શીખવાની કોઈ ઉંમર નથી હોતી: ભડિયાદના વૃદ્ધાએ 80 વર્ષે અક્ષરજ્ઞાન પ્રાપ્ત કર્યુ

- text


જીવનની ઢળતી સંઘ્યાએ લખતા-વાંચવાનું મન થયું અને 300 પાનાંની 6 બુક લખી નાખી

મોરબી: ગુજરાતીમાં એક કહેવત છે મન હોય તો માળવે જવાય, તે કહેવતને સાચા અર્થમાં સાર્થક બનાવી છે મોરબીના ભડિયાદ ગામના ૮૦ વર્ષના વૃદ્ધા અમૃતબેન ગિરધરભાઈ આદ્રોજાએ. મોરબી તાલુકાનું ભડિયાદ ગામ કે જ્યાં અમૃતબેન આદ્રોજા પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. અમૃતબેનની ઉંમર ૮૦ વર્ષને વટાવી ગઈ છે. અમૃતબેન અભણ હતા. પરંતુ વર્ષ 2017માં તેઓને વાંચતા-લખતા શીખવાનું મન થયું અને બસ મન મક્કમ કરીને તેઓ અભ્યાસ કરવામાં લાગી ગયા.

સૌપ્રથમ અમૃતબેને હાથમાં કક્કો બારખડીની બુક લીધી. લખવાનું શરૂ કર્યું અને છ મહિનામાં જ અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. ત્યારબાદ અમૃતબેન આદ્રોજાએ ‘ઓમ નમઃ ભગવતે વાસુદેવાય’ મંત્ર લખવાનું ચાલુ કર્યું. મંત્ર લખવા માટે તેમણે 300 પેજની બુક લીધી. એક પેજમાં 32 મંત્રો લખ્યા, તેવા 300 પેજ મંત્રોથી ભરી દીધા. આ પ્રમાણે 300 પાનાની 6 બુક લખી નાખી. 31 માર્ચ 2022ના રોજ 1 લાખ 25 હજાર મંત્ર લખી નાખ્યા.

- text

બાદમાં પૂજ્ય શ્રી કનકેશ્વરી દેવીના દર્શન કરી લખેલા મંત્રની 6 બુક તેઓને બતાવી આશીર્વાદ લીધા. માતાજીએ પૂજ્ય ડોંગરેજી મહારાજનું ‘ભાગવત’ પ્રસાદીમાં આપ્યું. આમ 80 વર્ષ વટાવી ગયેલા અમૃતબેન અદ્રોજાએ જીવનના અંતિમ તબક્કામાં અક્ષરજ્ઞાન પ્રાપ્ત કરીને અન્યોને પણ શિક્ષિત બનવા પ્રેરણા પૂરી પાડી છે.

- text