મોરબીના સામાકાંઠે વોકળા ઉપરના દબાણો હટાવાયા

- text


નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી હેઠળ દબાણો દૂર કરાયા

મોરબી : મોરબી નગરપાલિકા દ્વારા હાલ પ્રિમોનસૂન કામગીરી હેઠળ વોકળાની સફાઈ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે સામાંકાંઠે વોકળા ઉપર ગેરકાયદે દબાણો ખડકાયેલા હોય અને આ દબાણો વરસાદી પાણીના નિકાલ માટે અવરોધરૂપ હોવાથી નગરપાલિકા દ્વારા આજે આ વોકળા પરના તમામ ગેરકાયદે દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અને વોકળાને દબાણ મુક્ત કરવામાં આવ્યો હતો.

મોરબી નગરપાલિકા દ્વારા પ્રિમોનસૂન કામગીરી હેઠળ સામાંકાંઠે મહેન્દ્રનગર તરફ જવાના માર્ગ ઉપર કુળદેવી પાનની દુકાન પાછળ આવેલા વોકળા ઉપર ખડકાયેલા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વોકળા ઉપર ચારથી પાંચ કાચા પાકા ઝુંપડા અને અમુક લોકો પલંગ અને લોંખડ જેવો માલ સમાન રાખી ધંધો કરીને આ જગ્યાએ ઉપર કબ્જો જમાવ્યો હતો. આથી, આ દબાણકારોને અગાઉ તંત્રએ નોટિસો ફટકારી હતી. આમ છતાં દબાણકારો ન હટતાં આજે નગરપાલિકા દ્વારા આ વોકળા ઉપર ખડકાયેલા તમામ કાચા-પાકા દબાણો દૂર કરી દેવામાં આવ્યા હતા.

- text

નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાની આગેવાની હેઠળ પાલિકાના એન્જિનિયર ધીરુભાઈ સુરેલીયા, બુચભાઈ, હિતેશભાઈ રવેશિયા સહિતના પાલિકાના સ્ટાફે વોકળા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી હતી.

- text