વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓની હડતાલનો અંત

- text


રાજકોટથી રિઝનલ ઓફિસર દોડી આવીને સમજાવટથી મામલો થાળે પાડ્યો, કર્મચારીઓ હડતાલ સમેટી કામ પર લાગી ગયા

વાંકાનેર : વાંકાનેર નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર કર્મચારીઓને વિનાકારણે તતડાવી નાખી ગાળો ભાંડતા હોવાના આરોપ સાથે ગઈકાલે પાલિકાના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા.આથી શહેરમાં પાણી વિતરણથી લઈ સફાઈ કામગીરી તેમજ અન્ય કામગીરી ખોરવાતા આજે રાજકોટથી રિઝનલ ઓફિસર દોડી આવીને મામલો થાળે પાડતા કર્મચારીઓ હડતાલ સમેટી કામ પર લાગી ગયા છે.

વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન મુંધવા દ્વારા વાંકાનેર પાલિકના કાયમી અને હંગામી કર્મચારીઓને કોઈપણ જાતના કારણ વગર તતડાવી નાખવાની સાથે મહિલા કર્મચારીઓ સાથે પણ અભદ્ર વર્તન કરતા હોવાનો આરોપ લગાવી ગઈકાલે વાંકાનેર પાલિકાના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરી ગયા હતા. આ હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ મહિલા ચીફ ઓફિસર ગાળો ભાંડતા હોવાનો પણ આરોપ લગાવી હંગામી કર્મચારીઓને છુટા કરી દેવા ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

- text

સામાપક્ષે મહિલા ચીફ ઓફિસરે પણ કર્મચારીઓ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, વાંકાનેર નગરપાલિકાના જન્મ મરણ વિભાગ અને લગ્નની નોંધણી વિભાગની કામગીરીનો કર્મચારીઓ હિસાબ આપતા ન હોવાથી આ બાબતે હિસાબ માંગતા કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા હતા. જેથી વિવિધ કામગીરી ખોરાવતા આજે રાજકોટથી રિઝનલ ઓફિસર વાંકાનેર દોડી આવ્યા હતા અને હડતાલ કરી રહેલા વાંકાનેર પાલિકાના કર્મચારીઓને સમજાવતા કર્મચારીઓએ આજે હડતાલ સમેટી લેવાની જાહેરાત કરી હતી.

હાલ તો વાંકાનેર નગરપાલિકાના કર્મચારીઓએ હતલાલ સમેટીને પોતાની ફરજ ઉપર લાગી ગયા હોવાનું જાણવા મળે છે.

- text