લેખા જોખા : ભાજપ-કોંગ્રેસની હૂંસા તૂસીમા મોરબી પાલિકાનો વહીવટ ખાડે ગયો

- text


રોડ-રસ્તા, ગંદકી, સફાઈ, પાણી અને ભૂગર્ભ ગટરની સમસ્યાનો ઉકેલ શોધવામાં તંત્ર ઉણું ઉતર્યુ

છેલ્લા પાંચ વર્ષમાં મોરબીની જનતાએ જોયા સતા લાલસાના વરવા ખેલ

મોરબી : સિરામિક ઇન્ડસ્ટ્રીઝને કારણે સમગ્ર વિશ્વ ફલક ઉપર છવાઈ ગયેલ મોરબી શહેરના વિકાસને ગળેટુંપો આપી દેવાયો હોય તેવી સ્થિતિ શહેરીજનો અનુભવી રહ્યા છે અગાઉ ભાજપ બાદ ગત ચૂંટણીમાં કોંગ્રેસને પ્રચંડ બહુમતી આપનાર પ્રજાજનોને બદલામાં ઉભરાતી ભૂગર્ભ ગટર,તૂટેલા ફૂટેલા રોડ રસ્તા,ગંદુ પીવાનું પાણી,જરૂરત વગર 24 કલાક ચાલુ રહેતી સ્ટ્રીટલાઈટ અને સફાઈ વ્યવસ્થાનો સંપૂર્ણ અભાવ જ ભેટમાં મળ્યો છે, જેની પાછળ કોંગ્રેસ ઉપરાંત ભાજપ પણ એટલું જ જવાબદાર હોવાનું અને સતા લાલસામાં પ્રજાસેવકો પ્રજાના કામ કોરાણે મૂકી દીધા હોવાનું સ્પષ્ટ બન્યું છે ત્યારે પાલિકાના બાબુઓ પણ રાજકીય ખેંચતાણમાં સાઈડ લાઈન થઈ જતા સરવાળે પાછલાં પાંચ વર્ષમાં પ્રજાને હેરાનગતિ સિવાય કશું મળ્યું નથી.

ભવ્ય રાજાશાહી વારસો ધરાવતા મોરબી શહેરમાં વર્ષ 1950માં નગરપાલિકા અસ્તિત્વમાં આવી તે સમયે મોરબી શહેરની વસ્તી માત્ર 40772 હતી હાલ શહેરની વસ્તી ત્રણ લાખને પાર કરી ગઈ છે છતાં મહાનગરપાલિકાની હરોળમાં આવતા શહેરમાં દીર્ઘ દ્રષ્ટિ ધરાવતા પ્રજાસેવકોના અભાવે શહેરનો સર્વાંગી વિકાસ દિવાસ્વપ્ન બન્યો છે, ઈચ્છાશક્તિના અભાવ અને રાજકીય ચંચૂપાતને કારણે આજે પણ મોરબીમાં 70 વર્ષ જુના સાંકડા માર્ગો ઉપર ગીચ ટ્રાફિકમાં વાહનો ચલાવવા અને ચાલવા માટે લોકો મજબુર બન્યા છે.એ જ કરોડો રૂપિયાના આંધણ બાદ પણ શહેરભરમાં ઉભરાતી ભૂગર્ભ ગટરોથી પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે,સાવ સામાન્ય ગણાતી આ સમસ્યાના ઉકેલમાં પાલિકા અને પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દાયકા બાદ પણ સમાધાન શોધી શકી નથી.

સિરામિક હબ તરીકે ઉભરી આવેલા મોરબી શહેરમાં વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાના અભાવે દરવર્ષે ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા પરંતુ મોરબી હોનારત જેવી દુર્ઘટના બાદ પણ પાલિકાતંત્ર કે રાજકારણીઓ દ્વારા આ દિશામાં કોઈ નક્કર સમાધાન કરી શકાયું નથી. ઉપરાંત દૈનિક શુદ્ધ પાણી વિતરણ,સારા અને સુઘડ જાહેર માર્ગો,સફાઈ વ્યવસ્થા સહિતના પ્રાથમિક પ્રશ્નોના નિરાકરણમાં પણ મોરબીનુ વહીવટીતંત્ર અને પાલિકાતંત્ર સંપૂર્ણપણે ઉણુ ઉતર્યું છે ત્યારે આવનારા દિવસોમાં મોરબી પાલિકામાં નવા સુકાનીઓ આ બધી સમસ્યાના ઉકેલ સાથે મોરબીનો સર્વાંગી વિકાસ થાય અને લોકોને મહાનગરમાં મળતી સુવિધા મળે તે દિશામાં પ્રયાસ કરે તે જરૂરી હોવાનું પ્રજાજનો ઈચ્છી રહ્યા છે.

મોરબી પાલિકામાં રાજકીય ઉથલ-પાથલ રોજિંદી

મોરબી નગરપાલિકામાં છેલ્લા પાંચ વર્ષમાં રાજકીય ઉથલ પાથલ રોજિંદી બની હોય તેવી સ્થિતિ વચ્ચે ચાર પ્રમુખ અને પાંચ ઉપપ્રમુખ બદલાય હોવાનો ઇતિહાસ રચાયો છે જેમાં પ્રથમ અઢીવર્ષમાં જ ત્રણ પ્રમુખ અને ચાર ઉપપ્રમુખ બદલાય હતા અને કોંગ્રેસમાં બળવો સર્જી ભાજપ-કોંગ્રેસના સભ્યોએ વિકાસ સમિતિના નામે પણ શાસન ચલાવ્યું હતું જે અલ્પજીવી સાબિત થયું હતું અને બળવાના કારણે પેટા ચૂંટણી પણ યોજવી પડી હતી જેમાં તમામ બેઠક ભાજપે કબ્જે કરી હતી છેલ્લા દિવસોમાં કોંગ્રેસમાંથી ચૂંટાઈ પ્રમુખ બનેલ કેતન વિલપરાએ જતા-જતા પક્ષપલટો કરી કેસરિયા કર્યા હતા.

- text

મોરબી પાલિકામાં 1995થી સતત ભાજપ રાજ : ગત ચૂંટણીમાં પાટીદાર ઇફેક્ટથી કોંગ્રેસ જીતી

1950થી અસ્તિત્વમાં આવેલી મોરબી નગરપાલિકામાં પ્રથમ વખત નાગરિક મંડળને સતા મળ્યા બાદ સતત ભાજપને જનસમર્થન મળ્યું છે,પાછલા વર્ષોનો ઇતિહાસ જોઈએ તો 1995થી સતત ભાજપને બહુમતી મળી હતી પરંતુ 2015માં પાટીદાર અનામત આંદોલનને પગલે કોંગ્રેસને ભારે બહુમત સાથે શાસનની તક મળી હતી,એકંદરે મોરબીની પ્રજા ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષને સ્વીકારતી ન હોવાનું પણ ઇતિહાસ જણાવી રહ્યો છે.

પાછલી ત્રણ ચૂંટણીના પરિણામ

વર્ષ 2005—52.79 ટકા મતદાન– 23 ભાજપ —17 કોંગ્રેસ—2 અપક્ષ
વર્ષ 2010—53.98 ટકા મતદાન– 31 ભાજપ —10 કોંગ્રેસ—1 અપક્ષ
વર્ષ 2015—65.55 ટકા મતદાન– 20 ભાજપ —32 કોંગ્રેસ—0 અપક્ષ

મોરબી પાલિકામાં મતદારો

મોરબી નગરપાલિકામાં હાલ 13 વોર્ડમાં 52 બેઠકનો સમાવેશ થાય છે જેમાં 143 મતદાન મથકો આવેલા છે,અને 77512 પુરુષ તથા 71525 સ્ત્રી તેમજ અન્ય 1 મળી કુલ 1,49,038 મતદર મતદાર નોંધાયેલ છે જે આગામી 28 ફેબ્રુઆરીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

નવા શાસકો મોરબીને રહેવા લાયક બનાવે : નિલેશ જેતપરિયા

મોરબીનગરપાલિકાની આગામી ચૂંટાયેલી પાંખ સામે અનેક પડકારો ઉભા છે ત્યારે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ શહેરની પ્રવર્તમાન સ્થિતિનો ચિતાર આપી અહીં ટ્રાફિક સમસ્યાથી લઈ પાર્કિંગ, બાગબગીચા અને વોકિંગ ટ્રેક સહિતની જરૂરિયાતો ઉપર ભાર મુકતા કહ્યું હતું કે મોરબી તાલુકા સેન્ટર નથી પરંતુ હવે મહાનગર તરફ આગેકૂચ કરી રહ્યું છે જેથી સરકાર,પાલિકાનું વહીવટીતંત્ર અને નવા શાસકો મોરબીને રહેવા યોગ્ય શહેર બનાવી તેવી આકરી ટકોર કરી થોડામા ઘણું બધું કહ્યું છે.

મોરબીમાં મહાનગરપાલિકા આવે ત્યારે જ પ્રશ્ન ઉકેલાશે : સતીષ કાનાબાર

મોરબીના સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિક એવા સતીષ કાનાબારે જણાવ્યું હતું કે મોરબીમાં ભાજપ હોય કે કોંગ્રેસ પક્ષ હોય લોકોને સુવિધા આપવાની બાબતમાં રાજકીયપક્ષોની ઈચ્છા શક્તિનો સદંતરપણે અભાવ જોવા મળી રહ્યો છે આ સંજોગોમાં મોરબીની દરેક સમસ્યાનો ઉકેલ ત્યારે જ આવશે જયારે અહીં મહાનગરપાલિકા બનશે.

ભાજપની ભાંગફોડને કારણે મોરબીનો વિકાસ રુંધાયો : શહેર કોંગ્રસ પ્રમુખ

મોરબી નગરપાલિકામાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળવા છતાં ભાજપે ભાંગફોડ કરવાની કૂટનીતિ અપનાવતા છેલ્લા પાંચ વર્ષમાં મોરબીનો વિકાસ રુંધાયો હોવાનો આરોપ શહેર કોંગ્રેસ પ્રમુખ રામભાઈ રબારીએ લગાવ્યો છે,ગત પાંચ વર્ષમાં કાયમી ચીફ ઓફિસરની નિમણુંકથી લઈ બજેટ ના મંજુર કરવા તેમજ પક્ષપલ્ટા સહિતની બાબતોમાં ભાજપે કોંગ્રેસના શાસનમાં રોળા નાખ્યા હોવાનો આરોપ પણ તેમને લાગવ્યો હતો.

કોંગ્રેસે પાંચ વર્ષમાં ભ્રષ્ટાચાર જ કર્યો છે : જયરાજસિંહ જાડેજા

મોરબી નગર પાલિકામાં ગત ટર્મમાં પ્રજજનોએ કોંગ્રેસને તક આપી હતી પરંતુ આ પાંચ વર્ષના શાસનમાં કોંગ્રેસના શાસકો ભ્રષ્ટાચાર આચરવામાં જ ગળા ડૂબી રહ્યા હોવાનું ભાજપના પૂર્વ નગર સેવક અને વિપક્ષી નેતા જયરાજસિંહ જાડેજાએ આરોપ લગાવી એક ના એક રોડ ત્રણ-ત્રણ વખત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.

- text