ટંકારામા અધૂરા ઓવરબ્રિજ ઉપર ટ્રેલરની ગુલાંટ : ટ્રાફિકને અસર

- text


સર્વિસ રોડ આપ્યા વગર ચાર વર્ષથી ચાલતા કામમાં અનેક વાહનો અકસ્માતનો ભોગ બને છે : સ્થાનિક લોકો પરેશાન

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવે ચાર માર્ગીય બનાવ્યા બાદ ટંકારા લતીપર ચોકડી ખાતે ઓવરબ્રિજનુ કામ અણઘડ રીતે ચાર વર્ષથી ચાલી રહ્યું છે ત્યારે તંત્ર અને કોન્ટ્રાક્ટરે નાણાં બચાવવા સર્વિસ રોડ કાઢ્યા વગર જ રગશિયા ગાડાની જેમ કામ ચાલુ રાખતા અડધા ઓવરબ્રિજે એક ટ્રેલર ગુલાંટ મારી જતા ટ્રાફિકજામ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વાહનચાલકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.

રાજકોટ-મોરબી હાઇવે ઉપર મિતાણા, ટંકારા અને મોરબી ભક્તિનગર સર્કલ નજીક છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે જે પૂરું થતું જ ન હોય અનેક અકસ્માતો સર્જાતા વાહનચાલકોને આર્થિક નુકસાન જાય છે ઉપરાંત રાહદારીઓને ધુળની ડમરી સહન કરવી પડે છે, આવામાં ગતરાત્રીના ટંકારા ઓવરબ્રિજ ઉપર પસાર થતું ટ્રેલર ગડથોલિયુ ખાઈ જતા એક તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે.

ઉલ્લેખનીય છે કે ઓવરબ્રિજનું કામ શરૂ થાય તે પૂર્વે સર્વિસ રોડ કાઢવો ફરજીયાત હોવા છતાં માર્ગ અને મકાન વિભાગની કૃપાથી કોન્ટ્રાક્ટરે ટંકારા પોલીસ મથકથી રાજકોટ તરફ જતા માર્ગ ઉપર સર્વિસ રોડ કાઢવાની બદલે ખર્ચ બચાવતા હાલમાં વાહનો અધૂરા ઓવર બ્રિજ ઉપર ઉછળ કૂદ કરતા પસાર થાય છે અને આવા જ કારણોસર જીવલેણ અકસ્માત સર્જાય છે. જો કે ગઇકાલની ઘટનામાં સદભાગ્યે જાનહાની નથી.

આ સંજોગોમાં ડાયવર્ઝન કે સર્વિસ રોડ આપ્યા વગર બેરોકટોક પણે બ્રિજનું કામ ચાલુ હોવા છતાં આ મુદ્દે વહીવટી તંત્રએ ભેદી મૌન ધારણ કરી લેતા સહન કરવાનો વારો ટંકારાના પ્રજાજનોનો આવ્યો છે અને લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે હજુ કેટલા વર્ષ સુધી ઓવરબ્રિજના કોન્ટ્રાકટરનો ત્રાસ સહન કરવો પડશે.

- text

- text