કાળમુખા ડમ્પર, કાળા કાચ વાળી ગાડી અને ઘોંઘાટીયા બુલેટ ચાલકો સામે દિવસભર કાર્યવાહી

- text


મોરબી શહેર અને જિલ્લામાં તમામ પોલીસ મથકો દ્વારા 182 વાહન ચાલકો વિરુદ્ધ ફોજદારી

મોરબી : મોરબી શહેરમાં સામાન્ય નાગરિકો માટે જોખમરૂપ બનેલા ધૂમ સ્ટાઇલ બાઈક ચાલકો બાદ કાળ બનીને ફરતા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકો વિરુદ્ધ કડક હાથે કામગીરી કરવા જિલ્લા પોલીસવડાએ આદેશ આપતા આજે મોરબી જિલ્લા ટ્રાફિક શાખા અને તમામ પોલીસ મથક દ્વારા ઝુંબેશરૂપે દિવસભર કામગીરી કરી કાળા કાચ, ડમ્પર અને બુલેટ સહિતના 182 વાહનો સામે ફોજદારી કાર્યવાહી કરતા આવા તત્વોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

મોરબી જીલ્લામાં અકસ્માતના બનાવો બનતા હોય છે જેમાં અમુક વાહન ચાલકો તેમના વાહનમાં નંબર પ્લેટ લગાવતા નથી જેથી નંબર પ્લેટ વગર બેફામ રીતે ચાલતા ટ્રક-ડમ્પરો તથા મોડીફાઇડ કરેલ સાયલેન્સર બુલેટ ચાલકો તથા બ્લેક ફિલ્મ વાળી કારમાં અનધિકૃત લખાણ વાળી નંબર પ્લેટ લગાવી વાહન ચાલકો મોરબી જીલ્લાના માર્ગો પર ફરી રહેલ હોય જેથી આજ રોજ જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાએ આ સંબંધે તાત્કાલીક અસરકારક અને દાખલારૂપ કાર્યવાહી કરવા આદેશ આપતા તમામ પોલીસ મથક દ્વારા ઝુંબેશ હાથ ધરી કડક કાર્યવાહી કરી હતી.

આજરોજ મોરબી જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપતા ના.પો.અધિકારી મોરબી વિભાગના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી અધિકારી તથા કર્મચારી સાથે પૂરઝડપે તેમજ નિયમોનો ભંગ કરતા ડમ્પરો, મોટર-કાર તથા બુલેટ મોટર સાયકલોના ચાલકો જે ઓવર સ્પિડમાં તેમજ ભયજનક રીતે ચલાવીને નીકળેલ વાહનોને ઝડપી પાડી 22 કેસ કર્યા હતા તથા નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા ડબલ સાયલેન્સર વાળા વાહનોને એમ.વી.એકટ ૨૦૭ મુજબ ડીટેઇન-૪૯ કેસ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત નંબર પ્લેટ વગરના તેમજ ગેરકાયદેસર લખાણ તથા સુશોભીત નંબર તથા શીટ બેલ્ટ વગરના તથા કાળા કાચ વાળા તથા વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનુ લાયન્સ સાથે નહિ રાખે તથા રોંગ સાઇડમાં તથા ચાલુ વાહને મોબાઇલ ફોનમાં વાત કરતા નીકળેલ વાહન ચાલકો વિરૂધ્ધ એન.સી. કુલ 111 કેસ કરી તેનો સ્થળ દંડ રૂ.૫૨૦૦૦/- વસુલ કરેલ હતો.

- text

આમ મોરબી જિલ્લામાં આજે પોલીસે વાહન ચાલકો વિરૂધ્ધ દાખલારૂપ કાર્યવાહી કરેલ છે અને હજુ પણ વાહન ચાલકો ઉપરોકત મોડીફાઇ કરેલ સાયલેન્સરો કે વાહનને લગતા દસ્તાવેજી કાગળો કે ચાલકનું લાયન્સ સાથે નહિ રાખે અને ભયજનક રીતે કે ટ્રાફિકને અડચણરૂપ વાહનો પાર્કિંગ કરશે અને ટ્રાફિકના નિયમોનુ ભંગ કરશે તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેમ જિલ્લા પોલીસવડા દ્વારા સતાવાર જાહેર કરાયું છે.

- text