સી.આર.પાટિલ મોરબી જિલ્લાના ભાજપના ઉમેદવારોની સ્થિતિનો રિપોર્ટ મેળવી રવાના થયા

- text


રીજેન્ટા હોટલમાં મિટિંગમાં દરેક બેઠકની સ્થિતિનો તાગ મેળવ્યો : જૂથબંધી ભૂલી બધાને કામે લાગી જવાની પણ ટકોર કરી

મોરબી : ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજે બપોરે અચાનક જ મોરબી દોડી આવ્યા હતા. સી.આર.પાટિલે મોરબીમાં લાલપર પાસે હાઇવે પર આવેલી રીજેન્ટા હોટલમાં સ્થાનિક ભાજપના આગેવાનો અને ઉમેદવારો સાથે ખાનગી મીટીંગ કરી કલાકમાં જ રવાના થઈ ગયા હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ પાટિલે મોરબી જિલ્લાના ભાજપના ઉમેદવારોની સ્થિતિનો રિપોર્ટ મેળવ્યો હતો તેમજ મિટિંગમાં દરેક બેઠકની સ્થિતિનો તાગ મેળવી સ્થાનિક આગેવાનોને જૂથબંધી ભૂલી બધાને કામે લાગી જવાની પણ ટકોર કરી હોવાનું જાણવા મળ્યું હતું.

સી.આર.પાટીલ આજે ગુરુવારે બપોરે અચાનકહેલિકોપ્ટર મારફતે મોરબી આવ્યા હતા. તેમનું હેલિકોપ્ટર પરશુરામ પોટરીના ગ્રાઉન્ડમાં ઉતર્યું હતું. આ સમયે
સાંસદ મોહન કુંડારિયા, વિનોદ ચાવડા અને મોરબીના ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સહિતના સ્થાનિક આગેવાનોએ તેમનું હેલિપેડ ખાતે સ્વાગત કર્યું હતું. તેઓ અહીથી સીધા જ લાલપર પાસે હાઇવે પર આવેલી રીજેન્ટા હોટલમાં પોહ્ચ્યા હતા. અને ત્યાં સાંસદો, ભાજપના ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારો અને મોરબી જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો સાથે બંધ બારણે મિટિંગ યોજી હતી. એક કલાકની ટૂંકી મુલાકાત બાદ પાટીલ તરત જ મોરબીથી રવાના થઈ ગયા હતા. આ અંગે મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ રણછોડ દલવાડીએ જણાવ્યું હતું કે સી.આર.પાટિલ ભાજપની પાર્ટીની મીટીંગ માટે આવ્યા હતાં. જોકે મિટિંગમાં શું ચર્ચાઓ થઈ તે અંગે કોઈ નિવેદન આપ્યું નોહ્તું. ઉલ્લેખનીય છે કે પાટિલના અચાનક જ મોરબી દૌરા અંગે ભાજપ તરફથી કોઈ ઑફિસિયલી જાહેરાત કરવામાં આવી નહોતી.

જ્યારે સૂત્રોમાંથી મળતી વિગત મુજબ સી.આર.પાટિલે આ મિટિંગમાં મોરબી જિલ્લાની મોરબી, ટંકારા અને વાંકાનેર બેઠક અંગે શું સ્થિતિ છે તેનો હોદેદારો પાસેથી રિપોર્ટ મેળવ્યો હતો. અને તમામ ઉમેદવારોની પ્રચારની કામગીરી અને શું સ્થિતિ છે તેની માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે આ સાથે સી.આર.પાટિલે રિપોર્ટ બાદ જરૂરી સૂચનો પણ આપી હતી. જેમાં ભાજપના આગેવાનોને તમામ મતભેદો ભૂલીને ભાજપની જીત માટે કામે લાગી જવાની ટકોર પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જ્યારે અચાનક જ સી.આર.પાટીલ મોરબી આવી ભાજપના સ્થાનિક આગેવાનો અને ઉમેદવારો સાથે ખાનગી મીટીંગ કરતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતાં અને પાટીલની મોરબી મુલાકાતનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.

- text

- text