હળવદના માલણીયાદ ગામે રેતી માફિયાના ત્રાસ સામે સરપંચ મેદાને

- text


 

સરપંચે મામલતદારને રજુઆત કરી ગેરકાયદે રેતી ચોરી બંધ કરાવવાની માંગ કરી

હળવદ : હળવદ પંથકમાં બેફામ ખનિજચોરીની વ્યાપક ફરિયાદ વચ્ચે હળવદના માલણીયાદ ગામે ખનીજ ચોરી બંધ કરાવવા સરપંચ મેદાને આવ્યા છે. તેઓએ મામલતદારને રજુઆત કરી તેમના ગામે રેતી માફિયાઓ ગેરકાયદે રેતીનું ખનનન કરી બેફામ રીતે વાહનમાં અવર-જવર કરતા હોય એ દરમિયાન અકસ્માત થાય તો ચોરી પે સીનાજોરીની જેમ સ્થાનિક લોકોને સાથે ઝઘડા કરી ધાક ધમકી આપતા હોવાથી ગેરકાયદે રેતી ચોરી બંધ કરાવવાની માંગ કરી છે.

માલણીયાદ ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન દલસુખભાઈ કુણપરાએ ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર ગ્રામજનોને સાથે રાખી કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે અમારા ગામની બાજુમાંથી ખારી નદી પસાર થાય છે. આ નદી આગળ જતા રણમાં ભળી જાય છે આ નદીના પટમાંથી રેતી માફિયાઓ દિવસ અને રાતે ગેરકાયદેસર રીતે રેતી ઉપાડી રહ્યા છે જેથી અહીં રસ્તામાંથી પસાર થતાં ખેડૂતોને અવારનવાર અકસ્માતનો ભોગ બનવું પડે છે.

- text

વધુમાં જો કોઈ ગામના લોકો આ રેત માફિયા સામે બોલે તો તેઓને ધાક ધમકી અપાઈ રહી છે. અવાર નવાર ગામમાં રેતી ચોરીના કારણે વાતાવરણ ખરાબ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ સાથે જ મામલતદારને રૂબરૂ સ્થળ તપાસ કરવા પણ સરપંચ દ્વારા કહેવાયું છે અને ગેરકાયદેસર રીતે રેતી ઉલેચતા શખ્સો સામે કાર્યવાહી કરવા લેખિતમાં રજૂઆત કરાઇ છે જેથી હવે જોવાનું એ રહ્યું કે કોઈ કાર્યવાહી થાય છે કે પછી જેમ ચાલે છે તેમ જ ચાલ્યા કરશે.

- text