વાંકાનેર અને માળીયામાં દેશીદારૂની ત્રણ ચાલુ ભઠ્ઠી ઝડપાઇ

- text


સતત બીજા દિવસે દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ શરૂ : સમગ્ર જિલ્લામાં 31 વિરુદ્ધ કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લા પોલીસવડા દ્વારા સમગ્ર જિલ્લામાં દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર ધોંસ બોલાવવા કડક આદેશ આપતા તમામ તાલુકામાં દેશીદારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસ દ્વારા તવાઈ ઉતારવામાં આવી હતી અને કુલ 31 સામે કાર્યવાહી કરી ત્રણ કિસ્સામાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી પણ ઝડપી લેવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારી હતી જેમાં વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા સરતાનપર ગામે દરોડો પાડી રેખાબેન મનીષભાઇ સરાવાડીયાના રહેણાંક મકાનમાંથી દેશીદારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો તેમજ દારૂ બનાવવાના સાધનો સહિત કુલ 1350નો મુદામાલ કબ્જે કર્યો હતો.

- text

જયારે બીજા દરોડામાં વાંકાનેર સીટી પોલીસે લીંબાળા ગામની સીમમાં દરોડો પાડી પ્રવીણભાઇ ગોવિંદભાઇ સીતાપરાને દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ ઠંડો, ગરમ આથો અને દારૂ બનાવવાના સાધનો સહિત કુલ રૂપિયા 780નો મુદામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લીધો હતો. જયારે માળીયા પોલીસે નવાગામ પાસે આવેલ બાવળના ઝુડમા દરોડો પાડી હનિફ આમદભાઇ કટીયાને ઠંડો, ગરમ આથો તેમજ દારૂ બનાવવાના સાધનો સહીત રૂપિયા 500નો મુદામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મોરબી, માળીયા, વાંકાનેર, હળવદ અને ટંકારા તાલુકામાં કુલ 31 કિસ્સામાં દેશી વિદેશી દારૂના ધંધાર્થીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

- text