વડાપ્રધાન મોદીએ મોરબીને યાદ કરીને કહ્યું “અત્યારે મોરબી વગર બધું અધૂરું છે..”

- text


આજે મોરબી વિશ્વમાં ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સલન્સીનું ઉદાહરણ : મોદી

મુખ્યમંત્રી હતો ત્યારે મોરબી, જામનગર અને રાજકોટ મીની જાપાન બનશે તેવી અગાઉ કરેલી વાત આજે સાચી પડી છે : નરેન્દ્ર મોદી

બ્રિજેશ મેરજાએ નરેન્દ્ર મોદીના વ્યક્તિગત સ્વાગત સમયે મોરબીને મેડિકલ કોલેજ આપવા બદલ સમગ્ર મોરબી વતી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે રાજકોટ ખાતે સંબોધેલી જાહેર સભામાં મોરબીનો અનેક વખત ઉલ્લેખ કરી ભાષણના અંતિમ ચરણમાં મોરબીના ખૂબ જ વખાણ કરતા જણાવ્યું હતું કે, દીવાલો હોય, ફર્શ હોય, બાથરૂમ હોય, રસોડું હોય કે ટોયલેટ હોય મોરબી વગર બધું અધૂરું છે. આજે વિશ્વના કુલ સિરામિક ઉત્પાદનમાં 13 ટકા ઉત્પાદન એકલું મોરબી કરે છે એટલે મોરબી વગર બધું અધૂરું છે. જ્યારે રાજકોટની સભામાં બ્રિજેશ મેરજાએ નરેન્દ્ર મોદીના વ્યક્તિગત સ્વાગત સમયે મોરબીને મેડિકલ કોલેજ આપવા બદલ સમગ્ર મોરબી વતી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ રાજકોટની સભામાં પોતાના વક્તવ્યના અંતિમ ચરણમાં પોતાના મુખ્યમંત્રી કાળને યાદ કરતા કહ્યું હતું કે, હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે મેં કહેલું કે મોરબી,જામનગર અને રાજકોટ એક સમયે મીની જાપાન બનશે…અને આજે આ વાત સાબિત થઈ રહી છે, પરંતુ મેં જ્યારે આ વાત કહી ત્યારે લોકોએ મારા વાળ ખેંચ્યા જેવી ટીકા કરી હતી પરંતુ આજે એકલું મોરબી 15 હજાર કરોડની નિકાસ કરી વિશ્વભરમા સીરામીક ટાઇલ્સ નિકાસ કરતું થયુ છે, એ જ રીતે રાજકોટના એન્જીનીયરિંગ ઉધોગે પણ વિશ્વમાં નામના મેળવી નિકાસને 5000 કરોડ સુધી પહોંચાડી છે.

- text

વધુમાં તેમને ઉમેર્યું હતું કે, આપણું મોરબીએ તો કમાલ કરી છે આજે વિશ્વભરમાં મોરબીની ટાઇલ્સની નિકાસ થાય છે અને વિશ્વમાં ઉતપન્ન થતા કુલ સીરામીક આઇટમોમાં એકલા મોરબીનો 13 ટકા હિસ્સો ધરાવે છે. આજે દીવાલો હોય, ફર્શ હોય, બાથરૂમ હોય, રસોડું હોય કે ટોયલેટ હોય મોરબી વગર બધું અધૂરું છે. મોરબી વગર કાઈ થાય જ નહીં અને એટલે મોરબી ટાઉન ઓફ એક્સપોર્ટ એક્સલન્સી બન્યું છે.

આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મચ્છુ હોનારતને યાદ કરતાએ ઉમેર્યું હતું કે મને યાદ છે જ્યારે મચ્છુ હોનારત આવી ત્યારે કોઈને કલ્પના પણ ન હતી કે મોરબી ઉભું થશે.. પરંતુ આજે મોરબી બીજાને બેઠા કરી રહ્યું છે. તેઓએ ઉમેર્યું હતું કે મને યાદ છે કે મોરબી જ્યારે ટેક ઓફ સ્ટેજ મા હતું અને મને થયું કે જો મોરબીને ઇન્ડસ્ટ્રીયલ ગેસ મળે તો મોરબી કમાલ કરશે… અને આજે આ કમાલ દેખાઈ રહી હોવાનું જણાવી મોરબી સહિત સૌરાષ્ટ્રના ઉદ્યોગો માટે પ્રવર્તમાન સરકાર દ્વારા કરવામાં આવતી કામગીરી અને નીતિને અંતમાં તેઓએ બિરદાવી હતી.

રાજકોટ સભા સ્થળે નરેન્દ્ર મોદી જ્યારે તમામ સ્થાનિક નેતાઓને મળી રહ્યા હતા ત્યારે બ્રિજેશ મેરજા દ્વારા નરેન્દ્ર મોદીના વ્યક્તિગત સ્વાગત સમયે મોરબીને મેડિકલ કોલેજ આપવા બદલ સમગ્ર મોરબી વતી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

જ્યારે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરિયા, જયુભા જાડેજા સહિતના મોરબી જિલ્લાના ભાજપના આગેવાનો દ્વારા નરેન્દ્ર મોદીને મંચ પર મોમેન્ટો આપીને તેમનું સ્વાગત કર્યું હતું.

- text