મોરબી પેટાચૂંટણી : આજથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ

- text


મોરબી સહિતની બેઠકો માટે ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે : 16 ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકાશે, ફોર્મ ભરવા માટે ચૂંટણી પંચે ઓનલાઈન વ્યવસ્થા પણ ગોઠવી : ભાજપ અને કોંગ્રેસ બન્ને મુખ્ય પક્ષો દ્વારા હજુ એક પણ ઉમેદવારોના નામ સતાવાર રીતે જાહેર કરાયા નથી

મોરબી : વિધાનસભાની ખાલી પડેલી મોરબી સહિતની 8 બેઠકોની પેટાચૂંટણી માટે 3 નવેમ્બરે મતદાન થવાનું છે. આ પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાનો પ્રારંભ થયો છે. ઉમેદવાર રૂબરૂ જઇને અથવા તો ઓનલાઇન ફોર્મ ભરી શકે છે. ત્યારે ઉમેદવારો 16 ઓક્ટોબર સુધી ઉમેદવારી પત્રો ભરી શકશે. જોકે, બંને મુખ્ય રાજકીય પક્ષોએ હજુ સુધી પોતાના ઉમેદવારો જાહેર નથી કર્યા. 8 માંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો લગભગ નક્કી છે. માત્ર ઔપચારિક જાહેરાત આગામી સપ્તાહે કરવામાં આવશે. ભાજપના સંભવિત ઉમેદવારોએ પ્રચાર કરવાની શરૂઆત પણ કરી દીધી છે.

જૂનમાં રાજ્યસભાની ચૂંટણી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ આઠ બેઠકો ખાલી પડી હતી. જેમાં મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ, અબડાસા, લિંબડી અને કપરાડા બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી પંચે પણ તૈયારી પુરી કરી લીધી છે. કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો માટેની પેટા ચૂંટણી આગામી 3 નવેમ્બરે યોજાનાર છે. જેના ઉમેદવારી ફોર્મ આજથી ભરાવાના શરુ થયા છે. ત્યારે ઉમેદવારોને આ ચૂંટણી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની સુવિધા પણ શરુ કરી દેવામાં આવી છે.

- text

આ અંગે રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલી ક્રિષ્ણાએ જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણને જોતાં ગુજરાતમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે વધારાની સુવિધા www.suvidha.eci.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વેબસાઈટ પર જે તે બેઠક પર ઉમેદવારી કરી રહેલા ઉમેદવારો પોતાના ફોર્મ ઓનલાઈન ભરી શકશે. તે ઉપરાંત ઉમેદવારી ફોર્મ સાથે એફિડેવિટ પણ ઓનલાઈન ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઉમેદવારને ત્રણ તારીખના વિકલ્પ આપવામાં આવ્યાં છે. આ ત્રણ તારીખમાંથી કોઈ પણ એક તારીખે ઉમેદવારે રિટર્નિંગ ઓફિસર પાસે ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ સહી કરીને રૂબરૂમાં રજુ કરવાની રહેશે.

ચૂંટણી પંચની 27 ફ્લાઈંગ સ્ક્વોડ આજથી આચારસંહિતા પર નજર રાખવા કાર્યરત કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા પેટાચૂંટણી માટે મુખ્ય ચૂંટણી પંચે 8 બેઠકો માટે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. કોરોનાને કારણે આ વખતે 565 જેટલા વધું બૂથ રાખવામાં આવશે. 8 બેઠકો માટે કુલ 3024 બૂથ બનાવવામાં આવશે. આજથી 27 જેટલી ફ્લાઈંગ સ્કૉડ 8 બેઠકો પર ચૂંટણી આચાર સંહિતા પર નજર રાખશે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી સહિત અન્ય સાત બેઠકો માટે ભાજપના ઉમેદવારો 12 ઓક્ટોબર બાદ ફોર્મ ભરશે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text