મોરબીમાં ગેરકાયદે બાંધકામોનો રાફળો ફાટ્યો : નગરપાલિકાને અંધાપો

સાવસાર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટસહિતના વિસ્તારમાં બેરોકટોક પણે તમામ નીતિ નિયમો નેવે મૂકી બાંધકામ

ભૂકંપ પ્રભાવિત મોરબીમાં ગામડાથી પણ બદતર પરિસ્થિતિ : માર્જિન, પાર્કિંગની જગ્યા વગર છ, સાત માળ કે તેથી પણ ઉંચા ગેરકાયદે બિલ્ડીંગોનું છડેચોક બાંધકામ

મોરબી : ઓનલાઇન મંજૂરી બાદ જ બાંધકામ કરવાના રાજ્ય સરકારના નિયમોની મોરબીમાં સરાજાહેર હાંસી ઉડાવવામાં આવી રહી છે. મોરબી નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓના પાપે શહેરમાં છેલ્લા થોડા સમયથી ગેરકાયદેસર બાંધકામની પ્રવૃત્તિએ માઝા મૂકી છે. ભૂંકપ પ્રભાવિત મોરબી શહેરમાં ઓનલાઇન કે ઓફ લાઈન મંજૂરી મેળવ્યા વગર જુના બાંધકામ તોડી એ જ જગ્યા ઉપર માર્જિન કે પાર્કિંગની જગ્યા છોડયા વગર તગડો વહીવટ કરી માલેતુજારો બેખૌફ બની ભવિષ્યની ટ્રાફિક સમસ્યાનું વાવેતર કરી સુરત જેવી આગજનીની ઘટનાઓને કંકોત્રી લખી રહ્યા છે.ચોંકાવનારી બાબત તો એ છે કે આવા ગેરકાયદેસર બાંધકામ અટકાવવાનું તો દૂર રહ્યું નગરપાલિકાના ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ વિભાગ આવી ફરિયાદોને કચરાપેટીમાં ફેંકી રહ્યા હોવાનું અને પાલિકાને ગેરકાયદે બાંધકામો દેખાય જ નહીં તેવો અંધાપો આવી ગયાનું સ્પષ્ટ બની રહ્યું છે.

મોરબી શહેરનો એકપણ એવો વિસ્તાર નહીં હોય જ્યાં હાલમાં ગેરકાયદેસર બાંધકામો ન ચાલી રહ્યા હોય ! હોસ્પિટલો માટે લગડી જેવા ગણાતા શહેરના સાવસાર પ્લોટમાં મેઈન રોડ ઉપર છેલ્લા મહિનાઓથી જુના બાંધકામ તોડી જીડીસીઆરના એફએસઆઈ, માર્જિન અને પાર્કિંગના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી બાંધકામ કરવાની ઓનલાઇન કે ઓફલાઈન મંજૂરી મેળવ્યા વગર જ એક બે નહીં અનેક નાની મોટી હોસ્પિટલના કામો દિવસરાત બેરોકટોક પણ ચાલી રહ્યા છે. આવા ગેરકાયદે બાંધકામ અટકાવવાની જેમની જવાબદારી છે તેવા નગરપાલિકાના ટાઉનપ્લાનિંગ વિભાગને લેખિત ફરિયાદ કરવા છતાં આજદિન સુધી આવા બાંધકામો અટકાવવા કે નોટિસ આપવાની તસ્દી પાલિકાએ લીધી નથી.

બીજી તરફ આજ પેટર્નથી જુના બિલ્ડીંગોની અગાસી ખરીદી લઇ કેટલાક લોકો દ્વારા બાંધકામ પરવાનગી મેળવ્યા વગર આગાસી ઉપર જ બહુમાળી ઇમારતો બાંધવાનું શરૂ કરી દીધું છે. સાવસાર પ્લોટની જેમ જ શહેરના અયોધ્યાપુરી રોડ, શક્તિ પ્લોટ, કાયાજી પ્લોટ, રવાપર રોડ, શનાળા રોડ, સામાકાંઠા અને જુના મોરબી સહિતના મોટાભાગના વિસ્તારોમાં રાજ્યસરકારની ઓનલાઇન મંજૂરીની ઐસી તૈસી કરી પાલિકાના મોટામાથાઓને સાચવી લઈ ગેરકાયદે બાંધકામની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે.

આશ્ચર્ય તો એ વાતનું છે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમની જોગવાઈ મુજબ આવા ગેરકાયદે બાંધકામો સામે ત્વરિત પગલાં લેવા અને આવા ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા સુધીની સતા પાલિકા પાસે હોવા છતાં પણ મોરબી નગરપાલિકા દ્વારા કલમ 181 હેઠળ આવા બાંધકામ અટકાવવા નોટિસ ન આપતા આજે આવા છથી સાત માળના બાંધકામ હજુ પણ ધમધમી રહ્યા છે.

મોરબીમાં ગેરકાયદેસર રીતે ઓનલાઇન મંજૂરી વગરના બાંધકામો મુદ્દે પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરવામાં આવતા છેલ્લા થોડા સમયથી આ જગ્યાઓ ઉપર અધિકારીઓ બદલાયા હોવાનું બહાનું આગળ ધરી આવા બાંધકામો અંગે ફરિયાદ મળ્યે ત્વરિત કાર્યવાહી કરવામાં આવતી હોવાની કેસેટ વગાડી હતી. પરંતુ હકીકત એ છે કે માર્ચ 2022માં ઉપર ઉપરી ફરિયાદો થઇ હોવા છતાં પણ પાલિકાને અંધાપો આવ્યો હોય તેમ પગલાં ન લેવાતા આવા બાંધકામોને પાલિકાના જ આશીર્વાદ હોવાનું સ્પષ્ટ બન્યું છે.