વાંકાનેરના સિનિયર પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી નિધન, સોમવારે બેસણું

- text


હરિચરણદાસ મહારાજના દેવલોકગમનથી નીલેશભાઈ ચંદારાણા વ્યથિત રહેતા હતા

વાંકાનેર : વાંકાનેરના પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી ગઈકાલે દુઃખદ નિધન થયેલ છે. નીલેશભાઈ ચંદારાણાના નિધનથી પત્રકાત્વ જગત અને લોહાણા સમાજમાં ગહેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે. તેઓ હરિચરણદાસ મહારાજના દેવલોકગમનથી વ્યથિત રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેરની પ્રજાના પ્રશ્નોને હરહંમેશ વાચા આપનાર અને રઘુવંશી સમાજનું ગૌરવ એવા નીલેશભાઈ ચંદારાણાનું હૃદયરોગના હુમલાને કારણે દુઃખદ અવસાન થયેલ છે. આજે સવારે 10 કલાકે તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેમાં પત્રકારત્વ, રાજકીય અને સામાજિક ક્ષેત્રના લોકો બહોળી સંખ્યામાં જોડાયા હતા અને શોક વ્યક્ત કર્યો હતો.

મૂળ વાંકાનેરના વતની અને છેલ્લા એક વર્ષથી રાજકોટમાં રહેતા 55 વર્ષીય નીલેશભાઈ ચંદારાણા નિત્યક્રમ મુજબ વાંકાનેર-રાજકોટ અપડાઉન કરતા હતા. તે રીતે ગઈકાલે સાંજે તેઓ રાજકોટ બસ સ્ટેશન પહોંચ્યા અને તેમને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું અવસાન થયેલ હતું. ત્યારબાદ તેઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે નીલેશભાઈ ચંદારાણા ગોંડલના સંત હરિચરણદાસ મહારાજના પરમ ભક્ત હતા. હરિચરણદાસ મહારાજ સોમવારે સવારે બ્રહ્મલીન થયા હતા. નીલેશભાઈ ચંદારાણાના ભાઈ લિતેષભાઇ ચંદારાણાના કહેવા મુજબ બાપુના દેવલોકગમનથી નીલેશભાઈ ચંદારાણા ખુબ જ વ્યથિત રહેતા હતા.

- text

નીલેશભાઈ ચંદારાણા પત્રકારત્વ ક્ષેત્રની સાથે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે અગ્રેસર રહેતા હતા. તેમની કોલેજમાં અભ્યાસ કરતી પુત્રી રાધિકા અને ધો. 11માં અભ્યાસ કરતો પુત્ર કેવલએ નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ, નીલેશભાઈ ચંદારાણા અચાનક સ્વર્ગે સિધાવતા પરિવારજનો, કુટુંબીઓ, મિત્રવર્ગ અને પત્રકારત્વ અને સામાજિક આગેવાનોએ શોક વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

મૂળ વાંકાનેરના વતની હાલ રાજકોટ નિવાસી પત્રકાર નીલેશભાઈ લલિતભાઈ ચંદારાણા (ઉ.વ. 55), તે લલિતભાઈ ચંદારાણા અને મંજુલાબેન ચંદારાણાના પુત્ર, મનોજભાઈ ચંદારાણા અને લિતેષભાઇ ચંદારાણાના મોટા ભાઈ, પારૂલબેન ચંદારાણાના પતિ, રાધિકા ચંદારાણા અને કેવલ ચંદારાણાના પિતાનું તા. 30/03/2022ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 04/04/2022ને સોમવારે સાંજે 4થી 6 કલાક દરમિયાન ફળેશ્વર મહાદેવ મંદિર, જડેશ્વર રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે.

- text