સાવધાન! કૂતરું કરડ્યા બાદ રસી લેવામાં બેદરકાર આધેડનું હડકવાની અસરથી મોત

- text


વાંકાનેરના પંચાસિયા ગામની ઘટના : 4 મહિના પહેલા કૂતરું કરડયું હોય એને નોર્મલ ગણીને રસી ન લેતા હડકવા ઉપડતા સારવાર દરમિયાન મોત
અન્યોને હડકવા ન ઉપડે તે માટે મૃતકના સંપર્કમાં આવેલ 25 લોકોને હડકવા વિરોધી રસી અપાઈ

વાંકાનેર : વાંકાનેરના પંચાસિયા ગામે કૂતરું કરડ્યા બાદ રસી લેવામાં બેદરકારી કરનાર આધેડને જીવ ગુમાવવો પડ્યો હતો. જેમાં 4 મહિના પહેલા તેમને કૂતરું કરડયું હતું.પરંતુ તેઓએ આ વાતને સામાન્ય ગણીને રસી મુકાવવા ન જતા તેમને ચાર-પાંચ દિવસ પહેલા હડકવા ઉપડ્યો હતો અને હડકવાની અસરથી આધેડનું મોત નીપજ્યું હતું. આથી સાવચેતીને ધ્યાને લઇ અન્યોને હડકવા ન ઉપડે તે માટે મૃતકની સંપર્કમાં આવેલ 25 લોકોને હડકવા વિરોધી રસી અપાઈ છે.

વાંકાનેરના પંચાસિયા ગામે રહેતા સામાજિક અગ્રણી અકબરભાઈ બાદીએ આ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે તેમના જ ગામમાં રહેતા વકાલીયા ઇબ્રાહિમભાઈ મીરારજીભાઈ નામના આધેડ વ્યક્તિ ચાર માસ પહેલા તેમના ઘરની બહાર ખાટલો નાખીને સુતા હતા. તે દરમિયાન એક કૂતરું તેમને કરડયું હતું. જો કે તેમણે માથે ચાદર ઓઢેલી હોય કૂતરાએ માથા ભાગે બચકું ભરતા તેમને માથાના ભાગે કૂતરાની દાઢનો ઊંડો ઘા પડી ગયો હતો. પરંતુ આધેડ વ્યક્તિએ કૂતરું કરડ્યાને વાતને જરાય ગંભીરતાથી લીધી ન હતી અને સામાન્ય ઇજા ગણીને રૂઝ આવી જશે તેમ માનીને હડકવા વિરોધી રસી મુકાવી ન હતી. આ ઘટનાને ખાસ્સો સમય વીતી ગયા બાદ ચાર પાંચ દિવસ પહેલા તમને હડકવા ઉપડ્યો હતો.

- text

હડકવા ઉપડતા જ તેમને તાકીદે વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જો કે ડોક્ટરો સચોટ નિદાન કરીને એ વ્યક્તિને હડકવાની અસર થયાનું જણાવ્યું હતું. પણ હડકવા શરીરમાં વધુ ફેલાય જતા આ આધેડનું સારવાર દરમિયાન ગત તા.19 ના રોજ મોત નીપજ્યું હતું. તેથી આ મૃતક વ્યક્તિથી અન્યોને હડકવાનો ચેપ ન લાગતા તે માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં મૃતકના સગા સબધી સહિત સંપર્કમાં આવેલ 25 લોકોને હડકવા વિરોધી રસી આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, કૂતરું સામાન્ય હોય કે હડકાયું. કોઈપણ કૂતરું કરડે એટલે રસી લેવામાં જરાર ઉદાસીનતા રાખવી જોઈએ નહીં. તબીબોના કહેવા મુજબ કૂતરું કરડે એટકે એક માસમાં કે એક વર્ષ સુધીમાં હડકવાની અસર થાય છે. આ વ્યક્તિએ રસી ન લીધી એટલે તેને જીવ ગુમાવવો પડ્યો છે. આથી આ ઘટના સમગ્ર સમાજ માટે લાલબત્તી સમાન છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text