનો સમય આવ્યા બાદ ફરી આ વખતે ભાજપ માટે અહીં જીતના ઉજળા સંજોગો હોવાનુ મતદારોનો મિજાજ જોતા જણાઈ રહ્યું છે આ વખત ટંકારા બેઠક ઉપર કોંગ્રેસનો હાથ મરડી ભાજપનું કમળનું ફૂલ નજીવા મતે ખીલે તેવા સંકેતો ગ્રામ્ય મતદારોના મતદાન બાદ જોવા મળી રહ્યા છે. જોકે આ એક અનુમાન છે. સાચું ચિત્ર તો 8 તારીખે જ ખબર પડશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો પૈકી ટંકારા બેઠક ઉપર 71.18 ટકા જેટલું મતદાન થયું છે પરંતુ આ વખતે મતદારો મૌન ધારણ કરીને બેઠા હોય ચૂંટણી પરિણામો કેવા આવશે તે કહી શકવું રાજકીય પક્ષો માટે પણ યક્ષ પ્રશ્ન સર્જાયો છે ત્યારે મોરબી અપડેટના ટંકારા પ્રતિનિધિ જયેશ ભટાસણાએ ગ્રામ્ય મતદારોનો સંપર્ક સાધવાની સાથે સ્થાનિક રાજકીય પંડિતો પાસેથી મતદાનના આંકડાઓનો નિષ્કર્ષ કાઢી પરિણામો કેવા આવશે તે અંગે ક્યાસ મેળવવા પ્રયાસ કર્યો છે.

- text

સ્થાનિક ગ્રામીણ મતદારો અને રાજકીય વિશ્લેષકોના મતે પડધરી – ટંકારા બેઠક ઉપર આ વખતે કુલ 2,49,508 મતદારો પૈકી 96795 પુરુષ અને 80717 મહિલા મતદારો મળી કુલ 1,77,612 મતદાર એટલે કે 71.18 ટકા મતદારોએ મતદાન કર્યું છે. આ ઉપરાંત 1600 જેટલા બેલેટ પેપરથી મતદાન થયું છે. એકંદરે ટંકારા પડધરી મતવિસ્તારના લોકોનો મંતવ્યો જાણતા ભારતીય જનતા પાર્ટીને 84161 અને કોંગ્રેસને 80390, આમ આદમી પાર્ટીને 11,100 અને અન્યને 1961 મત મળવાની શક્યતા જોતા આ બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ને 3771 મતથી વિજય મળવાની સંભાવના વ્યકત કરાઈ છે.

જો કે સરકાર કઈ સાંભળતી ન હોવાની વાતો કરતા કોંગ્રેસના ઉમેદવારે આ ચૂંટણીમાં કાકા ના કામ બોલે છે, સૂત્ર સાથે મેદાનમાં ઉતર્યા હતા પરંતુ અહીં ચૂંટણી લડાઈમાં નેતાઓ અને કાર્યકરોના અભાવ વચ્ચે માત્ર લલિતભાઈ જ લડતા રહ્યા હોવાની વાત સામે આવી હતી. બીજી તરફ ટંકારા પડધરી મત વિસ્તારમાં ભાજપે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરીયાને ચૂંટણીજંગમાં મેદાને ઉતારતા નવા ચહેરોને મતદારો જાણતા નથીની વાતો ચૂંટણી દરમિયાન ખુબ જ ગાજી હતી પરંતુ આ દલીલ પેટા ચૂંટણી વખતે બાવનજી મેતલિયા માટે પણ થઈ હોવા છતા લલિત કગથરા જે તે સમયે જીતી શક્યા ન હતા ત્યારે આગામી તા.8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર થાય ત્યારે કેવા પરિણામ આવે છે તે જોવું રહ્યું.

- text