સ્વ. ગોકળદાસભાઇ પરમારે કરેલ સેવાકાર્યની સુવાસ કાયમી પ્રસરતી રહેશે : રાજયમંત્રી

- text


મોરબી ખાતે ‘‘ગાંધીબાગનું પુષ્પઃ ગોકળદાસભાઇ પરમાર’’ સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્ટેચ્યુ અનાવરણ અને આર્ટ ગેલેરી ખુલ્લી મુકવાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

સ્વ. ગોકળદાસભાઇ પરમારે પોતાનું જીવન નિઃસ્વાર્થ સેવામાં સમાજ માટે સમર્પિત કર્યું : વિધાનસભા અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય

મોરબી : મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ મોરબી દ્વારા વીશીપરા, ખાદી કાર્યાલય ખાતે શ્રી મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઇ પરમારની પ્રથમ પુણ્ય તિથિએ ‘‘ગાંધીબાગનું પુષ્પઃ ગોકળદાસભાઇ પરમાર’’ સ્મૃતિગ્રંથનું વિમોચન, સ્વ. ગોકળદાસભાઇ પરમારના સ્ટેચ્યુનું અનાવરણ અને આર્ટ ગેલેરી ખુલ્લી મુકવી એમ ત્રિવિધ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહયા હતા.

આ પ્રસંગે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યએ પ્રસંગોચિત ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ ગોકળદાસભાઇ પરમાર પ્રખર ગાંધીજીની વિચારધારાને અનુસરી જીવનપર્યંત કાર્ય કરી પોતાનું જીવન વિતાવ્યું હતું. સ્વ. ગોકળદાસ પરમારે પોતાનું સમગ્ર જીવન નિઃસ્વાર્થ સેવામાં સમાજને સમર્પિત કરેલ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સ્વ. ગોકળદાસભાઇ પરમાર ગાંધી વિચારધારા અનુસાર ગાંધી ચિંધ્યા માર્ગે જ ચાલી સમાજસેવાના કાર્યો કરી સમાજની સેવા કરી હતી. તેઓ ખરા અર્થમાં સમાજ સુધારક જ નહિં પરંતુ સમાજ સુધારા સંત હતાં.

અધ્યક્ષએ વધુમાં ઉમેર્યું હતું કે મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખશ્રી અને લોકસેવક સ્વ. ગોકળદાસભાઇ પરમારની પ્રથમ પુણ્ય તિથિએ ‘‘ગાંધીબાગનું પુષ્પઃ ગોકળદાસભાઇ પરમાર’’ સ્મૃતિગ્રંથનું વિમોચન કરવામાં આવેલ છે, જે પુસ્તકમાં સ્વ. ગોકળદાસભાઇ પરમારના જીવનના પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે તેનો અભ્યાસ કરી સ્વ. ગોકળદાસભાઇ પરમારના જીવનમાંથી પ્રેરણા લઇ જીવન ઘડતર કરીએ એ જ આજના પ્રસંગે સાચા અર્થમાં સ્વ. ગોકળદાસભાઇ પરમારને શ્રદ્ધાંજલિ છે.

વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્યએ મોરબી-માળીયાના ધારાસભ્ય અને મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાની કાર્યપદ્ધતિની સરાહના કરી હતી.

આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત(સ્વતંત્ર હવાલો) ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અતિથિ વિશેષ પદેથી ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે સ્વ. ગોકળદાસભાઇ પરમાર ગાંધી વિચારધારાના પ્રખર હિમાયતી હતાં. તેમણે સમાજ સેવાના કરેલ કાર્યની સુવાસ કાયમી પ્રસરતી રહેશે અને તેમનામાંથી દરેકને પ્રેરણા મળતી રહેશે. તેમણે વધુમાં ઉમેરતા જણાવ્યું હતું કે સ્વ. ગોકળદાસભાઇ પરમારે જિલ્લાના દરેક નાગરિકના ઉત્કર્ષ માટે ચિંતા કરી હતી. તેમણે કરેલા કાર્યોથી એમ કહેવાય કે સ્વ. ગોકળદાસભાઇ પરમાર મોરબીના ગાંધીજી હતાં.

આ પ્રસંગે કબીર અશ્રમના મહંત શિવરામબાપુ, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ દેવેન્દ્રભાઇ દેસાઇએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સ્વ. ગોકળદાસભાઇ પરમારને શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

આ પ્રસંગે નકલંક મંદિર-બગથળાના મહંત દામજી ભગત, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, મોરબી રાષ્ટ્રીય સેવા મંડળના પ્રમુખ દેવકરણભાઇ કંઝારીયા, ડો.. અનામીકભાઇ શાહ, જયંતિભાઇ પટેલ, ધીરૂભાઇ ધાબલીયા, ડો. અનિલભાઇ મહેતા, કે.કે. પરમાર, ભાવેશભાઇ કંઝારીયા, અરવિંદભાઇ વાંસદડીયા, મીઠાબાપા, વશરામભાઇ ઝાલરીયા, ડો. એલ.એમ. કંઝારીયા, પ્રદિપભાઇ વોરા, મગનભાઇ, મહાદેવભાઇ, ગોકળભાઇ ઝાલરીયા, ગીરધરભાઇ મેરજા, પદાધિકારીઓ-અધિકારીઓ સહિત નગરજનો ઉપસ્થિત રહયા હતા.

- text